રાજકોટ
News of Saturday, 29th August 2020

મ્યુ. કોર્પોરેશન તથા તાલુકા-જિલ્લા પંચાયતોમાં નવા સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણીની તૈયારી

બે-ત્રણ દિવસમાં જ ચૂંટણી પંચનું જાહેરનામું બહાર પડવાનો સંકેત : રાજકીય સમીકરણો ધરખમ રીતે ફરશે

રાજકોટ, તા., ૨૯: રાજયમાં આવતા  ૪ મહિનામાં તાલુકા, જિલ્લા પંચાયતો અને ૬ મ્યુ.કોર્પોરેશનોની ચુંટણી આવવાપાત્ર છે.  તેને અનુલક્ષીને રાજય ચુંટણી પંચ દ્વારા નવા સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. બે-ત્રણ દિવસમાં જ આ અંગેનુ઼ પ્રાથમિક જાહેરનામું બહાર પાડી વાંધા સુચનો મંગાવાય તેવા સ્પષ્ટ નિર્દેશ મળે છે. રાજકોટ સહીતના જે મહાનગરોમાં હદમાં વધારો થયો છે ત્યાં નવા સિમાંકનનો માપદંડ લાગુ પડશે. બાકીની  સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના હાલના સિમાંકનમાં કોઇ ફેરફાર થશે નહી. નાનામૌવા, ઘંટેશ્વર, માધાપર વગેરે રાજકોટમાં ભળી જતા તેની નજીકના વોર્ડના સીમાંકનમાં મોટા ફેરફાર તોળાઇ રહયા છે.

ચુંટણી પંચ દ્વારા અનુસુચિત જાતિ, જનજાતિ, બક્ષીપંચ અને મહિલા અનામત બેઠકો જાહેર કરવાની થાય છે. દરેક પાલિકા પંચાયતોમાં પ૦ ટકા બેઠકો મહિલા અનામત રહેશે. હાલની જે અનામત બેઠકો છે તે લગભગ તમામમાં ફેરફાર થવાના નિર્દેશ મળે છે. અનામત બેઠકો ફરવાથી જે તે વિસ્તારોના રાજકીય સમીકરણોમાં ધરખમ ફેરફાર થઇ જશે. કઇ બેઠક કયા પ્રકારની અનામત રહેશે તે ચુંટણી પંચના જાહેરનામા બાદ સ્પષ્ટ થઇ જશે.

ચુંટણી પંચ સીમાંકન અને અનામત બેઠકોનું જાહેરનામુ બહાર પાડી મતદારો અને રાજકીય પક્ષોના વાંધા સુચનો મંગાવશે. સામાન્ય રીતે મોટા ભાગે પ્રાથમિક જાહેરનામા મુજબ આખરી જાહેરનામુ બહાર પડતુ હોય છતાં વ્યાજબી વાંધા સુચનોથી ફેરફારને અવકાશ રહેતો હોય છે. જે તે જિલ્લા કલેકટરે કરેલી દરખાસ્તના આધારે ચુંટણી પંચ આગળની કાર્યવાહી કરે છે. નવુ સીમાંકન કયા પ્રકારનું થાય છે અને બેઠકોની ફાળવણી કઇ રીતે થાય છે તેના તરફ રાજકીય વર્તુળોની મીટ છે. કોરોનાના કારણે ચુંટણી સમયસર આવશે કે કેમ? તે બાબતે લોકોના મનમાં પ્રશ્ન છે. ચુંટણી પંચે ચુંટણી સમયસર યોજવાની તૈયારી રાખી છે.

(3:37 pm IST)