રાજકોટ
News of Thursday, 25th November 2021

કોરોના મૃતકોની સહાય માટે તાલુકા કક્ષાએ વ્યવસ્થાઃ અરજી પછી મહીનામાં ચુકવણું

મામલતદારશ્રીને ફોર્મ ચકાસણીની સતા અપાઇઃ ગામડાના લોકોને જીલ્લા મથકો સુધી લાંબા નહી થવુ પડે

રાજકોટ, તા., ૨૫: રાજય સરકાર દ્વારા કોરોના મૃતકોનાં વારસદારોને રૂ.પ૦,૦૦૦ની સહાય ચુકવવા માટે તાલુકા કક્ષાએ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને અરજી મળ્યા પછી એક મહીનામાં અરજદારને સહાયની રકમ ચુકવાઇ જાય તે પ્રકારનું આયોજન રાજકોટ જીલ્લા કલેકટરશ્રી દ્વારા કરવામાં આવ્યું છે.

આ અંગે કલેકટરશ્રીએ પ્રસિધ્ધ કરેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ સરકારશ્રીના મહેસુલ વિભાગ, ગાંધીનગરના ઠરાવ અનુસાર કોવિડ-૧૯ (કોરોના) થી થયેલ મૃત્યુ સહાયના કેસમાં એસડીઆરએફ ફંડમાંથી રૂ. પ૦,૦૦૦ ની સહાય ચુકવવાનું ઠરાવેલ છે. ઉકત મૃત્યુ સહાય ચુકવણીના કામે જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે સહાય ચુકવણી માટે જિલ્લા કલેકટરશ્રીને અધિકૃત કરવામાં આવેલ છે. પરંતુ જિલ્લામાં કોવિડ-૧૯ ના કારણે થયેલ મૃત્યુ માટે અરજદારશ્રીઓને જિલ્લાના મુખ્ય મથક ખાતે અરજી કરવા આવવુ ન પડે તેમજ ફોર્મ તથા ફોર્મ અન્વયે જરૂરી માર્ગદર્શન તાલુકા કક્ષાએથી જ મળી રહે તે જરૂરી જણાય છે. વધુમાં અરજદારશ્રી દ્વારા અરજી મળ્યા તારીખથી દિન-૩૦ માં સહાય ચુકવણીની કામગીરી પુર્ણ કરવા જણાવેલ હોઇ, ઉકત  કામગીરી સમયમર્યાદામાં અને ક્ષતિરહિત પુર્ણ થાય તે માટે મામલતદારશ્રી કક્ષાએ જ અરજીની ચકાસણી કરાવવી જરૂરી જણાય છે.

સરકારશ્રીના ઠરાવો-પરિપત્રોની સુચનાઓ ધ્યાને લઇ, અરજદારો પાસેથી નિયત નમુનાના ફોર્મમાં અરજી મેળવવા તેમજ નમુનાની અરજીમાં જણાવ્યા મુજબના આધાર પુરાવાઓ મેળવી તેની સંપૂર્ણ ચકાસણી કરી, ખરેખર કોરોનાના કારણે જ અવસાન થયેલ હોવાની ખાત્રી કરી, તેમજ તેમના વારસદારોની ખરાઇ કરી ચૂકવણા બાબતેના સ્વયંસ્પષ્ટ અભિપ્રાય સાથે દરખાસ્ત કલેકટર અને જિલ્લા નોડલ અધિકારીશ્રી, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલને મોકલી આપવા સબંધિત તાલુકા મામલતદારશ્રીઓને અધિકૃત કરવા હુકમ કરવામાં આવે છે.

ઉકત સહાય ચુકવણીની અરજી ચકાસણી અન્વયે દરખાસ્ત મોકલી આપવાની રહેશે. જેમાં કોવીડ-૧૯ ના કારણે મૃત્યુ પામેલ હોય, તો મૃત્યુ પામેલ વ્યકતી જે ગામમાં રહેવાસી હોઇ, તે તાલુકામાંથી સહાય મેળવવા અરજી કરશે. જે સંબધીત મામલતદારશ્રીએ સ્વીકારવાની રહેશે તેમજ અન્ય જીલ્લાના વતની રાજકોટ જીલ્લામાં મૃત્યુ નોંધાયેલ હોય તેવા કિસ્સામાં મૃત્યુ સ્થળ જે વિસ્તારમાં આવતુ હોય તે વિસ્તારના રાજકોટ શહેર અને રાજકોટ તાલુકાના સબંધીત મામલતદારશ્રીએ ફોર્મ આપવા ફોર્મ સ્વીકારવા તથા ફોર્મની ચકાસણી કરી ધોરણસરની દરખાસ્ત સબંધીત મામલતદારશ્રીએ મોકલવાની રહેશે.

આ માટે ફોર્મ ૪ (સંસ્થાકીય મૃત્યુ પ્રમાણપત્ર) ફોર્મ ૪ એ (બીન સંસ્થાકીય મૃત્યુ પ્રમાણપત્ર)માં મૃત્યુનુ કારણ દર્શાવેલ હોય તેવા કિસ્સાને કોવીડ-૧૯ મૃત્યુ ગણવાનું રહે છે. તેમજ કોવીડ -૧૯ અન્વયે આરટીપીસીઆર / મોડયુલર ટેસ્ટ  / રેપીડ એન્ટીજન ટેસ્ટ (આરએટી) દ્વારા કરેલ હોય અથવા હોસ્પીટલમાં ઇન પેમેન્ટ ફેસેલીટીમાં સારવાર દ્વારા કોવીડ-૧૯નું નિદાન કરવામાં આવે છે. તેને કોવીડ-૧૯ પોઝીટીવ કેસ ગણવાના રહે છે. આ કિસ્સામાં અરજદાર આરટીપીસીઆર / મોડયુલર ટેસ્ટ / રેપીડ એન્ટીજન ટેસ્ટ (આરએટી)નો રીપોર્ટ તથા જન્મ મરણ સબ રજીસ્ટારશ્રી દ્વારા ઇસ્યુ કરેલ મરણ પ્રમાણપત્રની નકલ સાથે સીધી જ અરજી કરવાની રહે છે.

કોવીડ-૧૯ પોઝીટીવ સાબીત થયાના ૩૦ દિવસમાં દર્દી આત્મહત્યા કરે તો પણ સહાય મળવા પાત્ર થશે. ઝેર, હત્યા, અકસ્માતમાં મૃત્યુ વગેરેના કારણે થતા મૃત્યુને કોવીડ-૧૯ મૃત્યુ ગણવામાં આવશે નહી.

(3:37 pm IST)