રાજકોટ
News of Wednesday, 29th June 2022

કોઠારીયા વિસ્‍તારમાં પથ્‍થરની ખાણમાં બ્‍લાસ્‍ટીંગથી સ્‍થાનિકોને ભારે નુકશાન

વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી સ્‍થળ પર દોડી ગયા : કલેકટરને આવેદન પત્ર પાઠવ્‍યું

રાજકોટ, તા. ર૯ : રાજકોટ કોઠારિયા વિસ્‍તારમાં બ્‍લાસ્‍ટિંગ થતા સ્‍થાનિકોને ભારે નુકશાની થયેલ છે તે  બાબતે  કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ છે જેમાં જણાવ્‍યું છે કે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવતા વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્‍તારમાં વેલનાથ પાર્ક આવેલ છે જે સંપૂર્ણ રહેણાક વિસ્‍તાર હોય જે સ્‍થળથી માત્ર ૧૫૦ મિટર નજીકમાં પથ્‍થરની ખાણ કોંક્રીટ પ્‍લાન્‍ટ બનાવવાના કામે તા.૨૭ ના રોજ બપોરે ૨:૩૦ કલાકે અચાનક જમીનમાં બ્‍લાસ્‍ટિંગ કરી પથ્‍થર તોડવાની કામગીરી ચાલુ કરી દેતા સ્‍થાનિકો ભયભીત થઇ અત્‍યંત હેરાનગતિ અનુભવેલ છે. જે સ્‍થળે અમોએ તા.૨૮ ના રોજ રૂબરૂ મુલાકત લીધેલ હતી. વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી દ્વારા કલેકટરને રજુઆતમાં કરવામાં આવી છે.

 આ અંગે ભાનુબેન પાઠવેલ પત્રમાં જણાવ્‍યું હતું કે, જે પથ્‍થર તોડવા માટે બ્‍લાસ્‍ટિંગનો વિસ્‍ફોટ થતા આજુબાજુમાં રહેતા લોકોના મકાનમાં બ્‍લાસ્‍ટિંગના પથ્‍થરો આવતા દિવાલો, છતના પતરા તૂટયા છે તેમજ અમુક લોકો ઈજાગ્રસ્‍ત થયા છે વધુમાં આ ઉડીને આવેલા મસમોટા પથ્‍થરો ઘરમાં આવ્‍યા છે અને વિસ્‍ફોટ થવાના લીધે દિવાલો હચમચી ગયેલ છે તેમજ ઘણા મકાનોની દિવાલોમાં મોટી તિરાડો પડેલ હોય જેથી સ્‍થાનિકોને ભારે નુકશાની થયેલ છે તેમજ ભારે જાનહાનિ થતી બચી છે.

આ સ્‍થળે બ્‍લાસ્‍ટિંગની પરવાનગી કોણે આપેલ છે? આ સ્‍ટોન ક્રશર ચાલુ કરવામાં આવેલ છે તેની મંજુરી કોણે આપેલ છે? તેમજ રહેણાક વિસ્‍તારમાં ખનન પ્રવળત્તિની પરવાનગી આપી શકાય ખરી ? આ નુકશાન થયેલ છે તેની જવાબદારી કોની ? સ્‍થાનિકોને નુકશાન થયેલ છે તે ભરપાઈ કોના દ્વારા કરવામાં આવશે ? સહિતના પ્રશ્નો ઉઠાવ્‍યા હતા.

આ મુદ્દે સ્‍થાનિકોને નુકશાની થયેલ છે જેનો સત્‍વરે સર્વે કરાવી વળતર આપવામાં આવે તેમજ હાલ આ ખનન કામગીરી શરુ હોય તો તેને લોકહીતમાં બંધ કરાવવામાં આવે તેવી માંગ છે

(4:12 pm IST)