રાજકોટ
News of Thursday, 27th August 2020

કોરોના સામે તંત્ર વામણું: પ૪૦ હેલ્થવર્કરોની ખાનગી કોન્ટ્રાકટથી ભરતી થશે

કોર્પોરેશનના અધિકારી-કર્મચારીઓને કોરોના માટે તબીબી સહાય આપવા નિર્ણયઃ સ્ટેન્ડીંગમાં દરખાસ્ત

રાજકોટ તા.ર૭ : શહેરમાં હવે કોરોનાનો કહેર વધ્યો છે. મ્યુ.કોર્પોરેશનનુ આરોગ્ય તંત્ર કોરોનાની સારવાર અને સુરક્ષા વ્યવસ્થા માટે ટુંકું પડી રહ્યું છે. ત્યારે હવે હેલ્થ વર્કરો (આરોગ્ય કર્મચારીઓની ભરતી ખાનગી કોન્ટ્રાકટથી કરવા નિર્ણય લીધો છે. જે અંતર્ગત સ્ત્રી-પુરૂષ આરોગ્ય કર્મચારીઓ મળી કુલ પ૪૦ જેટલા હેલ્થ વર્કરોની ભરતી કરવા સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્ત છે.

ર-૩૪ કરોડનો મેનપાવર કોન્ટ્રાકટ

 આ અંગેની દરખાસ્તમાં જણાવાયું છે કે હાલમાં વિશ્વ કોરોના વાઇરસ જેવી મહામારીના સંકટમાંથી પસાર થઇ રહેલ હોઇ તથા ભારત તથા ગુજરાત રાજય પણ આ સંકટનો સામનો કરી રહ્યું હોઇ ઉપરોકત સંદર્ભ-૧ના ઠરાવ મુજબ ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ હેઠળ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો સુદ્રઢ કરવા અર્બન હેલ્થ પ્રોજેકટ અંતર્ગત રાજય સરકારશ્રીના બજેટમાંથી આરોગ્યની વિવિધ સંવર્ગની જગ્યાઓ પૈકી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ૧૧૭ અને ફીમેલ હેલ્થ વર્કરની ૪૮ જગ્યાઓ સરકાર માન્ય આઉટ-સોસિંગ એજન્સી મારફત પ્રતિમાસ રૂ.૧ર,૦૦૦/- ફિકસ પગારથી ઠરાવની તારીખથી ત્રણ માસ માટે એટલે કે તા.ર૧/૭/ર૦ર૦ સુધી નિયત શરતોને આધિન ભરવામાં આવેલ, જેને સંદર્ભ-૪ ના સ્થાયી સમિતીના ઠરાવથી બહાલ રાખવામાં આવેલ છે.

રાજકોટ શહેર વિસ્તારમાં વધતા જતા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખી જાહેર આરોગ્યના હિતાર્થે ઉકત મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર કુલ ૧૧૭ અને ફીમેલ વર્કર કુલ ૪૮ સ્થાયી સમિતિની મંજુરીની અપેક્ષાએ વિશેષ મુદત માટે લેવામાં આવેલ.

કોવિડ-૧૯ ની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અત્રેની મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો સુદ્રઢ કરવા અત્યંત જરૂરી હોઇ સરકારશ્રીના સંદર્ભ-૩ ના ઠરાવથી અત્રેની મહાનગરપાલિકા ખાતે મલ્ટી પર્પઝ વર્કરની કુલ ર૭૦ અને ફીમેલ હેલ્થ વર્કરની ર૭૦ જગ્યાઓ માન્ય આઉટ-સોસીંગ એજન્સી મારફત લેવા ઠરાવ થઇ આવેલ છે.

