રાજકોટ
News of Wednesday, 28th July 2021

આજે વિશ્વ પ્રકૃતિ દિવસ

પ્રકૃતિ એ ઇશ્વરની પ્રતિકૃતિ છે. જળ જંગલ, જમીન, જનાવર આ ચારેય વગર કુદરતની કલ્પના કરવી અશકય છે. જંગલ છે તો વન્ય જીવ છે. જળ છે તો જળીય જીવોનું અસ્તિત્વ છે. આપણા માટે તો જળ એ જ જીવન છે. જયાં પ્રકૃતિ સુરક્ષિત રહેશે ત્યારે જ જીવન ટકી રહેશે અને પ્રકૃતિ પ્રત્યેની જાગરૂકતાના હેતુથી દર વર્ષે ૨૮ જુલાઇએ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ મનાવવામાં આવે છે. વધતા જતા શહેરીકરણનાં કારણે આપણે જોઇએ છીએ કે દિવસે ને દિવસે વૃક્ષોની સંખ્યા ઓછી થતી જઇ રહી છે. જંગલો કપાતા જાય છે. જેનાથી માત્ર માણસોને જ નહીં પરંતુ વન્ય જીવોને પણ નુકસાન થઇ રહ્યુ છે. તમે માત્ર વિચાર કરી જુઓ કે આપણી પાસેથી આપણું ઘર છીનવી લેવામાં આવે તો? મનુષ્ય એક સાંસારીક પ્રાણી છે જે બોલી શકે છે, કામ કરી શકે છે, કમાઇ શકે છે, પણ પ્રાણીઓ આ બધી બાબતમાં લાચાર છે. આપણે દિવસે ને દિવસે જંગલો ખતમ કરી પ્રાણીઓના રહેઠાણ છીનવી રહ્યા છીએ. પ્રકૃતિને ઉત્સાહભેર નુકસાન કરી રહ્યા છીએ. હમણાં હમણાં વન્ય જીવો શહેરી વિસ્તારમાં પ્રવેશી રહ્યાના બનાવો વધવા લાગ્યા છે. પરંતુ જો વિચારીએ તો મનુષ્યે જ એમના ઘરમાં ઘુષણખોરી કરી છે. આધુનિકરણની આંધળી દોટમાં બંગલો, ઓફીસો બનાવવા વૃક્ષો કાપતા જઇ રહ્યા છીએ. શહેરો લંબાતા જાય છે અને ગામડા વીલીન થતા જાય છે. નવા રોડ રસ્તા અને ઇન્ડસ્ટ્રીઝો બનાવવામાં કઇ કેટલાય વૃક્ષોનો સોથ વાળવામાં આવી રહ્યો છે. પણ જો પ્રકૃતિને સુરક્ષિત રાખવી હશે તો આટલેથી અટકવુ પડશે. કુદરતના સંવર્ધનને પોષવુ પડશે. જંગલો કાપવાને બદલે વધુને વધુ વૃક્ષો વાવવા પડશે. પાણીનો બગાડ અટકાવવો પડશે. જળ-વાયુ-જમીન-ધ્વની પ્રદુષણ ઘટાડવુ પડશે. પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવો પડશે. વીજળી, પેટ્રોલ, ડીઝલ બચાવવા પડશે. ખેતરોમાં ફર્ટીલાઇઝરને બદલે જૈવિક ખાતરનો ઉપયોગ કરવો પડશે. શાકાહારી બનવું પડશે. જો પ્રકૃતિની સુરક્ષા કરવી હોય તો આ બધા સંકલ્પ પાડવા કટીબધ્ધ થવુ પડશે. (૧૬.૨)

- મિતલ ખેતાણી મો.૯૮૨૪૨ ૨૧૯૯૯

(12:54 pm IST)