રાજકોટ
News of Thursday, 27th August 2020

સોૈરાષ્ટ્રનું સોૈથી મોટુ કૌભાંડ ખુલ્લું પડ્યું

અમેરિકનોને છેતરતા'કૌભાંડીયા કોલ સેન્ટર'નો પર્દાફાશઃ ક્રાઇમ બ્રાંચે ૯ને દબોચ્યાઃ મુંબઇનો દેવેન્દ્ર ઉર્ફ નેનો સુત્રધાર

એક સાથે ૫-૬ હજાર નાગરિકોને બલ્કમાં વોઇસ મેસેજ મોકલાતોઃ 'તમે ગેરકાયદસેર કામ કરો છો, તમારો સોશિયલ સિકયુરીટી નંબર (એસ.એસ.એન.) રદ થઇ જશે...પોલીસે તમારી ઈન્ફર્મેશન આપી છે, તમને જેલ થશે...આમાંથી બચવું હોય તો વધુ માહિતી માટે મોબાઇલમાં ૧ દબાવો...તેમ કહેવાતું: ત્યારબાદ ૧૦૦-૨૦૦-૫૦૦ ડોલરના ગિફટ વાઉચર મેળવી લેવાતા : : રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે આલ્ફા પ્લસ કોમ્પલેક્ષના આઠમા માળે બારેક દિવસથી સેન્ટર ખોલાયું હતું: મોડી રાત્રે દરોડો : પોલીસે આ ગુનામાં ૯ને પકડ્યાઃ જેમાં મુંબઇ, નાગાલેન્ડ, દિલ્હી, હરિયાણાના શખ્સો તથા મુંબઇની એક યુવતિ પણ સામેલઃ ૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો : અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સિકયુરીટી ઓફિસરના નામે ફોન કરી અમેરિકનોની મુખ્ય ઓળખ એવા એસ.એસ.એન. એકાઉન્ટને બ્લોક કરી દેવાનો ભય બતાવાતોઃ જેથી તેઓ ઝડપથી કૌભાંડીયાઓની ચુંગાલમાં ફસાઇ જતાં : અમેરિકન નાગરિકને ગભરાવ્યા બાદ તેની પાસેથી વોલમાર્ટ અને રાઇટએડના જુદા-જુદા સ્ટોરમાંથી ગૂગલ પ્લે-આઇટ્યુન્સ તથા અન્ય ગિફટ વાઉચરના ૧૬ આંકડાના નંબરો મેળવી નાણાકિય પ્રોસેસ કરી પૈસા મેળવી લેતા હતાં : ડીસીબી પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શનમાં પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા અને ટીમની કાર્યવાહી : હેડકોન્સ. રાજેશભાઇ બાળા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા અને સુભાષભાઇ ઘોઘારીની ચોક્કસ બાતમી પરથી સફળતા

ગૂડ વર્કઃ ક્રાઇમ બ્રાંચે અમેરિકનોને કોલ સેન્ટર મારફત કોલ કરી છેતરી લેવાનું કૌભાંડ ઉઘાડુ પાડતાં યુનિવર્સિટી પોલીસ મથક ખાતે આ અંગેની માહિતી એસીપી જે. એસ. ગેડમ, પીઆઇ વી. કે. ગઢવી અને પીએઅસાઇ એચ. બી. ધાંધલ્યાએ આપી હતી ત્યારની તસ્વીર. સાથે જેને બાતમી મળી તે રાજેશભાઇ બાળા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી અને ટીમના બીજા સભ્યો પણ નજરે પડે છે. નીચેની બીજી તસ્વીરમાં પકડાયેલા ૯ પૈકીના યુવતિ સહિત ૬ આરોપીઓ જોઇ શકાય છે. ત્રણ સગીર વયના છે. આ ઉપરાંત કબ્જે થયેલો મુદ્દામાલ પણ નજરે પડે છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૭: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે આલ્ફા પ્લસ કોમ્પ્લેક્ષમાં આઠમા માળે ઓફિસ નં. એ-૮૦૪માં મુંબઇ-નાગાલેન્ડ-દિલ્હી-હરિયાણાના ૮ શખ્સો અને એક યુવતિએ કોલ સેન્ટર ચાલુ કરી ગુગલની એપ્લીકેશનનો ઉપયોગ કરી અમેરિકન નાગરિકોને બલ્કમાં વોઇસ મેસેજ મોકલી બાદમાં તેઓને અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સિકયુરીટી ઓફિસરના નામે ઓળખ આપી તમે ગેરકાયદેસર કામ કરો છો, તમારો સોશિયલ સિકયુરીટી નંબર રદ થઇ જશે...તેમ કહી ડરાવી ધમકાવી જેલમાં ધકેલવાની અને બીજા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી ભય ફેલાવી તેની પાસેથી ૧૦૦ થી ૨૦૦ ડોલરના વાઉચર મેળવી લઇ ઠગાઇ કરતાં હોવાના જબરા કૌભાંડનો શહેર ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કરી એક યુવતિ સહિત ૯ને દબોચી લીધા છે. જ્યારે મુંબઇના સુત્રધારનું નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે.

