રાજકોટ
News of Wednesday, 27th October 2021

વાતોના વડા નહી : પરિણામ દેખાડો : પ્રદિપ ડવ

વિવિધ બ્રિજ સહિતના વિકાસકામોની સમીક્ષા બેઠક યોજતા મેયર : મ્યુ. કમિશનર - સિટી ઇજનેર સહિતના અધિકારીઓને કડક તાકિદ કરાઇ

રાજકોટ તા. ૨૭ : શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ચાલી રહેલ બ્રિજ સહિતના વિકાસ કામો અંતર્ગત મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા સહિત અધિકારીઓ સાથે સંયુકત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વાતોના વડા નહિ પરિણામો દેખાડવા પદાધિકારીઓને તાકિદ કરી હતી. શહેરમાં તમામ વોર્ડમાં પ્રાથમિક સુવિધાના કામો તેમજ બ્રિજ સહિતના અન્ય ચાલી રહેલ પ્રોજેકટ વિગેરેની સમિક્ષા બેઠક ગઈકાલે તા.૨૬ના રોજ મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી શહેરમાં સુવ્યવસ્થિત પાણી મળે તેમજ શહેરમાં નિયમિત સફાઈ થાય તેમજ ઈસ્ટ/વેસ્ટ તરફ દિન-પ્રતિદિન ડેવલપ થઇ રહ્યું છે. ડેવલપ થઇ રહેલ આવા તમામ વિસ્તારને પીવાનું પાણી મળી રહે તેવું આયોજન કરવું અને હાલમાં ચાલી રહેલ રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ, જેટકો ચોકડી ખાતે ઈ.એસ.આર./જી.એસ.આર. પમ્પીંગ સ્ટેશનનું કામ વહેલાસર પૂર્ણ કરવું ઉપરાંત તમામ વોર્ડના જનભાગીદારીઓના કામની સમિક્ષા કરી તાત્કાલિક દરખાસ્ત કરવા અને જે વોર્ડના એકશન પ્લાનના નિર્ણય બાકી છે તેવા વોર્ડના કરવાના થતા પેવર રસ્તાઓનો તાત્કાલિક નક્કી કરવા મેયરશ્રીએ જણાવેલ.

વિશેષમાં, શહેરનો વિસ્તાર તથા વસ્તી દિનપ્રતિદિન વધતી રહેલ છે તેમજ વાહનમાં પણ ખુબજ વધારો થઇ રહ્યો છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. જેથી શહેરના તમામ મુખ્યમાર્ગો પરના દબાણો દુર કરવા તેમજ રહેણાંક, સ્કૂલ, કોલેજની આજુબાજુના અનેક વિસ્તારોમાં ઈંડાઓની રેકડીઓ પણ દિનપ્રતિદિન વધી રહેલ છે. આ માટે ઈંડાની રેકડીઓ હટાવવા લોકોનો વારંવાર ફરિયાદ આવે છે. જેથી ઈંડાની રેકડીઓ જયાં રહેણાંક, સ્કૂલ, કોલેજ ન હોય તેવી જગ્યાએ, આ ઉપરાંત રેસકોર્ષ રીંગ રોડ અને રેસકોર્સ શહેરની આગવી ઓળખ છે. રેસકોર્ષ રીંગ રોડ ફરતે તેમજ ફુગ્ગા વિગેરે વેંચાણ કરે છે તેઓ ત્યાં જ રહે છે. તેઓને ખસેડવા જગ્યા રોકાણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવા જણાવેલ તથા મુખ્ય રોડની આજુબાજુ તથા પાર્કીંગ માટે ટ્રાફિક વિભાગ સાથે બેઠક કરેલ.

શહેરના મુખ્યમાર્ગ તેમજ ઘણા રહેણાંક વિસ્તારોમાં પણ ગાય અને અન્ય પશુઓ રખડતા હોય છે. જેના કારણે અકસ્માતોના બનાવો તેમજ ખુબજ ગંદકી થાય છે. તેવી પણ ફરિયાદ આવી રહી છે જેથી મુખ્યમાર્ગો તેમજ રહેણાંક વિસ્તારમાં છુટા ફાટા ગાય-પશુઓને પકડવા સંબંધક અધિકારીને જણાવેલ.

