રાજકોટ
News of Saturday, 29th August 2020

શાપરમાંથી ૧૬.૮૯ લાખનો દારૂ ઝડપી લેતી એલસીબીઃ બેરલના તળીયે ચોરખાના બનાવી છુપાવાઇ'તી બોટલો

હરિયાણાના સુરેન્દર ગોરા અને રાજકુમાર બૈરાગીની ધરપકડઃ કુલ રૂ. ૨૬,૯૭,૩૨૦નો મુદ્દામાલ કબ્જેઃ રૂરલ એસપી બલરામ મીણાની સુચના મુજબ ઇન્ચાર્જ પીઆઇ એચ. એમ. રાણા અને ટીમની કાર્યવાહી : કોઇ ઉપરથી બેરલ ખોલી જોવે તો ઓઇલ દેખાયઃ તળીયે ચોરખાનામાં દારૂ!

તસ્વીરમાં ઇન્ચાર્જ એચ. એમ. રાણા તથા ટીમ અને કબ્જે થયેલો ટ્રક, દારૂ તથા બેરલોના તળીયામાં કેવા ખાના હતાં તે ખોલી રહેલા ડ્રાઇવર-કલીનર જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૯: શાપર વેરાવળ ગામની સીમમાં સીએનજી પંપ વાળી શેરીમાંથી રૂરલ એલસીબીની ટીમે રૂ. ૧૬,૮૯,૪૨૦નો ૩૦૧૨ બોટલ દારૂ ભરેલો ટ્રક ઝડપી લઇ હરિયાણાના પુંડરીના ફતેપુર ગામના ટ્રક ડ્રાઇવર સુરેન્દર ભાલીરામ ગોરા (ઉ.૩૫) તથા કલીનર રાજકુમાર રાજમલજી બૈરાગી (ઉ.૪૩)ની ધરપકડ કરી દારૂ, ટ્રક, ૩૭ બેરલો, મોબાઇલ ફોન મળી રૂ. ૨૬,૯૭,૩૨૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ટ્રકમાં જે બેરલો હતાં તે ઉપરથી ખોલીને જોવામાં આવ્યા તેમાં ઓઇલ હોવાનું જણાયું હતું. પરંતુ બેલરના તળીયે બનાવાયેલા બોલ્ટ વાળા ચોરખાના ખોલીને જોવામાં આવતાં દારૂની બોટલો નીકળી પડી હતી.

રૂરલ એસપી બલરામ મીણાએ જીલ્લામાં દારૂ-જૂગારની પ્રવૃતિ નાબુદ કરવા આપેલી સુચના અંતર્ગત એલસબીના ઇન્ચાર્જ પીઆઇ એચ. એમ. રાણા અને ટીમ પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમી મળી હતી કે એચઆર૪૫સી-૮૪૩૯ નંબરનો ટ્રક ઓઇલના બેરલો ભરીને શાપરમાંથી પસાર થવાનો છે. આ ટ્રકમાં દારૂનો જથ્થો હોવાની શકયતા છે. બાતમીને આધારે વોચ રાખી શાપર સીએનજી પંપવાળી શેરીમાં ટ્રક નીકળતાં તેને અટકાવી તલાશી લેતાં અને પાછળ રાખેલા ૩૭ બેરલો તપાસતાં અંદર ઓઇલ જોવા મળ્યું હતું.

પરંતુ દારૂનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળી હોઇ ટ્રક ચાલક અને કલીનરની વિસ્તૃત પુછતાછ થતાં બંનેએ અંતે બેરલના તળીયામાં બનાવાયેલા ચોરખાનાની માહિતી આપી હતી. પોલીસે બેરલના તળીયાઓમાં નટબોલ્ટ ખોલી અંદર તપાસ કરતાં દારૂની બોટલો મળી હતી. ૩૭ બેરલોમાંથી કુલ ૩૦૧૨ બોટલો રૂ. ૧૬,૮૯,૪૨૦ની મળી હતી.

પીઆઇ એચ. એમ. રાણા સાથે એએસઆઇ પી.આર. બાલાસરા, હેડકોન્સ. રવિદેવભાઇ બારડ, અનિલભાઇ ગુજરાતી, કોન્સ. રહિમ દલ, પ્રણય સાવરીયા, મેહુલ બારોટ, ભાવેશ મકવાણા અને નરેન્દ્ર દવે આ કામગીરીમાં રોકાયા હતાં. બંને દારૂ કયાંથી કયાં લઇ જતાં હતાં? તેની તપાસ થઇ રહી છે.

(1:15 pm IST)