રાજકોટ
News of Tuesday, 27th July 2021

શહેરમાં છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાના શુન્ય કેસ પણ...

જે રીતે માણસો ટોળે વળે છે આ શુન્ય કયાં સુધી રહેશે? સ્કુલોમાં પણ નિયમ પાલનનો અભાવઃ વેકસીનેશન સાવ ધીમું: શુન્યને ટકાવવા તંત્ર અને લોકો એમ બન્નેએ કાળજી લેવી રહેશે : હાલમાં ૧૫ દર્દીઓ સારવાર હેઠળ : શહેરના કુલ કેસનો આંક ૪૨,૭૮૮ થયોઃ આજ દિન સુધીમાં ૪૨,૩૧૮ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૯૦ ટકા થયો

રાજકોટ, તા., ૨૭: ભલભલાના હાજા ગગડાવી દેનાર કોરોના હવે હાંફવા લાગ્યો છે. શહેરમાં છેલ્લા ૩૬ કલાકથી એટલે કે ગત રવિવારથી સંક્રમણ ફેલાતુ અટકી ગયું છે અને 'શુન્ય' કેસ થઇ ગયા છે. જો કે હજુ ૧પ દર્દીઓ સારવાર હેઠળ છે. ઉપરાંત અઠવાડીયામાં એકથી બે નવા દર્દી પણ નોંધાઇ રહયા છે.

ત્યારે શહેરીજનોને હજુ સાવચેતી રાખવી જરૂરી છે. સોશ્યલ ડીસ્ટન્સ, હેન્ડબેસ અને માસ્ક પહેરવાના નિયમોનું ચુસ્ત પાલન કરવુ એટલુ જ જરૂરી છે. કેમ કે હવે રાજકોટ કોરોના સામે જંગ જીતી રહયું છે. ત્યારે બેદરકારી દાખવવી પરવડેે નહી. અત્યાર સુધી જે રીતે સૌએ લડત આપી તે જ પ્રકારે લડત આપશુ તો ૧પ દિવસ બાદ 'રાજકોટ' કોરોના મુકત થઇ જશે તેવી આશા છે.આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૦ કેસ નોંધાયો  છે.  શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૭૮૮ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૧૦૦૨  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૦ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦ ટકા થયો  હતો.

આજ દિન સુધીમાં  ૧૨,૫૫,૪૧૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૭૮૮  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૪૧ ટકા થયો છે. જયારે રિકવરી રેટ ૯૮.૯૦ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૧૫  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:47 pm IST)