કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂ.નો ઉછાળો
સીંગતેલની સાથે કપાસીયા તેલના ભાવો પણ ભડકે બળતા મોંઘવારીના મારમાં પિસાતી પ્રજાઃ ૪ દિ'માં ૪૫ રૂ. વધી ગયા !
રાજકોટ, તા. ૨૮ :. ખાદ્યતેલોમાં કપાસીયા તેલમાં તેજીનો દોર યથાવત રહ્યો છે. આજે વધુ ૧૦ રૂ.નો ઉછાળો થયો છે.
સ્થાનિક બજારમાં કપાસ સહિતના કાચા રો-મટીરીયલ્સના ભાવો વધ્યાના અહેવાલે કપાસીયા તેલમાં તેજીનો દોર જારી રહ્યો હતો. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૩૨૫ રૂ. હતા તે વધીને આજે બપોરે ૧૩૩૫ રૂ. ભાવ બોલાયા હતા. કપાસીયા ટીનના ભાવ ૨૩૬૦થી ૨૩૮૦ રૂ. હતા તે વધીને આજે બપોરે ૨૩૭૦થી ૨૩૮૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. બપોર સુધીમાં સીંગતેલ સહિતના અન્ય સાઈડ તેલોમાં કોઈ ભાવ વધારો ન હતો.
ચાર દિ'માં કપાસીયા તેલમાં ૪૫ રૂ. વધી ગયા છે.સીંગતેલના ભાવો આસમાને પહોંચતા લોકો કપાસીયા તેલ તરફ વળ્યા હતા પણ કપાસીયા તેલના ભાવો પણ સીંગતેલના ભાવોની સપાટી તરફ પહોંચતા મોંઘવારીના મારમાં લોકો પિસાઈ રહ્યા છે.