રાજકોટ
News of Tuesday, 27th July 2021

તાલુકા મામલતદારના ઈ-ધરામાં માધાપરનું ૨૦૦ અબજની મિલ્કતનું રેકર્ડ પલળી ગયું !!

બે દિ' પહેલા વરસાદમાં સતત પાણી પડતા રજાના દિવસે કર્મચારીઓ દોડી આવ્યાઃ માંધાતાસિંહવાળા કેસનું રેકર્ડ પણ છે.. : એસીબી-બામણબોરવાળા કેસનું રેકર્ડ પલળી જતા સન્નાટોઃ આ અગાઉ સ્ટાફે પોતે ૧૦ થી ૧૨ હજારનો ખર્ચ કરી રીપેર કરાવેલ : આ ઈ-ધરા કેન્દ્રમાં બે દિ' પહેલા શોર્ટ સર્કીટ થતા અનેક વસ્તુ ઉડી ગઈઃ નળીયા તૂટેલી હાલતમાં, રાત્રે ઝેરી સાપ, જીવજંતુ નિકળતા હોવાની રાવઃ રોજના ૫૦ વકીલ સહિત ૧૫૦થી ૨૦૦ મુલાકાતી આવે છે

તાલુકા મામલતદાર કચેરીનું ઈ-ધરા કેન્દ્રની હાલત જર્જરીત બની જતા અને બે દિ' પડેલા વરસાદે અનેક કિંમતી રેકર્ડ સાફ કરી નાંખતા દેકારો મચી ગયો છે. તસ્વીરમાં કેન્દ્રની સ્થિતિ ખરાબ બની તે નજરે પડે છ

રાજકોટ, તા. ૨૭ :. રાજકોટ જૂની કલેકટર કચેરીમાં ઉજ્જડ બગીચો, જર્જરીત મકાનો અંગે ૩ દિ' પહેલા લખાયું ત્યાં આજે ઉડીને આંખે વળગે તેવી હાલત ઈ-ધરા કેન્દ્રની જોવા મળતા અને અબજોનું રેકર્ડ પાણીમાં પલળી ગયાનું બહાર આવતા સન્નાટો પ્રસરી ગયો છે. અરજદારો-વકીલોમાં દેકારો મચી ગયો છે. અધૂરામાં પુરૂ ૨ દિ'ના વરસાદમાં સ્પારકીંગ, શોર્ટ સર્કિટ જેવુ થતા અનેક વસ્તુ ઉડી ગયાનું બહાર આવ્યુ છે.

રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રમાં ૧૦૦થી વધુ ગામોની કામગીરી થાય છે, પરંતુ તાજેતરના ૨ દિ'ના વરસાદમાં આ કેન્દ્રમાં ચારેબાજુથી વરસાદનું પાણી ટપકવા માંડતા રજાના દિવસે કર્મચારીઓ દોડી આવ્યા હતા.

વરસાદે ફેરવેલ પથારી મુજબ અને કર્મચારી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ માધાપરનું ૨૦૦ અબજની મિલકતનું રેકર્ડ પલળી ગયુ છે તો એસીબી - બામણબોર રેકર્ડ પલળી જતા કેસને ગંભીર અસર થવાના ભયે અનેકના બીપી વધી ગયા છે. એટલુ જ નહિ માંધાતાસિંહવાળો જે કેસ સીટી પ્રાંત-૨ સમક્ષ ચાલે છે તેનુ રેકર્ડ પણ પલળી ગયાનું બહાર આવ્યુ છે.

આ ઈ-ધરા કેન્દ્રમાં દર મહિને ૮૦૦થી ૧૦૦૦ નોંધ પડે છે. રોજના ૫૦ થી ૬૦ વકિલ સહિત ૧૫૦થી ૨૦૦ મુલાકાતીઓ આવે છે. તાજેતરમાં જ ઈ-ધરાના સ્ટાફે પોતે ૧૦ થી ૧૨ હજારનો ખર્ચ કરી રીપેર કરાવ્યું પરંતુ ફરી પાછુ એ જ સ્થિતિ ઉદ્ભવી છે.

તાલુકા મામલતદારે ઈ-ધરા કેન્દ્રમાં પતરા નાંખવાની દરખાસ્ત કરી છે. હાલ ઉપર તાલપત્રી નખાઈ છે પરંતુ એનાથી કોઈ ફેર પડયો નથી. નળીયા તૂટી ગયા હોય, પાણી સતત ટપકયા રાખે છે. એટલુ જ નહિ કોઈ કોઈ વાર રાત્રે ઝેરી સાપ, જીવજંતુ નીકળતા હોવાનું બહાર આવ્યુ છે. કલેકટર, એડી. કલેકટર દ્વારા તાકિદે પગલા લેવાય તેવી માંગણી ઉઠી છે.

(3:21 pm IST)