રાજકોટ
News of Saturday, 28th November 2020

સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે કર્યો પર્દાફાશ

સ્પાના રૂ. ૭૦૦ અને શરીર સંબંધ બાંધવાના રૂ. ૧૬૦૦ વસુલાતા'તાઃ કોડવર્ડ હતો 'ફૂલ મસાજ'

મેનેજર દિપેન રાવની ધરપકડઃ સંચાલક સંદિપની શોધખોળઃ ચાર રૂમ પૈકી ૩ નંબરના રૂમમાંથી સ્ત્રી-પુરૂષ કઢંગી હાલતમાં મળ્યાઃ જયપુર, બંગાળ, મણીપુરની યુવતિઓને ગ્રાહક દિઠ ૧૫૦૦ ચુકવાતા : મવડી રોડ ન્યુ જલારામ સોસાયટીમાં ત્રણેક માસથી નીલા સ્પામાં ચાલતા હતાં ગોરખધંધા : કોન્સ્ટેબલ મહમદઅઝહરૂદ્દીન, સોનાબેન મુળીયા અને ભુમિકાબેન ઠાકરની બાતમી પરથી પીએસઆઇ અંસારી અને ટીમનો દરોડો

રાજકોટ તા. ૨૮:  મવડી રોડ ન્યુ જલારામ સોસાયટી આઇસીઆઇસીઆઇ બેંક પાસે ૧૫૦ રીંગ રોડ પર આવેલા નીલા સ્પા નામના સ્પામાં કૂટણખાનુ ચાલતુ હોવાની બાતમી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ-એસઓજીની ટીમને મળતાં દરોડો પાડી એક રૂમમાંથી ગ્રાહક તથા લલના અને બીજા રૂમમાંથી બીજી બે યુવતિને પકડી લેવાયા હતાં. મેનેજર સાધુ વાસવાણી રોડ ક્રિષ્ના હોસ્પિટલ પાસે માનસ એપાર્ટમેન્ટમાં રહેતાં દિપેન રૂપબહાદુર રાવ (નેપાળી) (ઉ.વ.૨૨)ની ધરપકડ કરી છે. જ્યારે સંચાલક તરીકે સંદિપનું નામ ખુલતાં શોધખોળ શરૂ થઇ છે. સ્પાના ઓઠા તળે ત્રણેક માસથી ગોરખધંધા ચાલતાં હોવાનું સામે આવ્યું છે. સ્પામાં જો કોઇ ગ્રાહક માત્ર સ્પા કરાવે તો રૂ. ૭૦૦ અને સાથે શરીર સંબંધ બાંધે તો બીજા રૂ. ૧૬૦૦ ભાવ રખાયો હતો. બંને સાથે કરાવવા માટેનો કોડવર્ડ 'ફૂલ મસાજ' રખાયો હતો.

કોન્સ. મહમદઅઝહરૂદ્દીન, કોન્સ. સોનાબેન મુળીયા અને ભુમિકાબેન ઠાકરની બાતમી પરથી દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્પાના ચાર રૂમ પૈકી રૂમ નં. ૩માં જોતાં એક યુવતિ અને એક યુવાન કંગી હાલતમાં મળી આવ્યા હતાં. યુવતિએ પોતેમુળ જયપુરની હોવાનું અને સ્પાનું સંચાલન સંદિપ કરતો હોવાનું કહ્યું હતું. તેમજ મેનેજર દિપેન સ્પા માટે રૂ. ૭૦૦ અને શરીર સંબંધ માટેના અલગથી રૂ. ૧૬૦૦ મળી ગ્રાહક પાસેથી કુલ રૂ. ૨૩૦૦ વસુલી પોતાને રૂ. ૧૫૦૦ આપતો હોવાનું પણ કહ્યું હતું.

પોલીસે ડમી ગ્રાહકને સાઇડમાં બેસાડી અન્ય રૂમ ચેક કરતાં બે યુવતિ મળી હતી. જે મુળ વેસ્ટ બંગાળ અને મણીપુરની હોવાનું તેણીએ કહ્યુ઼ હતું. તેમજ તેણે પણ  સ્પા અને શરીર સંબંધ બાંધવાના ગ્રાહક દિઠ પોતાને ૧૫૦૦-૧૫૦૦ મળતાં હોવાનું કબુલ્યું હતું. આ ત્રણેયને સાહેદ બનાવાઇ હતી. પોલીસે મોબાઇલ ફોન, કોન્ડોમ, ડીવીઆર, રજીસ્ટર, સ્પાની પહોંચ બૂક સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સંદિપ પકડાયા બાદ વધુ વિગત ખુલશે.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની સુચના મુજબ પીએસઆઇ એમ. એસ. અન્સારી, એએસઆઇ હરપાલસિંહ, હેડકોન્સ. બકુલભાઇ વાઘેલા તથા જેને બાતમી મળી તે ત્રણેય કર્મચારીઓએ આ કામગીરી કરી હતી. આગળની તપાસ તાલુકા પોલીસ કરે છે.

(1:24 pm IST)