રાજકોટ
News of Thursday, 27th August 2020

ફ્રિઝ રિપેરીંગના પૈસા પાછા માંગી સંજયભાઇ ચેખલીયાને માર મારી છરી બતાવી ધમકી

સામે તેજસ મહેતાની સંજયભાઇ વિરૂધ્ધ પણ ફરિયાદઃ ગુણાતિત નગરના પ્રોૈઢે અગાઉ રિપેરીંગ કર્યુ તેના ૧૨૫૦ પરત માંગી માથાકુટઃ ગોંડલ રોડ મંગલમ્ એપાર્ટમેન્ટમાં બનાવ

રાજકોટ તા. ૨૭: ગોંડલ રોડ પર ગુણાતિતનગર સોસાયટી બ્લોક નં. ૬૪માં રહેતાં સંજયભાઇ બાબુભાઇ ચેખલીયા (ગઢવી) (ઉ.વ.૫૨) સાંજે ગોંડલ રોડ મંગલમ્ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૪૦૩માં રહેતાં તેજસ વાણીયાને ત્યાં હતાં ત્યારે ફ્રિઝ રિપેરીંગના પૈસા બાબતે ડખ્ખો કરી મારકુટ કરી છરી બતાવી ધમકી આપવામાં આવતાં ફરિયાદ થઇ છે.

ભકિતનગર પોલીસે સંજયભાઇની ફરિયાદ પરથી તેજસ મહેતા, તેના ભાઇ અને માતા-પિતા સામે ગુનો નોંધ્યો છે. સંજયભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા ભાઇ સાથે રેફ્રીજરેટર રિપેર કરવાનું કામ કરુ છું. બે મહિના પહેલા મારા ભાઇએ મને તેજસ મહેતાનું ફ્રિઝ રિપેર કરવાનું કામ આપ્યું હતું. તે વખતે રૂ. ૮૫૦ માલના અને રૂ. ૪૦૦ મજૂરીના થયા હતાં. પણ હવે તેજસ મહેતાને નવું ફ્રિઝ લેવું હોઇ અગાઉ કરેલા રિપેરીંગના પૈસા પાછા માંગતા આ બાબતે હું તેના ઘરે વાત કરવા જતાં મારા પર હુમલો કરાયો હતો. ઢીકા-પાટુનો માર મારી લાકડી ફટકારી તેમજ છરી બતાવી ધમકી અપાઇ હતી. ઝપાઝપીમાં રૂ. ૧૫૩૦ પણ ખોવાઇ ગયા હતાં.

વળતી ફરિયાદ

સામા પક્ષે તેજસભાઇ કિરીટભાઇ મહેતા (ઉ.૩૫) (વણિક)ની ફરિયાદ પરથી સંજયભાઇ ચેખલીયા વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. ફ્રિઝ રિપેરીંગના પૈસા બાબતે તેણે માથાકુટ કરી ઢીકાપાટુનો માર મારી તેમજ ડીસમીસથી મારી નાંખવાની ધમકી આપ્યાનો આરોપ મુકાયો છે. બંને બનાવમાં  હેડકોન્સ. જયેશભાઇ જાટીયા વધુ તપાસ કરે છે.

(1:00 pm IST)