રાજકોટ
News of Thursday, 27th August 2020

તે મારા બા પાસેથી ચશ્માના ૩૦૦૦ લઇ લીધા છે...પાછા આપ કહી ગુણાતિતનગરના સંજય ગઢવી પર હુમલો

કલ્પેશ ચૌહાણ, તેની માતા મંજુલાબેન અને મિત્ર રવિ ગોસ્વામીએ હુમલો કર્યોઃ બાઇકમાં તોડફોડ : યુવાને કોઇ ચશ્મા બનાવી દીધા નહોતા, હુમલો કરનારની બાએ પણ આ વાત સ્વીકારી છતાં પૈસા પડાવવાના ઇરાદે જ ડખ્ખો

રાજકોટ તા. ૨૭: કોઠારીયા રોડ દેવપરા પાછળ ઇન્દિરાનગર પાસે ગુરૂજન સોસાયટી-૨માં રહેતાં અને કુવાડવા રોડ આશ્રમ પાસે મેટ્રો ઓપ્ટીકલ નામની ચશ્માની દૂકાનમાં કામ કરતાં વૈભવ વિનુભાઇ ત્રિવેદી (ઉ.વ.૩૩) નામના યુવાનને વિસ્તારના જ કલ્પેશ રાજેશભાઇ ચૌહાણ, તેની માતા મંજુલાબેન અને મિત્ર રવિ ગોસ્વામીએ પૈસા પડાવવાના ઇરાદે ઝઘડો કરી ગાળો દઇ તલવાર કાઢી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

ભકિતનગર પોલીસે વૈભવ ત્રિવેદીની ફરિયાદ પરથી કલ્પેશ, તેના માતા અને મિત્ર સામે ગુનો નોંધ્યો છે. વૈભવના કહેવા મુજબ તે ચશ્માની દૂકાનમાં નોકરી કરે છે. માતા-પિતા હયાત નથી. પિતા એસટીમાં નોકરી કરતાં હતાં. પોતાની પાસેથી પૈસા પડાવવાના ઇરાદે કલ્પેશ અને તેનો મિત્ર રવિ મળી કેટલાક દિવસથી ખોટેખોટા આરોપ મુકી ત્રણ હજાર રૂપિયા માંગતા હતાં. ના પાડતાં ધમાલ મચાવી તેના ભાડુઆત લખન બાવાજીના બાઇકમાં પણ તોડફોડ કરી હતી.

વેભવે વધુમાં જણાવ્યું હતું કે કલ્પેશે મારી પાસે આવી કહેલું કે-તે મારા બા પાસેથી ચશ્મા બનાવી આપવાના ૩ હજાર કેમ લઇ લીધા? મેં તેના કોઇ ચશ્મા બનાવ્યા ન હોવાનું કહેતાં અને તેના બાએ પણ આ વાત સ્વીકારી હોવા છતાં માત્ર ને માત્ર ખોટા આરોપો મુકી પૈસા પડાવવાના ઇરાદે ડખ્ખો કર્યો હતો. ગઇકાલે તો કલ્પેશ સાથે તેના બા પણ તલવાર લઇને ડખ્ખો કરવા આવ્યા હતાં. એએસઆઇ ભરતસિંહ બી. સોલંકી વધુ તપાસ કરે છે.

(12:59 pm IST)