રાજકોટ
News of Thursday, 27th August 2020

IITE અને સંલગ્ન બી.એડ્. કોલેજોમાં કાલથી પ્રવેશ પ્રક્રિયા

રાજકોટ, તા. ર૭ : આઈઆઈટીઈના ડીન અને પ્રવેશ સમિતિના કન્વીનર ડો. કલ્પેશ પાઠકે જણાવ્યું કે આઈઆઈટીઈ તેમજ સંલગ્ન સરકારી, ગ્રાન્ટ-ઈન-એઈડ બી.એડ. કોલેજો તથા ડાયેટ (જિલ્લા શિક્ષણ તાલીમ ભવનો) ખાતે ચાલતા વિવિધ અભ્યાસક્રમો જેવા કે બી.એસ.સી-બી.એડ., બી.એ.-બી.એડ., એમ.એસ.સી-એમ.એડ./એમ.એ-એમ.એડ., એમ.એડ., એમ.એડ. (આર.જી.ટી પોરબંદર) અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ થી શરૂ થઈ રહી છે. i3T પ્રવેશ પરીક્ષા પાસ કરી ચૂકેલા અને મેરીટ યાદીમાં સ્થાન ધરાવતા ઉમેદવારોએ તેમની નજીકના પ્રવેશ કેન્દ્રો પર જઈને પોતાની પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

 ''આઈઆઈટીઈએ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોની અનુકૂળતાને પ્રાધાન્ય આપી સમગ્ર રાજયમાં ૩૫ પ્રવેશ કેન્દ્રો નિર્ધારિત કર્યા છે. ઉમેદવારો આ કેન્દ્રો પર જઈ મેરીટના આધારે પોતાની પસંદગી મુજબની બી.એડ. કોલેજોના વિકલ્પોમાંથી કોઈ એક કોલેજમાં પોતાનો પ્રવેશ સુનિશ્યિત કરી શકશે''.

તા. ૨૮ ઓગસ્ટથી ૧૨ સપ્ટેમ્બર સુધી ચાલનારી પ્રવેશ પ્રક્રિયાનું વિષયવાર સમયપત્રક  આઈઆઈટીઈની વેબસાઈટ અને સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકવામાં આવ્યું છે. પ્રવેશ પ્રક્રિયાની વધુ માહિતી માટે વિદ્યાર્થીઓએ આઈઆઈટીઈની વેબસાઈટ www.iite.ac.in ની મુલાકાત લેતા રહેવી.

(3:01 pm IST)