ચાલુ સને ૨૦૨૧-૨૨ વર્ષના બજેટમાં મુકવામાં આવેલ યોજનાઓ અંતર્ગત ચર્ચાઓ કરવામાં આવેલ અને ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં કરેલ વિકાસ કામોની વિગત તેમજ આગામી સમયમાં કરવાના થતા કામોની વિગતનો એકશન પ્લાન બનાવી આપવા જણાવેલ. ખાસ કરીને આગામી સમયમાં નવી ટેકનોલોજી આધારિત ટકાઉ રસ્તાકામો થાય નવા બનાવવામાં આવેલ રસ્તાઓ જુદી જુદી યુટિલિટી માટે તોડવામાં ન આવે તેવું આયોજન કરવું. આ માટે તમામ સિટી એન્જીનીયરને જણાવવામાં આવેલ.

શહેરમાં ચાલી રહેલ ઓવરબ્રિજની ચાલી રહેલ કામોની પણ સમિક્ષા કરવામાં આવેલ તેમજ હૈયાત મહિલા કોલેજ અન્ડરબ્રીજ અને રેલનગર અન્ડરબ્રીજમાં વાહન સ્લીપ થવાના કારણે અકસ્માત થાય છે તેના નિવારણ માટે કાર્યવાહી કરવા જણાવેલ.

શહેરમાં જે ટી.પી. સ્કીમો ફાઈનલ થઇ છે તે તમામ ટી.પી. સ્કીમોના રસ્તાઓ ખુલ્લા કરવા તેમજ રિઝર્વેશન પ્લોટમાં વોંકળા પરના દબાણો વિગેરેમાં થયેલ નાના-મોટા દબાણો દુર કરવા જણાવેલ અને આ બાબતે જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવેલ.

શહેરમાં નવા ગાર્ડન બનાવવા, રાંદરડા ડેવલપ, નવું ઓડીટોરીયમ, નવા સુલભ શૌચાલય જેવા શહેરના પ્રાથમિક સુવિધાના કામોની સાથે સાથે નવા કરવાના કામોની ગહન ચર્ચા-વિચારણા થઇ હતી.

આ બેઠકમાં ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, ડે.કમિશનર આશિષ કુમાર, સી.કે. નંદાણી, એ.આર. સિંહ, એડી. સિટી એન્જીનીયર કામલીયા, વાય.કે. ગોસ્વામી, દોઢીયા, કે.એસ. ગોહિલ, કોટક, ટાઉન પ્લાનીંગ ઓફિસર સાગઠીયા, પર્યાવરણ અધિકારી નિલેષભાઈ પરમાર, જગ્યા રોકાણ અધિકારી બારૈયા, પ્રાણી રણઝાળ વિભાગના ડો.જાકાસણીયા વિગેરે ઉપસ્થિત રહેલ.

મીટીંગના મુખ્ય મુદ્દાઓની ઝલક

.  શહેરના તમામ મુખ્ય માર્ગો પરના દબાણો દુર કરવા

.  રહેણાંક - સ્કુલ - કોલેજ વિસ્તારમાં નોનવેજની રેકડીઓ હટાવી

.  તહેવારોને ધ્યાનમાં રાખી સુવ્યવસ્થિત પાણી મળે

.  નિયમીત સફાઇ થાય

.  મુખ્યમાર્ગો પરથી રખડતા ઢોરોનો ત્રાસ દુર કરવો.

.  ટી.પી. સ્કીમોના રસ્તા ખુલ્લા કરવા

.  બ્રિજના કામો સમયમર્યાદામાં પુરા કરવા

.  છેલ્લા આઠ મહિનામાં કયાં વોર્ડમાં કેટલા વિકાસ કામો કરવામાં આવ્યા છે. ખર્ચ અને કામની વિગત સાથે વોર્ડ વાઇઝ માહિતી આપવા જણાવાયું હતું.

(4:01 pm IST)