૫૦૦ રૂપિયા ઉછીના આપવાની ના પાડતા હર્ષ ઉર્ફે મોરલી પર ફરદીન ઉર્ફે સોઢા છરીથી હુમલો
સાધુવાસવાણી રોડ પર બનાવ : યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ
રાજકોટ,તા. ૨૮ : શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલ આલાપગ્રીન પાસે યુવાને રૂા. ૫૦૦ ઉછીના આપવાની ના પાડતા શખ્સે છરી વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ સાધુવાસવાણી રોડ પર શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા રજનીભાઇ નંદલાલભાઇ દવે (ઉવ.૬૦)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીદ સોઢા સામે ફરિયાદ નોંધાવી છે. રજનીભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. પુત્ર હર્ષ ઉર્ફે મોરલી રજનીભાઇ દવે (ઉવ.૩૩) ગઇ કાલે સાધુવાસવાણી રોડ પર આલાપગ્રીન સીટી પાસે હતો. ત્યોરે ફરદીન ઉર્ફે સોઢા નામના શખ્સે તેની પાસે રૂા. ૫૦૦ ઉછીના માગતા હર્ષે પૈસા આપવાની ના પાડતા ઝઘડો કરી ઉશ્કેરાઇ જઇ છરી વડે હુમલો કરતા હર્ષના હાથમાં ઇજા કરી હતી. દેકારો બોલાતા આસપાસના લોકો એકઠા થતા ફરદીન ઉર્ફે સોઢા ભાગી ગયો હતો બાદ હર્ષને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવ અંગે પોતે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ એચ.પી.રવૈયાએ તપાસ હાથ ધરી છે.