રાજકોટ
News of Saturday, 27th February 2021

વાવણીથી લઇ પાક વેચાણ સુધી ખેડુતોનું હિત જોતી

ભાજપ સરકારનું ઋણ મતદાનથી ઉતારવા ખેડુતો માટે કાલે મહામુલો અવસર : રાજુ ધ્રુવ

રાજકોટ તા. ૨૭ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ૬ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયા બાદ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ બહુમતી સાથે વિજય નિશ્ચિત હોવાનો વિશ્વાસ વ્યકત સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે વ્યકત કરેલ છે.

તેમણે જણાવ્યુ કે ભારતીય જનતા પાર્ટીએ હંમેશને માટે છેવાડાના માનવી સુધી પહોંચવા પ્રયાસ કર્યા છે. જે રીતે શહેરનો જેટ ગતિએ વિકાસ થઇ રહ્યો છે તે જ રીતે ગામડાનો પણ વિકાસ થાય એ ભાજપની પ્રાથમિકતા છે. ગામડાઓમાં પણ ૨૪ કલાક વીજળી, પાણી, રસ્તા, ગટર, સારા સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધા શ્રેષ્ઠતમ રીતે મળી રહે તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. એટલા માટે જ આવતીકાલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની જનતા ફરી એક વખત ભાજપને મત આપી નિર્ણાયક સરકારને વિકાસની તક આપી પ્રચંડ બહુમતી સાથે સતા પર બેસાડશે.

સૌરાષ્ટ્રના તમામ ખેડૂતો સુધી રાજય સરકાર સૌની યોજના મારફત નર્મદા નીર પહોંચાડી પુરી પાડી રહી છે. ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે હાથ ધરાયેલી કિસાન સૂર્યોદય યોજના પુરજોસમાં કામ કરી રહી છે. ખેડૂતોના પાકને જંગલી પશુઓ અને જીવજંતુઓ કરડવાના ત્રાસમાંથી મુકિત આપવા ખેતર ફરતે કાંટાળી વાડની યોજના અમલમાં મૂકી છે.   આમ વાવણીથી લઇ ખેતીના પાકના વેચાણ સુધી સરકાર ખેડુતોની ખેવના કરી રહી છે. ત્યારે આવતીકાલે ખેડુતો બદલામાં મતોની વર્ષા કરી પંચાયતોની બેઠકમાં ભાજપને જીતાડશે. તેવો દ્રઢ આશાવાદ પ્રવકતા રાજુભાઇ ધ્રુવે વ્યકત કર્યો છે.

(2:49 pm IST)