રાજકોટ
News of Thursday, 27th August 2020

જેલ અધિકારી વિરૂધ્ધ મારકૂટ કર્યાની કોર્ટમાં થયેલ ફરીયાદ

રાજકોટ, તા. ર૭ :  જેલમાં રહેલ કેદી દ્વારા જેલ અધિકારી ચૌધરી તથા અન્યો સામે માર માર્યા અંગેની કોર્ટમાં ફરીયાદ કરેલ છે.

રાજકોટમાં મોટામૌવામાં રહેતા અને હાલ તાલુકા પોલીસ સ્ટેશનના ખુનના ગુન્હામાં વર્ષ-ર૦૦૯ થી રાજકોટ સેન્ટ્રલ જેલમાં રહેતા ઉતમ ગાંડુભાઇ વકાતરએ રાજકોટના ચીફ જયુ.મેજી. સમક્ષ એ મતબલની ફરીયાદ નોંધાવેલ કે તેઓ વર્ષ-ર૦૦૯ થી જયુ. કસ્ટડીમાં છે અને તેને ઘણા સમયથી શારીરિક તકલીફો રહેલી છે. જેની સારવાર જેલ હોસ્પીટલ અને સીવીલ હોસ્પિટલમાં ચાલુ છે.

ગત તા. ર૬-૭-ર૦ર૦ના રોજ બપોરના ૩-૦૦ વાગ્યાના અરસામાં અમોને બેરેકમાં બંધી કરી દીધેલ જયારે જેલ બેરેક બંધીનો સમય બપોરના ૪ વાગ્યાનો છે. જેથી અમોને અમોની દવા અને સારવાર અંગે વાત કરતા આ ચૌધરી તથા અન્ય લોકોએ રૂ. પ૦,૦૦૦/- ની માંગણી કરેલ અને અમોએ અમારી સારવારની વાત કરતા તેઓએ લાકડાના ખીલી વાળા ધોકાથી અમોને માથાના ભાગે અને હાથ-પગમાં મારેલ અને બેફામ ગાળો અને ધમકીઓ આપી ઢીકાપાટુનો માર પણ મારેલ.

આ અંગે પોલીસ તંત્ર દ્વારા કોઇ ફરીયાદ નોંધવામાં ન આવતા ફરીયાદી ઉતમ ગાંડુભાઇ વકાતરએ રાજકોટના ચીફ જયુ. મેજી. સાહેબ સમક્ષ ચૌધરી બન્નો જોષી (જેલ અધિક્ષક) તથા અન્ય જેલ કર્મચારી વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૩ર૩, ૩ર૪, પ૦૪, પ૦૬(ર) વિગેરે અંગે નોંધાવેલ હતી જેથી નામદાર અદાલત દ્વારા ફોજદારી ઇન્કવાયરી તરીકે રજીસ્ટરે લઇ આગળ કાર્યવાહી કરવા હુકમ કરેલ હતો.

આ કામમાં ફરીયાદીના એડવોકેટ તરીકે ભગીરથસિંહ ડોડીયા, કિરણ નકુમ, હેમાંશુ પારેખ, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, ખોડુભા સાકરીયા કુલદીપ ચૌહાણ એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(2:54 pm IST)