રાજકોટ
News of Thursday, 27th August 2020

૧૧૭ સ્પેશીયલ ટ્રેનો મારફત પોણા બે લાખ શ્રમીકોને વતન પહોંચાડવા સાથે ૧૨.૩૩ કરોડની કરી કમાણી

લોકડાઉન અને કોરોના મહામારી વચ્ચે રાજકોટ રેલ્વેની વિવિધ સ્તરે વિશિષ્ટ કામગીરી : ૨૮ લાખ ૯૦ હજાર મેટ્રીક ટન ગુડઝની ૧૨૫૦ રેક દોડાવી ૪૭૨.૬૦ કરોડની આવક કરી : શ્રમીક સ્પેશીયલ ટ્રેનોમાં સેવાકીય સંસ્થાઓ સાથે મળી ૩ લાખ બોટલ પાણી, પોણા બે લાખ ફૂડ પેકેટસ ઉપરાંત હેન્ડ શોપ, ફેસ માસ્ક ORS પેકેટસ રમકડા, સ્કુલ બેગ્સનું વિતરણ : બેગેજે સેનીટાઇઝીંગ અને રેપીંગ મશીન રાજકોટ જામનગર સ્ટેશન પર મુકવામાં આવ્યાઃ પ્લેટફોર્મ અને સ્ટેશન બિલ્ડીંગ શ્રમીક સ્પેશ્યલની આવક-જાવક વખતે સતત સેનીટાઇઝ કરાયા : કોરોના પ્રસરતો અટકાવવા સેનીટાઇઝર, માસ્ક, ઇઝીસ્પીટ પાઉચ-કન્ટેનર, ઇઝી વોમીટ બેગના રાહતદરના વેન્ડીંગ મશીન રાજકોટ-જામનગર સ્ટેશનો ઉપર રખાયા

રાજકોટ, તા.૨૭: લોકડાઉન અને કોરોના મહામારી વચ્ચે રાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા વિવિધ સ્તરે ઉત્કૃષ્ટ કામગીરી  કરવામાં આવી હતી. શ્રમીકોને વતન પહોંચાડવા ખાસ ટ્રેનો દોડાવી અને ગુડઝની રેક મારફત કરોડોની કમાણી પણ કરી હતી સાથોસાથ રેલ્વે ટ્રેક ડબલીંગ અને ઇલેકટ્રીફીકેશન ઉપરાંત રાજકોટના આમ્રપાલી અન્ડર બ્રિજ અને લક્ષ્મીનગર અન્ડરપાસને પહોળો કરવાની કામગીરી પણ વેગીલી બનાવી હતી. આ બારામાં આજે ડી.આર.એમ પરમેશ્વર કુંકવાલે વિડીયો કોન્ફરન્સીંગ મારફત પત્રકારોને માહિતી આપી હતી.

એપ્રિલથી થયેલા લોકડાઉન બાદ રાજકોટ અને આસપાસના સેન્ટરોમાંથી વતનમાં જવા માટે શ્રમીકોનો ભારે ઘસારો થયો હતો. આ માટે રાજકોટ રેલ્વે દ્વારા ૧૧૭ ખાસ ટ્રેનો દોડાવવામાં આવી હતી. ટ્રેનો મારફત ૧.૭૩ લાખ શ્રમીકોને તેમના વતન પહોંચાડવામાં આવ્યા. સ્પેશીયલ શ્રમીક ટ્રેનોથી રેલ્વેને ૧૨.૩૩ કરોડ જેટલી કમાણી પણ થઇ હતી.

સ્પેશ્યલ ટ્રેનોમાં મુસાફરી કરી રહેલાં શ્રમીક પરિવારોને વિવિધ સેવાકીય સંસ્થાઓના સાથથી ૩ લાખ બોટલ પાણી, પોણા બે લાખ નંગ ફુડ પેકેટસ, હેન્ડ શોપ, ફ્રેસ માસ્ક, ORS પેકેટસ, રમકડા અને સ્કુલ બેગ્સનું તદન ફ્રી વિતરણ કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાય રહે અને અંધાધુંધી ન સર્જાય તે માટે ગુજરાત રેલ્વે પોલીસ, રેલ્વે પ્રોટેકશન ફોર્સ અને રાજય પોલીસ વિભાગે મહત્વની ફરજ બનાવી હતી. ટીકીટ ચેકીંગ સ્ટાફ દ્વારા કોરોનાના ડર વચ્ચે પણ મહત્વની કામગીરી કરવામાં આવી હતી.

સ્પેશીયલ શ્રમીક ટ્રેનોના ઉત્કૃષ્ટ સંચાલન બદલ ડી.આર.એમ. કૂંકવાલ અને તેમની ટીમને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ખાસ ટ્રોફી એનાયત કરી નવાજવામાં આવ્યા હતા.

શ્રમીક સ્પેશીયલ ટ્રેન અને પાર્સલ સ્પેશીયલ ટ્રેનો ઉપર ફરજ બજાવનાર કોરોના વોરીયર્સ રેલ કર્મચારીઓ ટીમ એવોર્ડ અને વ્યકિતગત એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત કોરોના વાઇરસને પ્રસરતો અટકાવવા રેલ્વે ડિવિજન દ્વારા તકેદારી રૂપે પગલાં લેવામાં આવ્યા. રીઝર્વેશન, બુકીંગ અને ઇન્કવાયરી કાઉન્ટર ઉપર ૨૬ જેટલી ટુ-વે સ્પીકર સીસ્ટમ રાજકોટ, જામનગર સહીતના મુખ્ય રેલ્વે સ્ટેશનો ઉપર ઇન્સ્ટોલ કરવામાં આવી. જેને લઇ શ્વાસોશ્વાસથી કોરોના જંતુ ફેલાતા અટકાવી શકાય. સાથોસાથ દરેક સ્ટેશનો ઉપર હેન્ડઝ ફ્રી સેનેટાઇઝીંગ મશીન મુસાફરો માટે મુકવામાં આવ્યા.

