રાજકોટ
News of Thursday, 27th August 2020

ગેરકાયદે જમીન પચાવી પાડનારાઓનું આવી બનશેઃ સરકારને બિરદાવતા ચેતન રામાણી

રાજકોટ તા. ર૭: જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ખેડૂત આગેવાન ચેતન રામાણીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સરકારે લીધેલા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટના નિર્ણયને આવકારી જણાવ્યું હતું કે, વૈશ્વિક વિકાસની હરણફાળ ભરી રહેલા દેશના અગ્રેસર રાજય તરીકે ગુજરાત દેશ-દુનિયાના રોકાણકારો, ઉદ્યોગો, વેપાર-રોજગાર માટે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ અને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બન્યું છે ત્યારે છેલ્લા બે દાયકામાં ગુજરાતના સર્વાંગી વિકાસને કારણે રાજયમાં આર્થિક, સામાજીક અને વ્યાપારી અને ખેતીવાડીની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે અને આ બધી પ્રવૃત્તિઓના વેગને કારણે જરૂરી તેવું માળખું ઉભું કરવા જમીનની માંગમાં પણ ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે મહાનગરપાલિકા વિસ્તારો અને ઔદ્યોગિક વિસ્તારોમાં તથા રહેણાંકના હેતુ માટે જમીનની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે. બજાર મુલ્યમાં વધારો થઇ રહ્યો છે ત્યારે જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્વો તેમજ વ્યકિતગત રીતે તેમાં હિત ધરાવતા તત્વો દ્વારા પરિસ્થિતિનો લાભ લઇ અને રાતોરાત આર્થિક ઉપાર્જન કરી લેવાના બદ ઇરાદા સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ ધરી જમીન પચાવી પાડી અન્યોના નામે તબદીલ કરાવી, વેચાણ કરાવી તેમજ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે જે વ્યકિતગત કિસ્સાઓમાં પણ આપણી સૌ પ્રજાજનો સમક્ષ અનેક લોકો આવા તત્વોનો શિકાર બન્યાનું ધ્યાન પર આવેલ છે.

ખેડૂતો, સામાન્ય માનવી કે ખાનગી માલિકી, જાહેર સંસ્થાની, ધાર્મિક સખાવતી સંસ્થા, સરકારી, સ્થાનિક સ્વરાજયની સંસ્થાની જમીનો પર ગેરકાયદેસરનો અથવા ડરાવી, ધમકાવીને કબજો જમાવી દેનારા તત્વો-ભૂમાફિયાઓ સામે આકરી સજા અને શિક્ષાત્મક પગલાં લેવાનો માર્ગ મોકળો થશે જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષકના દરજ્જાથી ઉપરના અધિકારી દ્વારા જ થશે. સરકાર વિશેષ અદાલતોની જરૂરિયાત મુજબ રચના કરશે અને આવી વિશેષ અદાલત કેસ દાખલ થયાના છે. મહિનામાં આવા કેસનો નિકાલ કરશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે અને અસામાજિક તત્વો દોષીત ઠરેથી દશથી ચૌદ વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે. સરકારનું પગલું અભિનંદનને પાત્ર છે તેમ ચેતન રામાણી જણાવે છે.

(2:58 pm IST)