રાજકોટ
News of Friday, 28th August 2020

કેવલમ્ રેસિડેન્સીના સિકયુરીટી ગાર્ડ મહેન્દ્રસિંહે પુત્ર સાથે મળી બે ભાઇઓને પાઇપથી ફટકાર્યા

પહેલા નાના ભાઇ ગોવિંદ બાબરીયાને ફટકાર્યોઃ મોટો ભાઇ મેહુલ સમજાવવા આવતાં ફરીથી હુમલો કર્યોઃ કારણ વગર ડખ્ખો કર્યાની રાવઃ એટ્રોસીટી નોંધાઇ

રાજકોટ તા. ૨૮: પુષ્કરધામ રોડ પર કેવલમ્ રેસિડેન્સીના ચોકીદાર અને તેના પુત્રએ બે ભાઇઓને કારણ વગર પાઇપથી માર મારી ઇજા કરી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

યુનિવર્સિટી પોલીસે આ અંગે મોરબી રોડ જીવનધારા સોસાયટીમાં રહેતાં મુળ લોધીકાના ધુડીયા દોમડાના વતની ગોવિંદ નરસીભાઇ બાબરીયા (ઉ.વ.૨૫) નામના રિક્ષા ચાલક યુવાનની ફરિયાદ પરથી પુષ્કરધામ મેઇન રોડ પર આવેલ કેવલમ્ રેસિડેન્સીના સિકયુરીટી ગાર્ડ મહેન્દ્રસિંહ દરબાર અને તેના દિકરા સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૩૫, એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

ગોવિંદના કહેવા મુજબ મારો મોટો ભાઇ મહેશભાઇ પુષ્કરધામ રોડ પર કેવલમ્ સામે આવાસ કવાર્ટરમાં રહે છે. મારે તથા  ભાઇને અમારા ગામડે જવાનું હોઇ જેથી હું તેના ઘરે ગયો હતો અને રાહ જોઇ તેના કવાર્ટરની બહાર બેઠો હતો. મારો ભાઇ પણ ત્યાં આવ્યો હતો. તે બાદમાં ઘરમાં કામ માટે ગયો હતો અને એ વખતે મારો મિત્ર મયુર ત્યાં હતો. તેણે મને પુષ્કરધામ રોડ પર ચાની હોટલે મુકી જવાનું કહેતાં હું તેને બાઇક પરે બેસાડીને જતો હતો ત્યારે કેવલમ્ પાસે સિકયુરીટીના કપડા પહેરી એક ભાઇ ઉભા હોઇ તેણે મને ઉભો રાખ્યો હતો. હું કંઇ બોલુ એ પહેલા પાઇપ મારવા જતાં મેં હાથ આડો રાખતાં હાથ અને નાક પર ઇજા થઇ હતી.

દેકારો થતાં લોકો ભેગા થઇ ગયા હતાં.  એ પછી હું મારા ભાઇના ઘરે જતો રહ્યો હતો. ત્યાં જઇ ભાઇને વાત કરતાં તે મને ફરીથી કેવલમ્ના ગેઇટ પાસે લાવ્યો હતો. તેણે હુમલો કરનાર શખ્સ મહેન્દ્રસિંહ હોવાનું કહ્યું હતું. મારા ભાઇએ પણ તેને હુમલાનું કારણ પુછતાં તે તથા તેનો દિકરો ફરીથી ગાળો દેવા માંડ્યા હતાં અને ફરીથી પાઇપથી હુમલો કરી મને તથા મારા ભાઇને માર મારવા માંડ્યા હતાં. મને બંને હાથ, પગમાં અને મારા ભાઇને હાથની આંગળી, અંગુઠામાં ઇજા થઇ હતી અને લોહી નીકળવા માંડ્યા હતાં. આ દરમિયાન મારા ભાભી કાજલબેન, મિત્ર મયુર પણ આવી ગયા હતાં. એ પછી પણ મહેન્દ્રસિંહ અને તેના દિકરાએ આ વખતે બચી ગયા છો, હવે કયારેય મળ્યા તો મારી નાંખશું તેમ કહી ધમકી આપી હતી. કારણ વગર જ આ બંનેએ હુમલો કર્યો હતો.

યુનિવર્સિટી પીઆઇ આર. એસ. ઠાકર અને ગિરીરાજસિંહ જાડેજાએ ગુનો નોંધ્યો હતો. એસીપી જી. એસ. બારૈયા વધુ તપાસ કરે છે.

(12:59 pm IST)