રાજકોટ
News of Thursday, 25th November 2021

કોટેચા ચોક-યુનિ. રોડ પર તંત્રની બેદરકારીથી મહાકાય વૃક્ષ ધરાશાયીઃ કલાકો સુધી ટ્રાફીક જામઃ સદ્નશીબે કોઇને ઇજા નહી

વિજ કંપનીએ કેબલ નાંખવા માટે ખાડો ખોદતી વખતે વૃક્ષના મુળીયા કાપી નાંખતા તોતીંગ ઝાડ પડી ગયું: મ.ન.પા.ના અધિકારીઓએ સ્થળ પર દોડી જઇ મુળીયા કાપી નંખાયાના ફોટા સહીતના પુરાવા એકત્રીત કર્યા

યુનિવર્ર્સિટી રોડ પર વીજકંપની બે કેબલ નાંખવા માટે ખોદેલા ખાડાની સાથે રોડ પરના તોતીંગ વૃક્ષના મુળીયા કપાઇ જતા આજે સવારે આ વૃક્ષ રસ્તા પર જમીનદોસ્ત થઇ ગયેલ જેના કારણે ટ્રાફીક જામની સ્થિતિ સર્જાઇ હતી. તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ,રપ :એક તરફ વહીવટી તંત્ર 'વૃક્ષો ઉછેરવા' ની ઝૂંબેશ ચલાવે છે. અને બીજી તરફ સરકારી તંત્રનાં જ એક ભાગ સમી વિજ કંપનીની ખાડા ખોદવાની ગંભીર બેદરકારીને કારણે આજે સવારે કોટેચા ચોકનાં ત્રિ-ભેટે યુનિવર્સિટી રોડ પર વર્ષો જુનું લીલુછમ્મ વૃક્ષ ધરાશાયી થઇ જતાં કલાકો સુધી ટ્રાફીક જામની સમસ્યા સર્જાઇ હતી. જો કે મ.ન.પા.ના ગાર્ડન વિભાગનાં અધિકારીઓએ તુરંત જ સ્થળ પર પહોંચી વૃક્ષને કાપી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

આ અંગે મ.ન.પા.નાં સત્તાવાર સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કોટેચા ચોકનાં ત્રિ-ભેટે યુનિવર્સિટી રોડ ઉપર વર્ષો જુનુ લીલુછમ્મ વૃક્ષ આજે સવારે રસ્તા પર તૂટી પડયુ હતું. આથી રસ્તો બંધ થઇ ગયેલ અને સીટી બસ સહિતનાં વાહનોની લાંબી કતાર રોડ ઉપર થઇ જતાં કલાકો સુધી ટ્રાફિક જામ થઇ ગયેલ. આ બાબતે મ.ન.પા.નાં ગાર્ડન વિભાગનાં અધિકારીઓને જાણ થતા તુરત જ ઘટતાં સ્થળે દોડી ગયેલ અને તપાસ કરતાં માલુમ પડ્યુ હતુ કે આ વૃક્ષને અડી ને જ વીજકંપની દ્વારા કેબલ વાયર નાખવા માટે ખાડો ખોદયો છે. અને ખાડો ખોદતી વખતે વૃક્ષને પકડી રાખનાર મજબુત મુળિયા પણ કાપી નંખાયા હતા. આથી વૃક્ષની પકડ જમીનમાંથી નબળી પડવા લાગી અને ધીમેધીમે આ મહાકાય વૃક્ષ જમીનદોસ્ત થઇ ગયું હતું.

દરમિયાન અધિકારીઓએ આ ઘટનાક્રમનો ફોટો પાડી અને તાત્કાલીક ધોરણે રસ્તા પર પડેલા આ વૃક્ષને કાપી રસ્તો ખુલ્લો કરાવી નાખ્યો હતો.

આમ તંત્રની બેદરકારીને કારણે વર્ષો જુના લીલાછમ વૃક્ષનો અકાળે ભોગ લેવાતા વૃક્ષ પ્રેમીઓમાં અરેરાટી બોલી ગઇ હતી.

(3:35 pm IST)