ડીસીબી પોલીસ સ્ટેશનમાં આ કૌભાંડ મામલે પીએસઆઇ એચ. બી. ધાંધલ્યાએ ફરિયાદી બની રેસકોર્ષ રીંગ રોડ પટેલ આઇસ્ક્રીમ ઉપર રહેતાં ધીરેન ઉર્ફ ચીકુ જેઠાભાઇ કાટુવા (ઉ.વ.૨૯-મુળ આર.સી. બેરેક, ચેમ્બુર ઇન્સેન્સ હોસ્પિટલ પાસે મુંબઇ), સુમેર કિશોરભાઇ સોલંકી (ઉ.વ.૨૪-રહે. પટેલ આઇસ્ક્રીમ ઉપર, રેસકોર્ષ રોડ, મુળ આર. સી. બેરેક રૂમ નં. ૩૧૫ મુંબઇ), સગીર (રહે. પટેલ આઇસ્ક્રીમ ઉપર, મુળ નાગાલેન્ડ દીમાપુર ડિસ્ટ્રીકટ ફોર્ટ માઇલ), વિક્રમ ગોપાલભાઇ ગુપ્તે (ઉ.૧૯-રહે. પટેલ આઇસ્ક્રીમ ઉપર રેસકોર્ષ રીંગ રોડ, મુળ મુંબઇ ચેમ્બુર ૫૦૧ બિલ્ડીંગ, બી-૪, આદર્શ કો.ઓ.હા. સોસાયટી ન્યુ આરએનએ કોલોની વાસીનાકા ચેમ્બુર મુંબઇ), અતુલ પ્રદિપભાઇ ઇસ્ટવાલા (ઉ.વ.૨૩-રહે. પટેલ આઇસ્ક્રીમ ઉપર, મુળ ૪૧-બી.ડી. ફલોર મીલ અંબાલા થાના સદર હરિયાણા), સગીર (-રહે. પટેલ આઇસ્ક્રીમ ઉપર રેસકોર્ષ રીંગ રોડ, મુળ ધીમાપુર નાગાલેન્ડ), સગીર (રહે. પટેલ આઇસ્ક્રીમ ઉપર, મુળ નાગાલેન્ડ ધીમાપુર), ઇર્શાદ જુમનભાઇ અલી (ઉ.વ.૨૫-રહે. પટેલ આઇસ્ક્રીમ ઉપર, મુળ એચએનઓ-૭૦૫, ટોપ ફલોર, બાબા લીખીનાથ કૂટી પાસે મેહરાઉલી સાઉથ દિલ્હી), દિપ્તી નારાયણભાઇ બીસ્ટ (ઉ.વ.૨૬-રહે. હાલ પટેલ આઇસ્ક્રીમ ઉપર, મુળ મુંબઇ વસઇ ખુશી એપાર્ટમેન્ટ વીંગ-૨, રૂમ નં. ૨૦૩) તથા મુંબઇના સુત્રધાર દેવેન્દ્ર ઉર્ફ નેનો તેમજ તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૧૯, ૪૨૦, ૩૮૪, ૧૨૦-બી, ૧૧૪ તથા આઇટી એકટ કલમ ૬૬ સીડી મુજબ ગુનો નોંધ્યો છે.

