રાજકોટ
News of Thursday, 25th November 2021

મનપાની ગો-ગ્રીન યોજના પુરપાટ દોડી : બે મહિનામાં ૧૪૦૦ વૃક્ષો રોપાયા

મેયર પ્રદિપ ડવની યોજનાને જબ્બર લોક પ્રતિસાદ : વિસ્તારવાસીઓની માંગણી અને વૃક્ષ ઉછેરની જવાબદારી સાથે થઇ રહ્યું છે વૃક્ષારોપણ

રાજકોટ, તા. રપ : મ.ન.પા. દ્વારા મેયર પ્રદિપ ડવના સુચન બાદ અમલી બનાવાયેલ. વૃક્ષારોપણની 'ગો-ગ્રીન' યોજનાને જબ્બર પ્રતિસાદ મળ્યો છે. મેકમે છેલ્લા બે મહિનામાં શહેરનાં ત્રણેય ઝોનમાં ૧૪૦૦ જેટલા વૃક્ષો રોપાઇ ગયા છે.

મ.ન.પા. દ્વારા આ વખતે હકિકતમાં વૃક્ષના ઉછેર સાથે વૃક્ષારોપણ થાય તે માટે સામાજિક સંસ્થાના સહયોગથી 'ગો-ગ્રીન' યોજના માટેની યોજના જન્માષ્ટમી બાદ અમલી બનાવવા માટે વૃક્ષારોપણ કરતી 'સદ્ભાવના ટ્રસ્ટ'ને પ્રતિ વૃક્ષ ૬૦૦ થી ૧૨૫૦ લેખે કોન્ટ્રાકટ આપવાનું આજની સ્ટેન્ડીંગ કમિટિમાં મંજુર કરાયું હતું.

જે અનુસંધાને હવે ટ્રી-ગાર્ડ ખરીદીના અગાઉના ટેન્ડરો રદ્દ કરી વૃક્ષારોપણ કરતી સંસ્થાઓને કોન્ટ્રાકટ આપવા માટે નવા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં વૃક્ષો માટે ખાડા ખોદવાથી માંડીને રોપણ - પીંજરા સહિતની સુવિધાના રૂ. ૬૫૦ તથા રૂ. ૧૨૫૦માં ત્રણ વર્ષ નીભાવઃ ખાતર - પાણી સહિતની જવાબદારીના સૌથી ઓછા ભાવ જયારે સદ્ભાવના ટ્રસ્ટે વૃક્ષ રોપી આપવાના ૬૫૦ અને નિભાવણી - ઉછેરના રૂ. ૬૦૦નો ભાવ રજુ કરેલ.

આમ સદ્ભાવના ટ્રસ્ટનો ભાવ ઓછો આવતા આ ટ્રસ્ટને કોન્ટ્રાકટ આપવાની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટિમાં રજૂ કરાઇ હતી જે મંજુર કરાઇ હતી.

દરમિયાન ર૧ સપ્ટેમ્બરથી ૧ર-નવેમ્બર સુધીમાં એટલે કે બે મહિના જેટલા સમયગાળામાં સેન્ટ્રલ ઝોનમાં 'ગો-ગ્રીન' યોજના હેઠળ કોઠારીયા રોડ પર ર૬ર, ભકિતનગર સર્કલ રોડ પર ર, ઢેબર રોડ પર ૧૩૭ સહિત ૬૦૮ વૃક્ષો રોપાયા હતા.

જયારે વેસ્ટ ઝોનમાં ગોકુલધામ મવડી રોડ પર ૪ર, કૈલાશ પાર્કમાં ર૧, એસ.આર.પી. કેમ્પ પાસે ૮ર, તોરલ પાર્ક યુનિ. રોડ પર ૩૭ સહિત કુલ પ૮ર વૃક્ષો રોપાયા અને ઇસ્ટ ઝોનમાં કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી સુધી પપ, પેડક રોડ પર-ર, સંતકબીર રોડ પર ર, પારેવડી ચોકથી આજી ચોકડી સુધી ર૯, ગ્રીનલેન્ડ ચોકડીથી બેડી ચોકડી સુધી ર૦ સહિત રર૪ વૃક્ષોનું વાવેતર કરાયું છે.

આમ ઉકત ત્રણેય ઝોનમાં મળી કુલ ૧૪૧૯ વૃક્ષો રોપી તેનુ જગતપૂર્વક ઉછેર થઇ રહ્યાનું સત્તાવાર જાહેર થયું છે. 

(3:49 pm IST)