રાજકોટ
News of Friday, 28th August 2020

નાણાવટી ચોકમાં 'હિટ એન્ડ રન': દૂકાને જવા નીકળેલા હિતેષભાઇ સુરાણીનું મોત

અજાણ્યો રિક્ષાવાળો બાઇકને ઠોકરે ચડાવી ભાગી ગયોઃ વાળંદ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૮: દોઢસો ફુટ રીંગ રોડ ગાંધીગ્રામ નાણાવટી ચોક નજીક હિટ એન્ડ રનની ઘટનામાં કિસ્મતનગરના વાળંદ આધેડનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. રૈયા ચોકડી પાસે કિસ્મતનગર-૭માં રહેતાં હિતેષભાઇ મગનભાઇ સુરાણી (ઉ.વ.૪૭) ઘરેથી બાઇક હંકારી રામાપીર ચોકડી નજીક આવેલી પોતાની વાળંદ કામની દૂકાને જવા નીકળ્યા ત્યારે નાણાવટી ચોક પાસે એક રિક્ષાવાળો ઠોકરે લઇ ભાગી જતાં હિતેષભાઇ રોડ પર ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન રાત્રીના દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ આ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ત્રણ ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા ીરક્ષાચાલકની શોધખોળ હાથ ધરી છે.

(11:42 am IST)