રાજકોટ
News of Saturday, 29th August 2020

રોણકીની કરોડોની જમીન કૌભાંડના આરોપી જયરાજસિંહ રાણાની જામીન અરજી રદ

રાજકોટ : શહેરમાં જમીન કૌભાંડ એ રોજબરોજની ઘટના બની ગઇ છે અને જમીન કૌભાંડકારોએ રાજકોટ શહેર અને આજુબાજુના જમીન માલીકોને જાણે કે બાનમાં લીધેલ હોય, તેવુ દિનપ્રતિદિન ચિત્ર ઉપસી રહ્યા છે. ત્યારે આશરે પચાસ કરોડથી પણ વધારે રકમની રમેશભાઇ બાબુભાઇ પરસાણાની માલીકીની આવેલ મિલકત સંબંધે જમીન કૌભાંડકારોએ મરણ પામેલ નોટરી અશ્વિન ટોળીયાના નામના બોગસ સહી, સીકકાઓ કરી ફરીયાદી રમેશભાઇ પરસાણાની ખોટી સહી કરી બોગસ પાવર ઓફ એર્ટની બનાવી ફોર્જરીનો ગુન્હો આચરી કિંમતી જમીન પચાવી પાડવા કૌભાંડ આચરેલ છે. જેની પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુન્હા રજી. નં. ૬૭/૨૦ થી રમેશભાઈ બાબુભાઇ પરસાણા એ ફરીયાદ આપેલ.

 ફરીયાદ પ્રનગરના પોલીસ સ્ટેશનમાં નોંધતા આરોપી જયરાજસિંહ મહિપતસિંહ રાણાની ધરપકડ કરવામાં આવતા આરોપી દ્વારા રાજકોટની ડિસ્ટ્રીકટ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ. જે નામદાર રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલ. ત્યારબાદ આરોપી દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીનના અરજી કરવામાં આવેલી. આ કેસની ટુંકમાં હકિકત જોતા ફરીયાદીની માલીકો અને કબજા ભોગવટાની રોણકી ગામની જમીનનુ હાલનો આરોપી સહઆરોપી રમેશ રાણા મકવાણા તથા યુવરાસિંહ રવુભા ચુડાસમા સાથે મળી જઇ ફરીયાદીની કિંમતી જમીનનુ ખોટુ અને બોગસ કુલ મુખ ત્યારનામુ આરોપી જયરાસિંહ મહિપતસિંહના નામનુ બનાવી તે કુલ મુખત્યારનામાના આધારે રજી. વેચાણ દસ્તાવેજ અન્ય સહ આરોપીઓના નામે કરી ફરીયાદી પાસેથી સમાધાન બદલ અઢાર કરોડ તથા અડધી જમીન માંગીણી કરી કૌભાંડ આચરેલ છે જે કૌભાંડના કામે આરોપી જયરાસિંહ મહિપતસિંહ રાણા આશરે છ મહિનાથી જેલ હવાલે છે.

જે જામીન અરજીના કામે સરકાર પક્ષે તથા મુળ ફરીયાદ પક્ષે પ્રવિણભાઇ એસ. ગોંડલીયા દ્વારા એવી રજુઆત કરેલ કે આરોપીઓ વિરૂધ્ધ ગંભીર ગુન્હાના આક્ષેપ છે તથા તપાસ દરમ્યાન આરોપી તથા ગુન્હાને સાંકળતા પુરાવા મળી આવેલ છે. ગુન્હાની તપાસ હજુ ચાલુ છે. સહ આરોપીઓ તથા અરજદાર આરોપીઓએ ગુન્હામાં ભજવેલ ભાગ સમાન ન હોવાથી પેરીટીના સિધ્ધાંતનો લાભ આરોપીઓને મળી શકે તેમ નથી. અરજદારો કાવતરૂ રચનારા હતા. ગુન્હામાં આરોપીઓએ મહત્વનો ભાગ ભજવેલ છે. અરજદારોએ બનાવટી કુલ મુખત્યારનામુ તથા નોટરીના બનાવટી સહી, સીકકાઓ બનાવી તેવા બનાવટી દસ્તાવેજ આધારે વેચાણ દસ્તાવેજ ઉભો કરી આર્થિક ગુન્હો કરેલ છે. જામીન મુકત થતા આરોપી નાશતા ભાગતા આરોપીઓને મદદગારી કરી તપાસમાં અડચણ ઉભી કરે તેમ છે. તથા તે કારણે તટસ્થ તપાસ થઇ શકે તેમ નથી. જામીન મુકત થતા આરોપી પુરાવા સાથે ચેડા કરે, સાહેદોને ધાકધમકી આપે તેવી તથા નાશી ભાગી જાય તેવી શકયતા છે. આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ છે. તેની સામે ધણા બધા ફોજદારી કેસો નોંધાયેલા છે, આરોપીઓએ કાવતરૂ રચી ખોટું કુલ મુખત્યારનામુ તથા ખોટો દસ્તાવેજ બનાવેલ હોવાનો પુરાવો રેકર્ડ ૫ર છે. આરોપીએ ગુન્હામાં સક્રિય ભાગ ભજવેલ છે. જમીનની કિંમતો વધતા ભુમાફીયા દ્રારા ખેડુતોની જમીન હડપ કરવા તથા તેનુ ટાઇટલ બગાડી મોટી રકમ પડાવવાની મોડસ ઓપરેન્ડી અનુસાર ગુન્હો કરવામાં આવેલ છે. તે તમામ સંજોગોમાં જામીન અરજીનામંજુર કરવી જોઇએ તેવી રજુઆતો કરેલ.

 સરકારશ્રી તથા મુળ ફરીયાદ પક્ષની રજુઆતોને ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઇકોટ કેસની સમીક્ષા કરી અરજદાર જયરાજસિંહ મહિપતસિંહ રાણાની રેગ્યુલર જામીન અરજી રદ કરતો હુકમ ફરમાવેલ છે.

 આ કામમા મુળ ફરીયાદ પક્ષ તરફે ગુજરાત હાઇકોર્ટમાં વિદ્યવાન ધારા શાસ્ત્રી શ્રી પ્રવિણભાઇ એસ. ગોંડલીયા તેમજ રાજકોટના વિદ્યવાન ધારાશાસ્ત્રી શ્રી અર્જુન એસ. પટેલ, મુકેશ જી. ગોંડલીયા, સત્યજીત જે. ભટ્ટી, સચીન બી. સગપરીયા, મહેન એમ. ગોંડલીયા, જીગર નસીત રોકાયેલા હતા.

(2:33 pm IST)