સુત્રધાર દેવેન્દ્ર ઉર્ફ નેનો રાજકોટમાં પકડાયેલા ૯ જણા તથા બીજા સાથે મળી અમેરિકન નાગરિકોને મોબાઇલ નંબરોના ડેટાની ફાઇલ મોકલે છે. જે ફાઇલ ધીરેન કાટુવા ઓફિસના માસ્ટર લેપટોપમાં ગૂગલ કોમમાં જઇ 'વીઆઇસીઆઇ ડાયલર'નો ઉપયોગ કરી 'હોસ્ટેટ એમવાયજીટીયુપી.કોમ/૮૦૮૧' સાઇટ ઉપર જઇ યુઝરનેમ પાસવર્ડ નાંખી બલ્કમાં વોઇસ મેસેજ મોકલતો અને વોઇસ મેસેજમાં જણાવેલ વિગતે અમેરિકન નાગરિકો વધુ વિગત માટે એક (૧) નંબર દબાવે તો ટેલિકોલીંગ મારફતે 'આઇબીમ'માં કોલ આવતો અને તે કોલ કોલસેન્ટરમાં અન્ય આરોપીઓ રિસીવ કરી કોલ સેન્ટરમાંથી પોતે અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સિકયુરીટી ઓફિસર બોલતા હોવાનું કહીને અમેરિકન નાગરિકો સાથે બનાવટી વાતો કરતાં અને અમેરિકન નાગરિકોને 'તમે ગેરકાયદેસર કામ કરો છો જેથી તમારો સોશિયલ સિકયુરીટી નંબર (એસએસએન) રદ થશે અને લોકલ પોલીસે અમોને ઇન્ફર્મેશન આપી છે, તમારું સોશિયલ સિકયુરીટી નંબર એકાઉન્ટ પણ બ્લોક થઇ જશે અને એરેસ્ટ વોરન્ટ નીકળશે, આ ઉપરાંત તમારા ઉપર મની લોન્ડ્રીંગ, ડ્રગ ટ્રાફિકીંગ, થેફટ બાય ડિસ્ક્રીપ્શનનો ચાર્જ લાગશે અને ત્રણ મહિનાની જેલ તેમજ પેન્લટી થશે'...તેવું કહી માનસિક ભય પેદા કરી પૈસા પડાવવાની પ્રવૃતિ કરતાં હતાં.

અમેરિકન નાગરિકોના ડેટા-લિસ્ટ અને કોલીંગ કરવા માટે જરૂરી મિનીટ્સ (સ્ક્રીપ્ટ તથા ડેટા) દેવેન્દ્ર ઉર્ફ નેનો (મુંબઇ) પુરી પાડતો હતો. આના આધારે અમેરિકન નાગરિકો પાસેથી વોલમાર્ટ, રાઇટએડના જુદા-જુદા સ્ટોરમાંથી ગુગલ પ્લે-આઇટ્યુન્સ તથા અન્ય ગિફટ વાઉચરોના ૧૬ આંકડાનો નંબર મેળવી તેની નાણાકિય પ્રોસેસ કરી અમેરિકન નાગરિકો સાથે પુર્વયોજીત કાવત્રુ રચી તેને છેતેરી ૧૦૦ થી ૨૦૦ ડોલરના ગિફટ વાઉચર મંગાવી ઠગાઇ કરતાં હતાં. આ છેતરપીંડી કરવાના સાધનો કોમ્પ્યુટર, વાઇફાઇ રાઉટર, હેડ ફોન, મોબાઇલ ફોન, લેપટોપ વગેરે મળી ડીસીબીની ટીમે રૂ. ૩,૦૩,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં તથા પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, હેડકોન્સ. સુભાષભાઇ ઘોઘારી, રાજેશભાઇ બાળા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. શકિતસિંહ ગોહિલ, કોન્સ. તોરલબેન એન. જોષી, એસીપી કચેરીના દેવરાજભાઇ કળોતરા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. રાજેશભાઇ બાળા, રઘુવીરસિંહ વાળા અને સિધ્ધરાજસિંહ જાડેજા તથા સુભાષભાઇ ઘોઘારીને બાતમી મળી હતી કે રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે આલ્ફા પ્લસ કોમ્પલેક્ષના આઠમા માળે ઓફિસ નં. ૮૦૪-એમાં દેવેન્દ્ર ઉર્ફ નેનો અને ધીરેન કાટુવા નામના શખ્સો કેટલાક કર્મચારીઓને સાથે રાખી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવે છે અને આ કોલ સેન્ટર હાલમાં પણ ચાલુ છે. તેમજ આ કોલ સેન્ટરમાંથી અમેરિકન નાગરિકોને બનાવટી કોલ કરી 'તમે ગેરકાયદેસર કામ કરો છો, તમારો સોશિયલ સિકયુરીટી નંબર રદ થઇ જશે' તેમ કહી ડરાવી ધમકાવી પૈસા પડાવવાની પ્રવૃતિ થાય છે.

