રાજકોટ
News of Tuesday, 27th July 2021

શાપરમાં કારખાનેથી છુટી ઘરે જતા મામી-ભાણેજને કારચાલકે ઉલાળ્યાઃ મામીનું મોત

રંજનબેન સોલંકીએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ ત્રણ સંતાન મા વિહોણા થતાં કલ્પાંતઃ ભાણેજ જાગૃતિ બાંભણીયાને ઇજાઃ જાગૃતિના માતાનો બચાવ

 

રાજકોટ તા. ૨૭: શાપર વેરાવળમાં મીના ગેઇટની અંદર કારખાનેથી છુટી ચાલીને જઇ રહેલા મામી-ભાણેજને ઇકો કારના ચાલકે ઉલાળી દેતાં બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં મામીનું મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ શાપર સર્વોદય સોસાયટીમાં રહેતાં રંજનબેન (મીનાબેન) રમેશભાઇ સોલંકી (ઉ.વ.૩૫) તથા તેની ભાણેજ જાગૃતિ સોમાભાઇ બાંભણીયા (ઉ.૧૯) અને જાગૃતિના માતા વનીતાબેન સોમાભાઇ એમ ત્રણેય કારખાને કામે ગયા હોઇ સાંજે છએક વાગ્યે છુટીને પગપાળા ઘરે જઇ રહ્યા હતાં એ વખતે મીના ગેઇટ અંદર ઇકો કાર નં. જીજે૦૩જેએલ-૫૯૯૪ના ચાલકે રંજનબેન અને ભાણેજ જાગૃતિને ઠોકરે ચડાવતાં બંનેને ઇજા થતાં રાજકોટ સારવારમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રંજનબેને દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનારના પતિ રમેશભાઇ છુટક મજૂરી કરે છે. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.  તસ્વીરમાં અકસ્માત સર્જનાર કાર, એકઠા થયેલા લોકો, રંજનબેનનો નિષ્પ્રાણ દેહ અને ઘાયલ થયેલી તેમની ભાણેજ જાગૃતિ નજરે પડે છે.

(11:08 am IST)