રાજકોટ
News of Wednesday, 28th July 2021

ખેરવાની સીમમાં ઓરડીમાંથી મોન્ટુ ઝાલાનો ૬.૯૬ લાખનો દારૂ-બીયર ઝડપી લેતી એરપોર્ટ પોલીસ

અગાઉ પણ મોન્ટુ ઉર્ફ અનિરૂધ્ધસિંહ ત્રણ ગુનામાં સંડોવાઇ ચુકયો છેઃ વણઝારા ગામના રસ્તે મંદિર પાસે આવેલા ખેતરની ઓરડીમાં દારૂ ઉતાર્યો હતોઃ તે હાજર ન મળ્યો

રાજકોટ તા. ૨૮: કુવાડવા પંથકના હવે એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં સામેલ કરાયેલા ખેરવા ગામની સીમમાં વણઝારા ગામ તરફના રસ્તે હનુમાનજીના મંદિર પાસે આવેલા ખેતરની ઓરડીમાં ખેરવાના બુટલેગરે દારૂ-બીયરનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી પરથી એરપોર્ટ પોલીસની ટીમે દરોડો પાડી રૂ. ૬,૯૬,૦૦૦નો જથ્થો કબ્જે કરી બૂટલેગરની શોધખોળ હાથ ધરી છે.

રાત્રીના એરપોર્ટ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. મહાવીરસિંહ ચુડાસમાને બાતમી મળી હતી કે ખેરવાની સીમમાં ખેતરમાં આવેલી ઓરડીમાં ખેરવા ગામના મોન્ટુ ઉર્ફ અનિરૂધ્ધસિંહ ગંભીરસિંહ ઝાલાએ દારૂ-બીયરનો જથ્થો ઉતાર્યો છે. તેના આધારે દરોડો પાડવામાં આવતાં મોન્ટુ ત્યાં મળ્યો નહોતો. પરંતુ ઓરડીમાંથી રૂ. ૧,૯૮,૦૦૦ની ઇન્ડિયન બ્લુ વ્હીસ્કીની ૬૬૦ બોટલો, ઇમ્પેકટ બ્લુ વ્હીસ્કીની રૂ. ૧,૧૧,૬૦૦ની ૩૭૨ બોટલો, કાઉન્ટી કલબ વ્હીસ્કીની રૂ. ૩,૬૭,૨૦૦ની ૧૨૨૪ બોટલો અને કીંગ ફીશર બીયરના રૂ. ૧૯૨૦૦ના ૧૯૨ ટીન મળી રૂ. ૬,૯૬,૦૦૦નો દારૂ-બીયર મળતાં કબ્જે કરાયો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ વી. સી. પરમાર, એએસઆઇ જીતેન્દ્રભાઇ બાળા, હેડકોન્સ. યોગેન્દ્રભાઇ ચૌહાણ, હેડકોન્સ. અશોકભાઇ કલાલ, કોન્સ. દિવ્યરાજસિંહ ચુડાસમા, મહાવીરસિંહ ચુડાસમા, કનુભાઇ ભમ્મર, યુવરાજસિંહ જાડેજા અને નરેશભાઇ ઝાલાએ આ કામગીરી કરી હતી. ખેરવાના મોન્ટુ ઝાલાને શોધવા તપાસ થઇ રહી છે. 

(11:53 am IST)