આ બાતમીની ખરાઇ કરવામાં આવ્યા બાદ મોડી રાતે સાડા બારથી પોણા વચ્ચે પોલીસની ટૂકડી કેકેવી ચોકથી દોઢસો ફુટ રીંગ રોડ માધાપર ચોકડી તરફ થઇ રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે પહોંચી હતી અને વાહનો દૂર રાખી પગપાળા આલ્ફા પ્લસ કોમ્પલેક્ષમાં પહોંચી બાતમી મુજબની ઓફિસમાંદરોડો પાડ્યો હતો.

જ્યાં કાચની અલગ-અલગ ચેમ્બરમાં અમુક શખ્સો હેડફોન લગાવી ઇંગ્લીશમાં વાતો કરતાં જોવા મળ્યા હતાં. કોલ સેન્ટરનો માલિક-સંચાલક કોણ છે? તે પુછાતાં દેવેન્દ્ર ઉર્ફ નેનો હોવાનું એક શખ્સે કહ્યું હતું. આ શખ્સે પોતે ધીરને કાટુવા હોવાની ઓળખ આપી હતી. એ પછી પોલીસે ધીરેનની વિસ્તૃત રીતે યુકિત-પ્રયુકિતથી પુછતાછ કરતાં તેણે પોતે તથા ઓફિસમાં બેઠેલા બીજા કર્મચારીઓ કઇ રીતે અમેરિકન નાગરિકોને કોલ કરી ઠગાઇ કરે છે તેની વિગતો વર્ણવતા આ તમામ એટલે કે ઓફિસમાં હાજર યુવતિ સહિત ૯ અને મુંબઇના દેવેન્દ્ર ઉર્ફ નેનો તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી કૌભાંડમાં વપરાતા કોમ્પ્યુટર સહિતની સાધન સામગ્રી જપ્ત કરી હતી.

કેટલા સમયથી આ કોલ સેન્ટર ધમધમતું હતું? કેટલા અમેરિકન નાગરિકોને છેતર્યા? રાજકોટના કોઇની સંડોવણી છે કે કેમ? તે સહિતના મુદ્દે વિશેષ તપાસ થઇ રહી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી યુનિવર્સિટી પોલીસ મથક ખાતે પત્રકાર પરિષદ યોજી એસીપી જે. એસ.ગેડમ, પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એચ. બી. ધાંધલ્યાએ વિગતો આપી હતી. કામગીરી કરનાર સમગ્ર ટીમને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અભિનંદન પાઠવ્યા હતાં.

આ રીતે કૌભાંડ થતું

ધીરેન ગૂગલ કોમમાં જઇ એપ્લીકેશનનો ઉપયોગ કરી અમેરિકનનો બલ્કમાં વોઇસ મેસેજ મોકલતો અને જો તેઓ વધુ વિગત જાણવા ૧ (એક) દબાવે તો કોલસેન્ટરમાંથી અન્ય આરોપીઓ અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સિકયુરીટી ઓફિસરના નામે વાત કરી તમે ગેરકાયદેસર કામ કરો છો, તમારો સોશિયલ સિકયુરીટી નંબર રદ થશે, તમારું વોરન્ટ નીકળશે, જેલ થશે, મની લોન્ડ્રીંગ, ડ્રગ ટ્રાફિકીંગના કેસ થશે'...કહી ડરાવી ભય ઉભો કરી ૧૦૦-૨૦૦ ડોલરના ગિફટ વાઉચર મેળવી લેતા હતાં

બધા રેસકોર્ષ રીંગ રોડ પર ફલેટ ભાડે રાખી રહેતા'તા

. કોલ સેન્ટરનું કૌભાંડ ચલાવતાં પકડાયેલા તમામ નવેય આરોપી રેસકોર્ષ રીંગ રોડ પર પટેલ આઇસ્ક્રીમ ઉપર આવેલા ફલેટમાં ભાડેથી રહેતાં હતાં. સુત્રધાર પણ અહિ જ રહેતો હતો. તમામના કોવિડ-૧૯ ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

સુત્રધાર દેવેન્દ્ર ઉર્ફ નેનો મુંબઇ ગણેશ વિસર્જનમાં ગયો એટલે બચી ગયો

. ક્રાઇમ બ્રાંચે મોડી રાતે પાક્કી બાતમી પરથી દરોડો પાડી કોલ સેન્ટરમાંથી ૯ને પકડી લીધા હતાં. પણ સુત્રધાર દેવેન્દ્ર ઉર્ફ નેનો બે દિવસ પહેલા જ મુંબઇ ગણેશ વિસર્જન માટે જવા નીકળી ગયો હોઇ તે હાથમાં આવ્યો નહોતો. તે ઝડપાયા બાદ વધુ કૌભાંડની વિગતો ખુલવાની શકયતા છે.

