રાજકોટ
News of Friday, 28th August 2020

દામજી મેપા પ્લોટના વિકલાંગ દરજી વૃધ્ધ દિલીપભાઇ સાથે દગોઃ વણિક દંપતિ મરણમુડીના ૮.૭૦ લાખ 'ખાઇ' ગયું

આંખે ઓછુ દેખતા નિઃસંતાન વૃધ્ધ વિમલ ઉર્ફ વિમલેશ મહેતા અને મીરા મહેતા પર આંધળો વિશ્વાસ કરતાં હતાં: બંનેએ તેનો ગેરલાભ ઉઠાવ્યોઃ ચેકો ચોરી તેમાં બોગસ સહીઓ કરી વટાવી લીધાઃ ડીસીપી પ્રવિણકુમાર મીણા સમક્ષ વિસ્તૃત અને ચોંકાવનારી ફરિયાદ : કોરોનાની દવાની મફત હોમ ડિલીવરીના નામે દંપતિનો લોકોની સહાનુભુતિ જીતવાનો નુસ્ખો? : જીવનભર દરજી કામ કરીને બચાવેલી રકમ ચાંઉ થઇ જતાં વૃધ્ધ દયનિય હાલતમાં મુકાઇ ગયા : સાડા પાંચ દાયકાના અતૂટ પારિવારીક સંબંધોની આડમાં વિશ્વાસઘાત થવાથી દિવ્યાંગ વૃધ્ધ હતપ્રભ

આ તસ્વીર ફરિયાદી-અરજદાર તરફથી અખબારી યાદી સાથે આપવામાં આવી છે

રાજકોટ તા. ૨૮: શહેરના ભદ્ર સમાજમાં માણસાઇને પણ શર્મશાર કરે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. સહકાર નગર મેઇન રોડ પર દામજી મેપા પ્લોટમાં રહેતાં ૬૩ વર્ષના દરજી વૃધ્ધ દિલીપભાઇ બાબુલાલ ચાવડા કે જેમને આંખે ઓછુ દેખાય છે અને પેરેલિસિસ ગ્રસ્ત હોવા સાથે દિવ્યાંગ પણ છે તેમની સાથે દગો થઇ ગયો છે. વર્ષોથી પારિવારીક સંબંધ ધરાવતાં વણિક દંપતિએ આ વૃધ્ધે મુકેલા આંધળા વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી તેમની નજર ચુકવી ૧૧ ચેકો ચોરી લઇ બોગસ સહીઓ કરી વૃધ્ધે આજીવન દરજી કામ કરી કરીને એકઠા કરેલા મરણમુડીના રૂ. ૮,૭૦,૦૦૦ બેંકમાંથી ઉપાડી લઇ ચાંઉ કરી લેતાં વિસ્તૃત અને ચોંકાવનારી લેખિત ફરિયાદ પોલીસને કરવામાં આવી છે.

દામજી મેપા પ્લોટ 'ઓમ શ્રધ્ધા' મકાનમાં રહેતાં અને હાલ ધર્મપત્નિ સાથે નિવૃત જીવન પસાર કરતાં દિલીપભાઇ ચાવડાએ પોલીસ કમિશરન કચેરી ખાતે ડીસીપી પ્રવિણકુમાર મીણાને રૂબરૂ રજૂઆત કર્યા બાદ ભકિતનગર પોલીસ મથકમાં અરજી આપી છે. જેમાં શ્રમજીવી સોસાયટી-૨માં 'પરિશ્રમ' નામના મકાનમાં રહેતાં વિમલ ઉર્ફ વિમલેશ ઇન્દુભાઇ મહેતા (વણિક) તથા તેના પત્નિ મીરાબેન અને સગીર પુત્રી તથા સાગ્રીતો સામે સફળતાપુર્વક કારસો રચી રૂ. ૮,૭૦,૦૦૦ની મરણમુડી હડપી કરી જવાનો આરોપ મુકયો છે. ગંભીર ગુનાની શંકા ઉપજતાં અને પારિવારીક સમજુતિના માર્ગો બંધ થઇ જતાં ખુદ વિમલ ઉર્ફ વિમલેશના મોટા ભાઇ જીજ્ઞેશભાઇએ જ માનવતા અને ન્યાયના હિતમાં ભોગ બનનાર ફરિયાદી દિલીપભાઇને મદદ કરી છે. બેંકોમાંથી ચેકોની નકલ મેળવી, યોગ્ય કાનુની સલાહો મેળવ્યા બાદ ફોરેન્સિક સાયન્સના હેન્ડરાઇટીંગ એકસપર્ટની મદદ થકી ગુનો ઉકેલવામાં મહત્વનો ભાગ દિલીપભાઇએ ભજવ્યો છે.

લેખિત ફરિયાદમાં આરોપ મુકાયો છે કે જેના વિરૂધ્ધ આરોપ મુકાયો છે તે દંપતિએ બીજા સગા વ્હાલા પાસેથી પણ ઉછીની રકમો મેળવી જુદી જુદી બેંકોમાંથી લોન લઇ મોજશોખ અને વૈભવી જીવન પાછળ વેડફી નાંખી છે. આ મામલે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૧૨૦ (બી) મુજબ ગુનો નોંધવા માંગણી કરવામાં આવતાં તપાસ શરૂ થઇ છે.