ફ્રંટલાઇન સ્ટાફને ફસ શિલ્ડ, એન-૯૫ માસ્ક, ગ્લોવઝ સેનીટાઇઝર, શોપસ સાથેની પ્રિવેન્ટીવ કીટસથી સજ્જ કરવા  આવ્યા. ૨૦૦૦ લીટર ઇનહાઉસ સેનીટાઇઝર રાજકોટ રેલ્વે દ્વારા બનાવી ઉપયોગમાં લેવાયુ. આ સેનીટાઇઝર બજાર કિંમતથી ૭૦૦ રૂ. લીટર સસ્તુ પડયું. આમ હેન્ડ સેનીટાઇઝેશન સાથે સરકારી નાણાની બચત પણ થઇ. ૧૬૮૫૦ ડઝન  હોમીયોપેથીક મેડીસીન સ્ટાફ અને પરિવારોમાં વિતરીત કરવામાં આવી.

રાજકોટ અને જામનગર સ્ટેશન ઉપર તદન રાહતભાવના સેનીટાઇઝર, માસ્ક, થુંકવા અને ઉલ્ટી કરવાના પાઉચ અને કન્ટેનર વેંડીંગ મશીન મુકવામાં આવ્યા. આ ઉપરાંત બેગેજ સેનીટાઇઝીંગ અને રેપીંગ મશીન્સ બંને સ્ટેશનો ઉપર ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે. પ્લેટફોર્મ અને સ્ટેશન બિલ્ડીંગોને શ્રમીક સ્પેશ્યલ ટ્રેનોના ઉપડયા પહેલા અને પછી બારીકાઇથી સાફ સુધારા બનાવવાની કામગીરી સફાઇ સ્ટાફ દ્વારા જવાબદારીપૂર્વક નિભાવવામાં આવી હતી. ઓફીસ બિલ્ડીંગોની પણ નિયમીત સફાઇ કોરોનાને ધ્યાને રાખી કરવામાં આવે છે. ઓખા, રાજકોટ અને હાપા ખાતે ૨૦ કોચીઝને આઇસોલેશન વોર્ડમાં તબદીલ કરવામાં આવ્યા. આ કોચીઝમાં ૪૦ સીલીન્ડર ઓકિસજન પણ ઉપલબ્ધ બનાવાયુ છે.

કોરોના કાળમાં સ્ટાફ બેનીફીટ અને કુલી-મજુર સહીતના રેલ્વે સાથે સંકળાયેલા જરૂરીયાતમંદો અને રાશન કીટ, રોકડ સહાય અને ૧૨ હજારથી વધુ ફુડ પેકેટસનું વિતરણ પણ કરવામાં આવ્યું. હાથ બનાવટના માસ્ક પણ પહોંચાડવામાં આવ્યા.

ગુડઝ ટ્રેન મારફત ૪૭૨ કરોડથી વધુ આવક

લોકડાઉનથી આજ દિવસ સુધીમાં રાજકોટ રેલ્વે દ્વારા ૧૨૫૦ રેક મારફત ૨.૮૯ મીલીયન મેટ્રીક ટન (૨૮ લાખ ૯૦ હજાર મેટ્રીક ટન ગુડઝ) ની હેરફેર કરી ૪૭૨.૩૦ કરોડની આવક કરવામાં આવી. ગત વર્ષની સરખામણીએ ખાસ હેરફેર ઝડપી બની. કારણ કે મુસાફર ટ્રેનો બંધ હોવાથી ગુડઝ ટ્રેનોની આવક-જાવક વિના વિક્ષેપ થઇ શકી હતી. ૯મી એપ્રિલથી પાર્સલ ટ્રેનો દોડાવવાનું શરૂ કરાયુ  છે. પાર્સલ ટ્રાફીક વધારવા માટે લોજીસ્ટીક સર્વીસીઝ એજન્સીઓ સાથે રેલ્વે દ્વારા બેઠકો પણ શરૂ કરવામાં આવી.

આ ઉપરાંત ટ્રેક કન્વર્ઝન, ઇલેકટ્રીફીકેશન, અન્ડર બ્રિજ કન્સ્ટ્રકશન અને ઇલેકટ્રીફીકેશનના મહત્વના પ્રોજેકટસ વેગવંતા બનાવવામાં આવ્યા છે. વાંકાનેર, સુરેન્દ્રનગર, સિવાયનાં સ્ટેશનોમાં ઇલેકટ્રીફીકેશનનું કામ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં પુરૂ થઇ જશે. આ ઉપરાંત રાજકોટ-વિરમગામ વચ્ચેનો ડબલ ટ્રેક પ્રોજેકટ ડીસેમ્બર ૨૦૨૨ સુધીમાં પુરો થઇ જશે. જેને લઇ એકસપ્રેસ ટ્રેનોની ઝડપ વધી શકશે.

(3:58 pm IST)