રાજકોટ
News of Friday, 27th January 2023

દેશને ઉન્નતિના શિખરો પર લઇ જવામાં બંધારણનો સવિશેષ ફાળો

રાજકોટમાં આન - બાન - શાન સાથે ત્રીરંગો લહેરાયો : માર્ચપાસ્ટ - રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા : એડીશ્નલ કલેકટર (IAS) કેતન ઠક્કરના હસ્તે શાનદાર ધ્વજવંદન

રાજકોટ તા. ૨૬ : ૭૪મા પ્રજાસત્ત્।ાક પર્વની રાજકોટ શહેર કક્ષાના કાર્યક્રમની આન, બાન, શાનથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને અધિક નિવાસી કલેકટરશ્રી કે.બી.ઠક્કર દ્વારા ચૌધરી મેદાન ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તકે લોકસભાના સંસદ શ્રી રામભાઈ મોકરીયા સહિત રાજકોટવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અધિક નિવાસી કલેકટરશ્રી કે.બી.ઠક્કરએ ગૌરવ સાથે રાષ્ટ્ર ઘ્વજને ફરકાવતા પ્રજાસત્તાક પર્વનો મહિમા જણાવતા કહ્યું હતું કે, આજના દિવસે ૧૯૪૭ માં આઝાદીના સ્વરૂપમાં ભારતને નવજીવન મળ્યું અને નવજીવનને ટકાવી રાખવામાં એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વરૂપી તાકાત થકી ભારતીય પ્રજાસત્ત્।ાક પર્વએ મહત્વનો ભાગ ભજવ્યો છે. દેશને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા ગાંધીજીઅખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશને ખરા અર્થમાં પ્રજાસત્ત્।ાક બનાવનાર ડો. આંબેડકર સહિત દેશના નિર્માણમાં યોગદાન આપનાર જાણીતા અજાણ્યા ભારતવાસીઓના આપણે ઋણી છીએ. દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું અને સંકલિત બંધારણ છે. ખરા અર્થમાં પ્રજાસત્ત્।ાક મૂલ્યોને સમાવી દેશને ઉન્નતિના શિખરો પર લઈ જવામાં આપણા બંધારણનો સવિશેષ ફાળો રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

અધિક નિવાસી કલેકટરશ્રી ઠક્કરે હાલમાં પૂર્ણ થયેલા લોકશાહીના પર્વમાં મતદાન કરીને લોકશાહીના મુલ્યોને જાળવી રાખનાર પ્રજાજનો પ્રત્યે આભાર વ્યકત કર્યો હતો તેમજ સરકારશ્રી દ્વારા જનતા માટે કરવામાં આવેલા પ્રજાહિતના કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો

ધ્વજવંદન અને રાષ્ટ્રગાન બાદ અધિક કલેકટરશ્રીએ હોમગાર્ડ, એન.સી.સી ગર્લ્સ પ્લાટુની સલામી લીધી હતી, ત્યાર બાદ તમામ પ્લાટૂનની માર્ચપાસ્ટ યોજાઈ હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ સ્કુલના બાળકોએ 'ઘર મોરે પરદેશિયા', 'કર હર મેદાન ફતેહ', 'દેશ મેરે' જેવા દેશભકિતના ગીતો પર રાષ્ટ્રભકિત સભર નૃત્યો દ્વારા ઉપસ્થિત સૌ નગરજનોમાં રાષ્ટ્ર ભાવનાનો જોમ અને જુસ્સો ભરી દીધા હતા.

કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી  કે.જી.ચૌધરી, મામલતદાર શ્રી જાનકી પટેલ, સામાજીક અગ્રણીશ્રી યશવંતભાઇ જનાણી તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહી ૭૪માં પ્રજાસત્તાક પર્વમાં સહભાગી બન્યા હતાં.

 

(4:09 pm IST)