રાજકોટ
News of Friday, 28th August 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોનાનો ભરડોઃ રજીસ્ટ્રાર સોની-ડો.કોઠારી સંક્રમિત

૪ દિવસમાં ૩૩ કર્મચારીઓ કોરોનાની ઝપટે.... ફફડાટ : કુલનાયક વિજય દેસાણીના શુભેચ્છાના નામે ટોળા એકત્ર થતા રોષ

રાજકોટ, તા. ૨૮ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોનાએ જાણે ભરડો લીધો હોય તેમ આજે વધુ બે ટોચની વ્યકિતઓ કોવિડ-૧૯નો શિકાર બનતા ફફડાટ ફેલાયો છે.

કુલપતિ ડો.નીતિન પેથાણી બાદ રજીસ્ટ્રાર રમેશ પરમાર, જી.કે. જોષી, પ્લાનીંગ ઓફીસર મનીષ ધામેચા બાદ સીન્ડીકેટ સભ્ય ડો.ગીરીશ ભીમાણી સહિત ૨૯ કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે. તમામ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે ત્યારે આજે ભાજપ અગ્રણી અને સીન્ડીકેટ સભ્ય ડો. ભાવિન કોઠારી, કાર્યકારી રજીસ્ટાર જતીનભાઈ સોનીને થોડા લક્ષણો જણાતા રીપોર્ટ કરાવેલ જે પોઝીટીવ આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ ૨૯ બાદ વધુ બે ઉચ્ચ અધિકારી અને પદાધિકારી કોરોનાની ઝપટે ચડતા એકબીજાના નજીકથી સંપર્કમાં આવેલા કર્મચારીઓમાં હવે ખૂબ સાવચેતી રાખી રહ્યા છે. અનેક અધ્યાપકો તેમજ કર્મચારીઓને તેના ફેમેલી ફીઝીશ્યનને મળીને જરૂરી માર્ગદર્શન મેળવી રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોનાનો કહેર યથાવત રહેતા યુનિવર્સિટી કેમ્પસમાં કર્મચારીઓની હાજરી સાવ નહિવત જેવી છે. કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ હવે માત્ર મોબાઈલથી વાર્તાલાપ અને સોશ્યલ ડિસ્ટન્સથી ખૂબ કાળજી રાખીને કાર્ય કરે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોનાએ ઉપાડો લીધો છે. કુલપતિ પેથાણી, ૪ ઉચ્ચ અધિકારીઓ, સીન્ડીકેટ સભ્યો પોઝીટીવ છે. અન્ય ભાજપના અગ્રણીઓ હવે યુનિવર્સિટીએ જવાનું માંડી વાળ્યુ છે ત્યારે કુલનાયક વિજય દેશાણીને જાણે સત્તા માટેનું મોકળુ મેદાન મળી ગયુ હોય તેવો વ્યવહાર કરે છે.

રાજકોટથી કણસાગરા મહિલા કોલેજ ખાતે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવાના નામે ટોળા એકત્ર કર્યા હતા. કુલનાયક વિજય દેસાણીના વ્યવહારથી શિક્ષણ જગતમાં ભારે રોષ ફેલાયો છે. ભાજપના આગેવાનોએ પણ કુલનાયક દેશાણીના કોરોના કાળમાં સંયમ રાખવા ટપાર્યા હોવાનું જાણવા મળે છે.

(3:36 pm IST)