રાજકોટ
News of Sunday, 27th November 2022

રાજકોટની જનતા સાથે નરેન્‍દ્રભાઈને વિશેષ પ્રેમ

વડાપ્રધાન મોદીને આવકારવા કાર્યકરો- જનતામાં તરવરાટઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ પ્રખર રાષ્‍ટ્રવાદી  નેતા અને ગુજરાતના પનોતા પુત્ર  નરેન્‍દ્રભાઈ મોદી સોમવારે  સૌરાષ્‍ટ્રમાં આવી રહ્યા છે. તેઓની રાજકોટ મુલાકાત અંગે ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું હતું કે, જે પ્રકારે સૌરાષ્‍ટ્ર-રાજકોટ માટે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને સવિશેષ પ્રેમ છે તેવી રીતે સૌરાષ્‍ટ્ર-રાજકોટની  જનતાને પણ  નરેન્‍દ્રભાઈ  માટે સવિશેષ પ્રેમ છે. આગામી વિધાનસભાચૂંટણી સંદર્ભે તેઓ આવી રહ્યા છે ત્‍યારે તેમનું અભૂતપૂર્વ સ્‍વાગત અને આગવું અભિવાદન કરવા માટે ભાજપના કાર્યકરોથી લઈ સ્‍થાનિક જનતા ઉત્‍સાહિત છે. નરેન્‍દ્રભાઈ મોદીનો સૌરાષ્‍ટ્ર સાથેનો નાતો દાયકાઓ જૂનો છે. સૌ  પ્રથમવાર ગુજરાતના મુખ્‍યમંત્રી બન્‍યા બાદ નરેન્‍દ્રભાઈ મોદી રાજકોટથી ધારાસભ્‍ય પદની ચૂંટણી લડ્‍યા અને જંગી બહુમતીથી જીત્‍યા હતા.

રાજકોટ-સૌરાષ્‍ટ્રનું નામ પૂરા રાષ્‍ટ્રથી લઈ વિશ્વભરમાં ગુંજતું થાય તે માટે નરેન્‍દ્રભાઈ મોદીએ ઐતિહાસિક પગલાઓ ભર્યા છે અને રાજકોટ-સૌરાષ્‍ટ્રને આંતરરાષ્‍ટ્રીય કક્ષાની ભેટ ધરી હોવાનું યાદીમાં જણાવાયું છે.

નર્મદાનું પાણી રાજકોટ-સૌરાષ્‍ટ્રને મળે અને પાણીની સમસ્‍યા દૂર થાય તે માટે પ્રધાનમંત્રી બન્‍યા બાદ પણ તેમણે પોતાના પ્રયત્‍નો ચાલુ રાખ્‍યા હતા એટલું જ નહીં અહીં આવેલા ઉદ્યોગોનો વિકાસ થાય, લોકોનું જીવનધોરણ સુધરે, ખેડૂતોની આવક બમણી થાય અને છેવાડાના માનવીને પણ સિંચાઈ, દવાઈ, પઢાઈ, કમાઈ મળી રહે તે માટેની વિવિધ યોજનાની ભેટ આપી છે. રાજકોટ-સૌરાષ્‍ટ્ર માટે નરેન્‍દ્રભાઈ મોદીએ કરેલા લોકકલ્‍યાણકારી કાર્યોનું ઋણ ચૂકવવા આગામી ૧ ડિસેમ્‍બરે મતદારો કમળના બટન પર પોતાનો કિંમતી અને અમૂલ્‍ય મત આપીને કેન્‍દ્રમાં નરેન્‍દ્રભાઈ મોદી અને રાજ્‍યમાં ભૂપેન્‍દ્રભાઈ પટેલની ડબલ એન્‍જીન ભરોસાની ભાજપ સરકારને મજબૂત બનાવશે એવું રાજુભાઈ ધ્રુવે  યાદીના અંતમાં જણાવ્‍યું હતું

 

(1:34 pm IST)