રાજકોટ
News of Tuesday, 27th July 2021

રાજકોટ જીલ્લાનો આજી 2 ડેમ ઓવરફલો થતા પડધરી સુધીના 10 ગામના ખેડૂતોને રાહતઃ મહામુલા પાક માટે સિંચાઇનું પાણી મળશે

નદી-નાળા અને કોઝ-વે ઉપરથી પાણી વહેતા લોકોને ચેતવણી

રાજકોટ: સહિત સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે જળાશયોમાં નવા નિરની આવક થઇ છે. રાજકોટ જીલ્લામાં 2 ઇંચ થી લઇને 8 ઇંચ સુઘીનો વરસાદ નોંઘાયો હતો. જેને કારણે રાજકોટ જીલ્લાનાં ત્રણ જળાશયો ઓવરફ્લો થયા છે. ડેમનાં દરવાજા ખોલતા નદી-નાળામાં પાણી આવતા ખેડુતોને મહામુલા પાક માટે રાહત થતા ખુશીની લહેર જોવા મળી રહી છે.

રાજકોટ જીલ્લામાં પડેલા વરસાદને કારણે જીવાદોરી સમાન જળાશયોમાં નવા નિરની આવક થઇ છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે રાજકોટનો આજી-2 ડેમ ઓવર ફ્લો થયો છે. જ્યારે ગોંડલનો મોતીસર ડેમ ઓવર ફ્લો થયો હતો. રાજકોટમાં રવિવારે વરસેલા 2 ઇંચ થી લઇને 8 ઇંચ સુધી નોંધાયેલા વરસાદને કારણે ત્રણ ડેમ ઓવર ફ્લો થયા હતા. સિંચાઇ વિભાગનાં એક્ઝિક્યુટીવ ઇજનેર એસ.જી. પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ જીલ્લાનાં 26 ડેમમાં 24 ટકા જેટલું પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. જેમાં વરસાદ વરસતા 36 ટકા જેટલું પાણી થયું છે. આજી-2, મોતીસર અને વેણુ-2 ડેમમાં પાણીની આવક થતા ઓવર ફ્લો થયા છે.
રાજકોટ જિલ્લાનાં જળાશયોની સ્થિતી...
* ભાદર ડેમની કુલ ઉંડાઇ 35 ફુટ છે જ્યારે 0.49 ફુટ નવા નિરની આવક થતા હાલ 22.28 ટકા ડેમ ભરાયેલો છે.
* મોજ ડેમની કુલ ઉંડાઇ 44 ફુટ છે. જ્યારે 11.91 ફુટ નવા નિરની આવક થતા હાલ 56.62 ટકા ડેમ ભરાયેલો છે.  
* વેણું-2 ડેમની કુલ ઉંડાઇ 54.13 ફુટ છે. જ્યારે 5.41 ફુટ નવા નિરની આવક થતા 76.43 ટકા ડેમ ભરાયેલો છે.
* આજી-1 ડેમની કુલ ઉંડાઇ 36.52 ફુટ છે. જેમાં નવા નિરની આવક 0.62 ફુટ થતા 28.54 ટકા ડેમ ભરાયો છે. જોકે નર્મદાનાં નિર સૌની યોજનાથી આવી રહ્યા છે.
* આજી-2 ડેમની કુલ ઉંડાઇ 42.19 ફુટ છે. જે ઓવરફ્લો થતા 1 દરવાજો 1 ફુટ ખોલીને લેવલ મેઇનટેન કરવામાં આવી રહ્યું છે.
સિંચાઇ વિભાગનાં અધિકારીનાં કહેવા મુજબ, હાલ તમામ ડેમમાં 36 ટકા જેટલું પાણી સંગ્રહ છે. જ્યારે ચોમાસામાં ડેમમાં ઓછામાં ઓછું 70 ટકા પાણી સંગ્રહ થયા બાદ સિંચાઇ માટે હોવું જોઇએ. તો બીજી તરફ રાજકોટ જીલ્લામાં પડેલા વરસાદને કારણે રાજકોટનો આજી-2 ડેમ ઓવરફ્લો થયો છે. પાંચ દરવાજા 3 ફુટ સુધી ખોલવામાં આવ્યા હતા. જ્યારે હાલમાં પણ 1 દરવાજો 1 ફુટ ખુલી દેવામાં આવતા નિચાણવાળા 10 ગામને એલર્ટ રાખવામાં આવ્યા છે. સિંચાઇ માટે રીઝર્વ રાખવામાં આવેલા આજી-2 ડેમ ઓવરફ્લો થતા ડેમનું લેવલ જળવાઇ રહે તે માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે પડઘરી સુધીનાં 10 ગામનાં ખેડુતોની રાહત થઇ છે. મહામુલો પાકને સિંચાઇ માટે પાણી મળી રહેશે.
સારો એવો વરસાદ વરસતા રાજકોટ જિલ્લાનાં જળાશયોમાં નવા નિરની આવક થઇ છે. જેને કારણે ખેડુતોનાં પાકને નવું જીવન મળશે. જોકે નદી-નાળા અને કોઝ વે પર થી પાણી પસાર થતું હોવાથી લોકોને નિચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ન જવા માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહિનાં પગલે તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે.

(5:12 pm IST)