રાજકોટ
News of Friday, 28th August 2020

લોકડાઉનથી અત્યાર સુધીની રાજકોટ માહિતી વિભાગના કર્મયોગીઓની કોરોના વોરીયર્સ તરીકેની પ્રશંસનીય કામગીરીને બિરદાવતા કલેકટર રેમ્યા મોહન

કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ માહિતી વિભાગની મિડીયાના માધ્યમથી લોકજાગૃતિની ઉત્કૃષ્ઠ કામગીરી

રાજકોટ : કોરોના મહામારીએ સમગ્ર દેશ અને દુનિયામાં ૨૧ મી સદીની સૌથી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કર્યુ છે. કોરોના વાયરસ સામે લડવા અને તેના સંક્રમણને અટકાવવા માટેની સરકારની કોરોના સામેની આ લડાઈમાં આરોગ્ય અને  પોલીસ વિભાગના ફ્રન્ટ લાઈન વોરીયર્સની સાથે વિવિધ વિભાગના અધિકારી - કર્મચારીઓએ પણ કોરોના વોરીયર્સ તરીકેની ભૂમિકા સાચા અર્થમાં અદા કરી છે. આ કર્મયોગીઓ પૈકી રાજકોટ માહિતી વિભાગના કર્મયોગીઓએ પણ કોરોનાના કપરા સમયમાં લોકડાઉન થી અત્યાર સુધી મિડીયાના માધ્યમથી કરેલી લોકજાગૃતિની ઉત્કૃષ્ઠ કામગીરી માટે જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહનના હસ્તે માહિતી વિભાગના કર્મયોગીઓનું કોરોના વોરીયર્સ તરીકેની પ્રસંશનીય કામગીરી બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ.

પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ દ્વારા જિલ્લામાં કોરોનાના આવેલા સૌ પ્રથમ કેસથી લઈને આજદિન સુધીના સમય દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીને સમાચાર માધ્યમ થકી લોકો સુધી સુપેરે પહોચાડી લોકજાગૃતિનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. જેને ધ્યાને લઈ જિલ્લા પ્રસાશન દ્વારા માહિતી ખાતાના અધિકારી - કર્મચારીઓને કોરોના વોરીયર્સ તરીકે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહને આ તમામ અધિકારી - કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી કોરોના કાળમાં માહિતી ખાતાના કર્મીઓએ કરેલ કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.

નોંધનીય છે કે, રાજકોટ માહિતી કચરી દ્વારા લોક ડાઉન સમયે વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવતા પાસ વિતરણ, અનાજ વિતરણ, ખાસ શ્રમિક સ્પેશીયલ ટ્રેન મારફત શ્રમિકોની દ્યર વાપસી, મનોવૈજ્ઞાનિક સહાય કેન્દ્ર, વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ ભોજન અને આવાસની કામગીરી, પોલીસ વિભાગ ઉપરાંત મહત્વની એવી રાજકોટ કોવીડ હોસ્પિટલ ખાતે કરવામાં આવતી કોરોનાના દર્દીઓની સારવાર સંબંધિત વિવિધ કામગીરીઓને વિવિધ સ્થળો - મહાનુભાવો - વ્યકિતઓની મુલાકાત - ઇન્ટરવ્યુ લઈ ખાસ લેખ અને સમાચાર સ્વરૂપે પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયાના વિવિધ સમાચાર માધ્યમો દ્વારા રાજય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની કામગીરી જન જન સુધી સમયબધ્ધ પહોચાડી છે.

ઉલ્લેખનિય છે કે, રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના તત્કાલીન સંયુકત માહિતી નિયામકશ્રી રાજેન્દ્ર રાઠોડ તથા હાલના સંયુકત માહિતી નિયામકશ્રી  એસ. એમ. બુંબડીયા અને નાયબ માહિતી નિયામકશ્રી નિરાલા જોશીના માર્ગદર્શન હેઠળ સંપાદન અને કેમેરા ટીમના ૧૫ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના વોરીયર્સ બની રાજય સરકારના વિવિધ વિભાગો સાથે સતત સંકલનમાં રહી કોરોના સંબંધી કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે.

(2:58 pm IST)