રાજકોટ
News of Tuesday, 27th July 2021

પુરવઠા નિગમનું સર્વર ઠપ્પઃ ૧૧ દિ' માલ મોડો મળતા અનેક દુકાનો ઉપર વિતરણ ઠપ્પ

દુકાનદારો-કાર્ડ હોલ્ડરો વચ્ચે અનેક સ્થળે માથાકુટઃ નિગમમાં અર્ધા કલાકે એક દુકાનદારને માલ મળે છે

રાજકોટ તા. ર૭: રાજકોટ જીલ્લા પુરવઠા નિગમનું સર્વર છેલ્લા પ થી ૬ દિવસ બંધ થતા દુકાનદારોમાં દેકારો બોલી ગયો છે, એમાં પરમીટ કઢાવનાર દુકાનદારોને આપવાનો થતો માલ પણ મોડો અપાતા અનેક દુકાનો ઉપર વિતરણ ઠપ્પ થઇ ગયાનું બહાર આવ્યું છે, અને તેના પરિણામે દુકાનદારો-કાર્ડ હોલ્ડરો વચ્ચે અનેક સ્થળે માથાકૂટ સર્જાતા દુકાનદારો આજે પુરવઠા કચેરીએ દોડી આવ્યા હતા.

અધૂરામાં પુરૃં સર્વર ઠપ્પ અને ૧૧ દિ' માલ મોડો મળતા વિતરણ મોડું થયું હતું, હજુ ર થી ૩ દિ' પહેલા જથ્થો આવ્યાનું અને તે પણ ગાંધીનગર સતત ફોન ઉપર ફોન કરાયા ત્યારે માલ મળ્યાનું અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું.

નિગમના ગોડાઉનમાંથી અપાતા માલ સમયે સર્વર ઠપ્પ થતા અને સાવ ધીમી ચાલ હોય-એક દુકાનદારને માલ આપતા અર્ધો કલાક જેવો સમય વીતી જતો હોય સંખ્યાબંધ દુકાનદારો તો માલ લીધા વગર પરત રવાના થયા હતા, અમુક દુકાનદારોએ તો અંગુઠા સિસ્ટમ ચાલતી ન હોવાની પણ રાવ કરી હતી.

 

(2:44 pm IST)