રાજકોટ
News of Thursday, 27th August 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો પ્રારંભ

રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી જિલ્લામાં ૧૩૪ કેન્દ્રો ઉપર ૧૬૪૫૯ વિદ્યાર્થીઓની પરીક્ષા : કેન્દ્રો ઉપર કોવિડની સ્થિતિનું ચુસ્ત પાલન

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી ત્રીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થયો છે. તે સમયની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૨૭ : કોરોનાનો કહેર વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સીંગ, સેનેટાઈઝર, માસ્ક સહિતની જરૂરી કાળજી સાથે સૌરાષ્ટ્રના ૧૩૪ કેન્દ્રો ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ત્રીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થયો છે.

આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષા લેવાઈ રહી છે. ૧૩૪ સેન્ટરો ઉપર પી.જી. કક્ષાના ૧૬૪૫૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જામનગર, રાજકોટ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર ઉપરાંત પ્રથમવાર કોરોનાની સ્થિતિમાં વિદ્યાર્થીઓનાં હિતમાં જૂનાગઢ અને વેરાવળમાં પણ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.

દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર સેનેટાઈઝર, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાના નિયમોનો પાલન કરવા માટે ખાસ સુચના આપવામાં આવી છે. પરીક્ષામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નોડલ ઓફીસરોને જિલ્લા માટે જવાબદારી સોંપવામાં આવે છે. જેમાં ડો.ભાવિન કોઠારી, અનિરૂદ્ધસિંહ પઢીયાર, પ્રો.વિમલ પરમાર, પ્રવિણસિંહ ચૌહાણ, ભરત વેકરીયાનો સમાવેશ થાય છે.

પરીક્ષા વિભાગના સૂત્રોના મુજબ ત્રીજા તબક્કાની પરીક્ષાઓ સીસીટીવી કેમેરા હેઠળ લેવામાં આવી રહી છે. જો કેન્દ્રમાં સીસીટીવી ન હોય તો તેનું વિડીયો રેકોર્ડીંગ પરીક્ષા વિભાગને મોકલવાની જરૂરી સુચના આપવામાં આવી છે.

આજથી શરૂ થતી અનુસ્નાતક કક્ષાની સેમે-૨ની પરીક્ષાઓ માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે.

જયારે અનુસ્નાતક કક્ષાના સેમે-૪ની પરીક્ષાઓની ઉત્તરવહી ચકાસણીનું કામ યુનિવર્સિટીમાં કોરોનાના કહેર વચ્ચે મોકૂફ રાખવાની સુચના આપવામાં આવી છે.

(1:00 pm IST)