જે વધુ છેતરપીંડીથી વધુ ને વધુ લોકોને ફસાવે તેને કમિશન પણ ખુબ વધુ આપવામાં આવતું હતું

. કોલ સેન્ટરમાં કૌભાંડ આચરતા જે નવ પકડાયા છે એ તમામ કર્મચારીઓ છે અને સુત્રધાર મુંબઇનો દેવેન્દ્ર ઉર્ફ નેનો છે. કોલ સેન્ટરમાં નોકરીમાં જોડાયેલા કર્મચારીઓને ઉંચો પગાર તો અપાતો જ હતો. પણ સાથો સાથ આ કર્મચારીઓ જેટલા વધુ ને વધુ અમેરિકન નાગરિકોને ફસાવી લે એટલુ વધુ કમિશન તેને અપાતું હતું. અમુક વખતે ગભરાયેલો અમેરિકન નાગરિક સો ડોલર આપે તો અમુક વખતે બસ્સો, પાંચસો કે એથી પણ વધુ ડોલર આપી દેવા તૈયાર થઇ જાય છે.

આઇબીમ સોફટવેરનો ઉપયોગઃ જેને ફોન જાય તેના દેશનો જ કોડ નંબર બતાવે

. કોલ સેન્ટરમાંથી ઓનલાઇન કૌભાંડ ચલાવવા EYEBEAM નામની એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેમાંથી એક સાથે પાંચ-છ હજાર અમેરિકન નાગરિકોને એક સાથે વોઇસ મેસેજ મોકલાતો હતો. આ એપ્લીકેશનની ખાસિયત એ છે કે તેમાંથી રાજકોટ બેઠા-બેઠા ફોન કે મેસેજ વિદેશમાં મોકલવામાં આવે તો પણ રિસીવરને કોડ પોતાના દેશનો જ બતાવે. આથી મેસેજ અમેરિકાથી જ આવ્યાનું નાગરિકો સમજી બેસતા હતાં.

કોલ સેન્ટરમાંથી આટલી ચીજવસ્તુઓ જપ્ત થઇ

. ૧૦ કોમ્પ્યુટર- રૂ. ૧ાા લાખ, . લેપટોપ-૦૨- રૂ. ૬૦ હજાર, . માઉસ નંગ-૧૦-રૂ. ૧૦૦૦, . કી બોર્ડ નંગ-૧૦-રૂ. ૨૦૦૦, . હેડફોન નંગ-૦૭-રૂ. ૩૫૦૦, . વાઇફાઇ રાઉટર -૦૩-રૂ. ૩૦૦૦, . લેન કેબલ-૫૦ મિટર, . સ્વીચ બોર્ડ ૦૩ નંગ, . મોબાઇલ ફોન-૧૦ નંગ મળી કુલ રૂ. ૩,૦૩,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો

કૌભાંડીઓનો અભ્યાસ ૧૦ પાસ-નાપાસથી માંડી મિકેનીકલ ડિપ્લોમા સુધીનોઃ અમુક વિદેશમાં પણ નોકરી કરી ચુકયા છે

