રાજકોટ
News of Wednesday, 29th June 2022

નિર્લજ્જ હુમલો અને માર મારવાના કેસમાં ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટનો નિર્દોષ છુટકારો

રાજકોટ, તા., ૨૯: મહિલા પર  નિર્લજ્જ હુમલો કરી માર મારવાના  કેસમાં ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટને કોર્ટે નિર્દોષ જાહેર કરવાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, મોટી ટાંકી ચોક પાસે ગૌતમ એપાર્ટમેન્‍ટમાં પહેલા માળે ફલેટ નં. ૩ માં રહેતા અંજનાબેન અને તેના પુત્ર શૈલેષ ફલેટની જાળી પાસે ઉભા હતા ત્‍યારે તે જ એપાર્ટમેન્‍ટમાં બીજા માળે ફલેટ નં. ૭ માં રહેતા ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ મધુસુદન નેન્‍શીભાઇ કક્કડે આગલા દિવસના અંજનાબેનના પુત્ર સાથે થયેલ બોલચાલીનો ખાર રાખી, ગાળા-ગાળી કરી, અંજનાબેન પર નિર્લજ્જ હુમલો કરી માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે ભોગ બનનાર અંજનાબેને ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ મધુસુદન કક્કડ સામે તા.૧૦-૮-ર૦૦૯ના રોજ પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ કરતા પોલીસે આઇપીસી ૩ર૩, ૫૦૪, પં૦૬(ર) તથા ૩પ૪ મુજબ કાર્યવાહી કરી આ ગુન્‍હાનું ચાર્જશીટ કોર્ટમાં રજુ કર્યુ હતું.                 આ કેસ જયુ. મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ કલાસ (મેઇન)  ની કોર્ટમાં ચાલી જતા સાક્ષીઓએ આવો કોઇ બનાવ બન્‍યાની જાણ નથી તેવું જાહેર કરતા તેમજ ફરીયાદ પક્ષ આ કેસ સાબીત કરવામાં નિષ્‍ફળ જતા  કોર્ટ ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ મધુસુદન કક્કડને નિર્દોષ જાહેર કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમોં ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ વતી એડવોકેટ એ.જ.મહેતા રોકાયા છે.

(4:50 pm IST)