સબબ કોવિડ-૧૯ ની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાંં રાખી અત્રેની મહાનગરપાલિકાનાં આરોગ્ય કેન્દ્રો સુદ્રઢ કરવા અત્યંત જરૂરી હોઇ સંદર્ભ-૩ ના ઠરાવથી મંજુર થયેલ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની કુલ ર૭૦ અને ફીમેલ હેલ્થ વર્કરની ર૭૦ જગ્યાઓ સરકારશ્રીના સંદર્ભ દર્શિત ઠરાવ પરત્વે નિયત થયેલ લાયકાત તથા વેતન મુજબ અત્રેની મહાનગરપાલીકાની મેન પાવર સપ્લાયર કરવા માટેની ઠરાવથી નિયત થયેલ આઉટ સોસિંગ એજન્સી જી.ડી.અજમેરા મારફત વર્ક ઓર્ડરની તારીખથી ત્રણ માસ માટે લેવાનું તથા સ્થાયી સમિતિની મંજુરીની અપેક્ષાએ વિશેષ મુદત માટે લેવામાં આવેલ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર કુલ ૧૧૭ અને ફીમેલ હેલ્થ વર્કર કુલ ૪૮ ઉકત વર્ક-ઓર્ડરની તારીખ સુધી બહાલ રાખવા અને આ અંગેનું અંદાજીત ખર્ચરૂ.ર,૩૪,૦૦૦/- (અંકે રૂપિયા બે કરોડ ચોત્રીસ લાખ પુરા) સરકારશ્રી તરફથી મહાનગરપાલિકાને ફાળવાયેલ કોવિડ-૧૯ ની ગ્રાન્ટમાંથી આકારવાનું મંજુર થવા અર્થેની આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજુરી માટે દરખાસ્ત છે.

કોરોના સારવારનો ખર્ચ મ.ન.પા. ભોગવશે

રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખામાં વર્ગ-૧ થી વર્ગ-૪ સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓએ બિમારી સબબ લીધેલ સારવાર માટે ગુજરાત રાજય તબીબી સારવારના નિયમો-૧૯૯૮ તેમજ ગુજરાત રાજય તબીબી સારવારની નિયમો-ર૦૦પ હેઠળ હાલ તબીબી સહાય ચુકવવામાં આવે છે જે અંતર્ગત સ્થાયી સમિતિના ઠરાવથી નિદાન અંગેના માન્ય રોગો તેમજ રાજકોટ શહેરની કુલ-૧૯ હોસ્પીટલોને માન્યતા આપવામાં આવેલ છે શ્રી રામકૃષ્ણ આશ્રમ સંચાલિત હોસ્પીટલને માન્યતા આપવામાં આવેલ છે તેમજ સ્થાયી સમિતિના ઠરાવથી નવી કુલ ર૦ હોસ્પીટલોને સારવાર માટે માન્યતા આપવામાં આવેલ છે.

હાલમાં નોવેલ કોરોના વાયરસ કે જેને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. તાકીદે શહેરના લકોને પ્રાથમીક સુવિધાઓ સરળતાથી માળી રહે અને લોકોના આરોગ્યને ધ્યાને લઇ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદી-જુદી કામગીરી હાલ ચાલુ છે. અને રાજકોટ શહેરમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ખુબ વધવા પામેલ છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારીઓને ખુબજ અગત્યની અને તકેદારીવાળી કામગીરી સોંપાય છે. આ ગંભીર સંજોગોમાં નોવેલ કોરોના બિમારી સબબ તબીબી સુવિધાનો લાભ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારીઓ તથા તેમના આશ્રિત પરીવારજનોને મળી રહે તે માટે માન્ય હોસ્પિટલ અનેમાન્ય રોગો ઉપરાંત નોવેલ કોરોનાની સારવારને અને રાજય સરકાર/રાજકોટ મહાનગર પાલિકા દ્વારા હાલમાં માન્ય કરેલ નોવેલ કોરોના હોસ્પિટલ અને ભવિષ્યમાં રાજય સરકાર/રાજકોટ મહાનગરપાલીકા દ્વારા નવી માન્યતા પ્રાપ્ત થાય તેવી નોવેલ કોરોના હોસ્પિટલને અધિકૃત હોસ્પીટલ તરીકે સમાવેશ કરવા અંગેની આ દરખાસ્ત સ્થાયી સમિતીમાં રજુ કરાઇ છે.

(3:15 pm IST)