. કૌભાંડીયા કોલસેન્ટરમાંથી પકડાયેલા ૦૯ જણાના અભ્યાસ વિશે પોલીસે તપાસ કરતાં ધીરેન ઉર્ફ ચીકુ જેઠાલાલ કાટુવા ધો-૧૨ પાસ હોવાનું જણાયું છે. જ્યારે સુમેર સોલંકી બીએમએસનો અભ્યાસ કર્યો છે. તે અગાઉ રશિયા, ગેબોન, આરબ અમિરાત,  યુએઇમાં વર્કિંગ વિઝા પર કામક રી ચુકયો છે. કાયદાના સંઘર્ષમાં આવેલો નાગાલેન્ડનો કિશોર ધો-૧૦ ભણેલો છે અંગ્રેજીનું ખુબ જ્ઞાન છે. વિક્રમ મિકેનિકલ ડિપ્લોમા ડ્રોપ કરી ચુકયો છે, અતુલ ઇસ્ટવાલા બીએચએમ સુધી ભણ્યો છે. બીજો સગીર ધોરણ-૧૦ નાપાસ (પણ અંગ્રેજી ભાષા સારી જાણે છે), ત્રીજો સગીર પણ ૧૦ નાપાસ છે (અંગ્રેજી ભાષા ખુબ સારી રીતે જાણે છે), ઇશાર્દ અલી હાલ દિલ્હી જેબીએ ફર્સ્ટ યરમાં ભણે છે અને દિપ્તી બીસ્ટ એસવાયબીકોમ સુધી ભણેલી છે અને અગાઉ કોલ સેન્ટરમાં કામ કરી ચુકી છે.

નાગાલેન્ડના સગીરો અગાઉ અલગ-અલગ રાજ્યમાં કોલસેન્ટરમાં કામ કરી ચુકયા છેઃ દર બે મહિને સેન્ટર બદલાતું

. કૌભાંડકાર દેવેન્દ્ર ઉર્ફ નેનો ભારતભરના અલગ-અલગ રાજ્યમાં આ રીતે કૌભાંડીયા કોલસેન્ટર ચલાવતો હોવાની શંકા છે. પકડાયેલા પૈકીના નાગાલેન્ડના સગીરોએ અગાઉ પણ અન્ય રાજ્યમાં આ રીતે કોલ સેન્ટરમાં કામ કરી લીધું છે. તેના કહેવા મુજબ દર બે મહિને કોલ સેન્ટરની જગ્યા બદલી નાંખવામાં આવતી હતી.

દેવેન્દ્ર ઉર્ફ નેનો અમેરિકન નાગરિકોના નંબર અને ડેટા તથા શું વાત કરવી તેની સ્ક્રીપ્ટ આપતો

ધીરેન ઉર્ફ ચીકુ કાટુવા ઓફિસના માસ્ટર લેપટોપમાંથી બલ્ક વોઇસ મેસેજ વેબસાઇટથી મોકલતોઃ તે એક સાથે પાંચથી થી છ હજાર મોબાઇલ ધારકોને સેન્ડ થઇ જતાં

. અમેરિકન નાગરિકોને ફસાવવા તેની સાથે કઇ રીતે વાતચીત કરવી તેની સ્ક્રીપ્ટ સુત્રધાર દેવેન્દ્ર ઉર્ફ નેનો તૈયાર કરીને આપતો હતો. તેમજ ત્યાંના નાગરિકોના નંબર અને ડેટા પણ એ જ ધીરેન ઉર્ફ ચીકુને આપતો હતો. ધીરેન ઓફિસના માસ્ટર લેપટોપમાંથી આ તમામ નંબરો પર બલ્ક મેસેજ મોકલી નાગરિકોને કોલ સેન્ટરના કર્મચારીઓ મારફત જાળમાં ફસાવતો હતો.

નોકરી માટે ઓનલાઇન જાહેરખબર આપી કર્મચારીઓને ઉંચા પગારની લાલચે કામે રખાતા હતાં: અંગ્રેજી કડકડાટ બોલતા આવડવું ફરજીયાત

. કોલ સેન્ટરમાં કૌભાંડ આચરવા જરૂરી કર્મચારીઓને એકઠા કરવા ઉંચા પગારની નોકરી માટેની જાહેરખબર ઓનલાઇન મુકવામાં આવતી અને તેના આધારે ઇન્ટરવ્યુ લેવામાં આવતાં હતાં. જે કેન્ડીડેટ ઇન્ટરવ્યુમાં પાસ થઇ જાય તેને બાદમાં સ્પષ્ટ રીતે શું કામ કરવાનું છે તેની માહિતી આપી દેવામાં આવતી હતી. એ પછી અમુક કર્મચારી સ્કેમમાં સામેલ થતાં હતાં અને અમુક ખોટુ નહિ કરે તેમ કહી જતાં રહેતાં હતાં. જે સિલેકટ થયા હોય તેને ઉંચો પગાર અપાતો હતો. નોકરી માટે સિલેકટ થનારાને અંગ્રેજી ભાષાનું પુરતું જ્ઞાન હોવું અને કડકડાટ બોલતા પણ આવડવું ફરજીયાત હોય છે.

(3:18 pm IST)