રાજકોટ
News of Thursday, 29th July 2021

અજમેરા શાસ્ત્રીનગરમાં જમાઇ અને સાસરિયા વચ્ચે પથ્થર-લાકડીથી ધબધબાટીઃ ૪ને ઇજા

દિકરી બહાર રમતી હોઇ તે બાબતે પત્નિ સાથે બોલાચાલી થયા બાદ માથાકુટ : હરેશ ચાવડા અને સામા પક્ષે તેના સાસુ જસુબેન, બે સાળા ચેતન પરમાર અને ભાવીન પરમારને સારવાર લેવી પડી

રાજકોટ તા. ૨૮: નાના મવા રોડ અજમેરા શાસ્ત્રીનગરમાં રહેતાં ગેરેજ સંચાલક કડીયા યુવાનને તેના પત્નિ સાથે ચડભડ થતાં પત્નિના ભાઇઓ, માતા સહિતે આવી પથ્થર ફટકારી ઇજા કરતાં સારવાર માટે દાખલ થયું પડ્યું છે. સામે પક્ષે બે સાળા, સાસુ પણ પોતાના પર જમાઇ સહિતે લાકડી-પથ્થરથી હુમલો કર્યાની ફરિયાદ સાથે સારવાર માટે દાખલ થયા હતાં.

જાણવા મળ્યા મુજબ અજમેરા શાસ્ત્રીનગર બી-૫૦માં રહેતાં અને ગેરેજ ચલાવતાં કડીયા યુવાન હરેશ પ્રવિણભાઇ ચાવડા (ઉ.૩૫)ને રાતે ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલમાં ખસેડાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતામાં તેણે પોતાના પર ભાવીન, ચેતન, વિમલ, જસુબેને લાકડી-પથ્થરથી હુમલો કર્યાનું કહેતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી.

સામા પક્ષે સહકાર સોસાયટી-૩માં રહેતાં જસુબેન નરસીભાઇ પરમાર (ઉ.૬૩), તેના પુત્રો ચેતન (ઉ.૩૦) અને ભાવીન (ઉ.૩૯) પણ પોતાના પર શાસ્ત્રીનગર અજમેરામાં જમાઇ સહિતે લાકડી-પથ્થરથી હુમલો કર્યાની રાવ સાથે દાખલ થતાં માલવીયાનગરમાં જાણ કરાઇ હતી.

હરેશે જણાવ્યું હતું કે મારે મારી પત્નિ પ્રજ્ઞા સાથે દિકરી બહાર રમવા ગઇ હોઇ તે બાબતે બોલાચાલી થઇ હતી. આ કારણે મારા સાસુ જસુબેનને બોલાવાતાં તે તથા બે સાળા ચેતન અને ભાવીન તથા ચેતનના સાઢુ વિમલભાઇ મારા ઘરે આવ્યા હતાં. હજુ હું કંઇ સમજુ એ પહેલા જ તેણે સિમેન્ટ બ્લોક ઉઠાવી હુમલો કરી માથામાં ઇજા કરી હતી અને લાકડીથી પણ માર માર્યો હતો.

સામે ચેતન પરમારે કહ્યું હતું કે અમારા બહેન પ્રજ્ઞાબેન સાથે બનેવી હરેશકુમારને માથાકુટ થઇ હોઇ અમને બહેનના સાસુએ બોલાવતાં અમે વાતચીત કરવા ગયા હતાં. એ વખતે બનેવી હરેશકુમારે ઉશ્કેરાઇ જઇ લાકડી-પથ્થરથી હુમલો કર્યો હતો. પોલીસે બંને પક્ષના નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(11:42 am IST)