રાજકોટ
News of Tuesday, 27th July 2021

કોરોના મહામારીમાં માતા અથવા પિતા કે બન્ને વગર નિરાધાર બનેલા બાળકોને ર ઓગસ્ટે સહાય ચુકવાશે

ત્રણ દિવસમાં રાજકોટ જીલ્લાનાં આવા મા-બાપની છત્રછાયા ગુમાવનારા બાળકોનાં બેંક ખાતા ખોલાવી નાંખવા કલેકટરને સરકારની સુચના

રાજકોટ તા. ર૭ :.. કોરોનાં મહામારીમાં મા અથવા પિતા કે પછી માતા-પિતા બન્નેની છત્રછાયા ગુમાવનાર બાળકોને રજી ઓગસ્ટે 'મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ આર્થિક સહાય કરાશે. જેથી રાજકોટ જીલ્લાનાં આવા બાળકોનાં બેંક ખાતા ૩ દિવસમાં ખોલાવડાવી લેવા સરકારે જીલ્લા કલેકટરને સુચના આપી છે.

આ અંગે સરકારે પ્રસિધ્ધ કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, કોરોનાની વિશ્વવ્યાપી મહામારીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમાં કોઇએ પોતાના વહાલ સોયા દિકરા-દિકરીઓ ગુમાવ્યા છે તો કોઇએ ભાઇ, બહેન અથવા પતિ અથવા પત્નીનો સાથ ગુમાવ્યો છે.

આ મહામારીના કારણે ઘણા બાળકો નિરાધાર થયા છે જેમાં કેટલાક બાળકોએ માતા-પિતા એમ બન્ને વાલીની છત્રછાયા ગુમાવી છે જયારે કેટલાક બાળકોએ માતા અથવા પિતા એમ કોઇપણ એકવાલીની છત્રછાયા ગુમાવી છે અને આવા બાળકો આકસ્મિક નિરાધાર થવાથી તેમના ભવિષ્ય અને શિક્ષણનો પ્રશ્નો ઉભા થયા છે તેને ધ્યાનમાં રાખીને રાજય સરકાર દ્વારા આવા કપરા કાળમાં નિરાધાર થયેલા અને માતા - પિતા બન્ને ગુમાવ્યા હોય તેવા બાળકોની કાળજી, રક્ષણ, શિક્ષણ અને આરોગ્યની ચિંતા કરીને રાજય સરકાર દ્વારા માતા-પિતા ગુમાવ્યા હોય અને નિરાધાર થયેલા બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની જાહેરાત કરી છે.

પરંતુ જે બાળકોએ એક વાલી ગુમાવ્યા હોય તેવા બાળકોને પણ સહાય આપવાની બાબત રાજય સરકારની વિચારણા હેઠળ છે. તેથી આવા એક વાલીવાળા બાળકો માસિક રૂ.ર,૦૦૦ ની સહાય આપવા રાજય સરકારે નિર્ણય કર્યોછે અને આ સહાયની રકમ મુખ્યમંત્રી દ્વારા ર/૮/ર૦ર૧ ના રોજ ઓનલાઇન ડી.બી.ટી. દ્વારા ચુકવવાની યોજના લોન્ચ કરનાર છે.

આથી આવા એક વાલી વાળા બાળકોના એબેંક એકાઉન્ટ ખાતા તાત્કાલીક ખોલવા જરૂરી છે આ માટે આપના જિલ્લાના એક વાલી જે બાળકો છે તેમાના બેંક એકાઉન્ટ દિન-૩માં ખોલાવવાના રહેશે. આ માટે આપની કક્ષાએથી જિલ્લામાં જુદા જુદા અધિકારીઓને જવાબદારી સોંપી દિન-૩ માં બાળકોના ખાતા ખોલાવી જાયતે માટે ઘટીત વ્યવસ્થા ગોઠવવા સુચના છે.

(4:07 pm IST)