રાજકોટ
News of Saturday, 28th November 2020

ફેબ્રુઆરીમાં રાજકોટમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળો

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજન : પ્રથમ ત્રણ દિવસ પ્રદર્શન બાદમાં બી ટુ બી મીટ અને છેલ્લા બે દિવસ ફેકટરી વિઝીટ

રાજકોટ તા. ૨૭ : ભારતના નિકાસકારો અને ઉત્પાદકોને વિશાળ સ્ટેજ મળી રહે તે માટે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આગામી તા. ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરાયુ છે.

રાજકોટના આજી વસાહત, ૮૦ ફુટ રોડ, એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ વેપાર મેળામાં ૩૦ દેશોના ૨૦૦ જેટલા ગ્રાહકોને આમંત્રિત કરાશે. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી ૩ દિવસ પ્રદર્શન અને બી ટુ બી  પ્રદર્શન અને તા. ૧૪ તથા ૧૫ બે દિવસ ફેકટરી વિઝિટ માટે ફાળવવામાં આવશે.

ખાસ કરીને એગ્રીકલ્ચર પ્રોડકટસ, મશીનરી અને ઇકવીપમેન્ટસ, ફુડ પ્રોડકટસ, મશીનરી, પ્રોસેસ મશીનરી, બાંધકામ ઉદ્યોગ, સીરામીક, સેનેટરી વેર, હાર્ડવેર, બાથ ફીટીંગ્સ, પેક ફુડસ, બિસ્કીટ, કોર્ન ફલેકસ, ટોમેટો કેચપ, કેન્ડી, કીચન વેર, હાઉસવેર, વોટર અને એર સોલ્યુશન, બ્યુટી કેર, હેલ્ડ કેર, કોસ્મેટીકસ અને ગાર્મેન્ટસ, બુટ-ચપ્પલ, હેન્ડીક્રાફટસ, ઇલેકટ્રોનિકસ સહીત અનેક પ્રોડકટસ મુકવામાં આવશે.

કોરોના મહામારી બાદ ચાઇનાની પ્રોડકસ વગોવાઇ ચુકી છે. ત્યારે મોટાભાગના દેશોની નજર હવે ભારત તરફ મંડાણી છે. ત્યારે આ તકનો લાભ લઇ આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરાયુ હોવાનું એસ.વી.યુ.એમ. ની યાદીમાં જણાવાયુ છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના ઉપપ્રમુખ મહેશભાઇ નગદીયાની આગેવાની હેઠળ કમીટીના સર્વશ્રી કેતન વેકરીયા, વિશાલ ગોહેલ, કાર્તિક કેલા, મયુર ખોખર, લવ પીઠવા, પ્રશાંત ગોહેલ, વિજય મારૂ, વિરલ રૂપાણી, મૌકતિક ત્રિવેદી, અરવિંદ ધરજીયા, રમેશ પટેલ, નિખિલ ઠકકર, દિનેશભાઇ વસાણી, ધીમંત મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યાનું પરાગ તેજુરાની યાદીમાં જણાવાયુ છે.

(11:49 am IST)