છેતરાયેલા દિલીપભાઇ ચાવડા અને છેતરનાર વિમલ ઉર્ફ વિમલેશ મહેતાના કુટુંબો વચ્ચે સાડા પાંચ દાયકાથી પારિવારીક સંબંધ હતાં. દિલીપભાઇ નિઃસંતાન હોઇ વિમલ ઉર્ફ વિમલેશ પર આંધળો વિશ્વાસ મુકતાં હતાં. દિલીપભાઇને ૯૦ ટકા શારીરિક ખોડખાપણ છે અને અગાઉ પેરેલિસીસનો એટેક પણ આવી ગયો છે. તેઓ કઇ બેંકમાં એકાઉન્ટ ધરાવે છે તેનાથી પણ વિમલ ઉર્ફ વિમલેશ અને તેના પત્નિ વાકેફ છે.

દિલીપભાઇ ચાવડાએ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે થોડા સમય પહેલા વિમલ ઉર્ફ વિમલેશ, તેની પત્નિ ઘરે આવ્યા હતાં અને વિમલે પોતાની પત્નિ તથા પુત્રીને થાઇરોઇડની ગંભીર બિમારી છે તેની મુંબઇ સારવાર કરાવવી જરૂરી હોવાનું કહી નાણા માંગ્યા હતાં. વર્ષોના સંબંધ હોઇ મેં તેને મારી બેંકની ચેકબૂકો અને પાસબૂકો આપી હતી. તેમાંથી બે ત્રણ ચેકમાં મેં સહી કરીને આપ્યા હતાં. તે વખતે તેણે કોઇપણ રીતે નજર ચુકવી અમુક ચેકો લઇ લીધા હતાં. કેવાયસી માટે જરૂર છે તેમ કહી તેણે ચેકબૂક અને પાસબૂક મેળવી લીધા હતાં. તેમજ પાનકાર્ડ પણ લઇ ગયેલ. એ પછી ચોરેલા ચેકોમાં બોગસ સહીઓ કરી કટકે કટકે રાજ બેંક અને બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી રૂ. ૮,૭૦,૦૦૦ ઉપાડી લીધા હતાં. આ રકમ મેં આખી જિંદગી દરજી કામ કરીને ભેગી કરી હતી અને મારી મરણમુડી હતી.

દિલીપભાઇ માત્ર ૬ ધોરણ ભણેલા છે. તે સાદો મોબાઇલ વાપરે છે અને મેસેજ વાંચતા પણ આવડતું નથી. તેનો લાભ વિમલ ઉર્ફ વિમલેશે ઉઠાવ્યો હતો અને બેંકમાં એન્ટ્રી કરાવી આપવાના બહાને લાંબો સમય પાસબૂક પોતાની પાસે રાખી હતી. કેવાયસી અપડેટ કરાવવાના બહાને પાનકાર્ડ, સહીનો નમુનો મેળવી ફ્રોડ આચર્યાની શંકા દર્શાવાઇ છે.

લેખિત ફરિયાદમાં એવું પણ જણાવાયું છે કે જેના વિરૂધ્ધ રજૂઆત છે તે દંપતિ વિમલ અને તેના પત્નિ એક નામી કંપનીની કોરોનાની આયુર્વેદિક દવાની 'મફત' હોમ ડિલીવરી કરી આપવાના મેસેજ સોશિયલ મિડીયામાં વહેતા કરે છે અને લોકોની સહાનુભુતિ જીતવા નુસ્ખો અજમાવે છે. પોલીસ ઉંંડી તપાસ કરી સત્વરે ગુનો દાખલ કરી આરોપીઓ સામે કાર્યવાહી કરે તેવી અમારી માંગણી છે. તેમ અંતમાં વૃધ્ધ દિલીપભાઇ ચાવડાએ જણાવ્યું છે.

ફોરેન્સિક હેન્ડરાઇટીંગ એકસપર્ટે પણ સહીઓ બોગસ હોવાનો મત રજુ કર્યો

ફોરેન્સિક હેન્ડરાઇટીંગ એકસપર્ટ રાજકોટના રિધ્ધીબેન જાનીએ કહ્યું હતું કે રેરેસ્ટ ઓફ ધ રેર એવો આ કેસ છે. જેમાં એક બે નહિ પણ ૧૧-૧૧ ચેકોમાં બોગસ સહીઓ થઇ છે. દિલીપભાઇની ખોટી સહીઓનું ચોક્કસાઇથી વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરતાં શાતિર દિમાગ ધરાવતાં અનુભવી વ્યકિતએ ખુબ હોશીયારી પુર્વક આ ગુનો આચર્યો હોવાનું જણાય છે. તેમણે સ્પષ્ટપણે પોતાનો મત દર્શાવ્યો હતો કે આ કૃત્ય કરનારને તુરત ઉચીત સજા નહિ મળે તો બીજા લોકો પણ છેતરાશે.

(2:18 pm IST)