રાજકોટ
News of Tuesday, 29th September 2020

ફેસબુક ઉપર ફ્રેન્ડ બનાવી દુષ્કર્મ આચરવા અંગે પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ર૯: ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ બની બાદ હોટલો તથા અન્ય જગ્યાએ લઇ જઇ નગ્ન ફોટા સોશ્યલ મિડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરનાર કેશોદના રહીશ મયુર લલીતભાઇ લાલવાણીને જામીન પર મુકત કરતો હુકમ રાજકોટના એડી. સેશન્સ જજે ફરમાવેલ છે.

આ બનાવની હકિકત જોઇએ તો મુળ કેશોદની રહીશ અને કાલાવડ રોડ પર આત્મીય યુનિવર્સિટી સામે શકિતનગર-૧ માં રહેતી પીડીતાએ કેશોદના કિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા મયુર લાલવાણી વિરૂધ્ધ એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે પીડીતાને આરોપી સાથે ફેસબુક મારફત પરિચય થતા ફોન નંબરની આપલે કરી સંપર્કમાં રહી જુદી-જુદી જગ્યા તેમજ હોટલમાં અનેકવાર જઇ પીડીતાની સંમતિ વગર અનેક વખત દુષ્કર્મ આચરી નગ્ન ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપતા તે સબંધે રાજકોટ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવામાં આવેલ.

ઉપરોકત ગુન્હા કામે આરોપી મયુર લાલવાણીએ જામીન મુકત થવા એડવોકેટ સુરેશ ફળદુ મારફત જામીન અરજી કરી રજુઆત કરી હતી.

કોર્ટે બંને પક્ષની રજૂઆતો ત.ક. અધિકારીના સોગંદનામા તથા પોલીસ પેપર્સ અને મુળ ફરીયાદીનું સોગંદનામું ધ્યાને લેતા ગુનાનો આરોપ, હકિકત, સંજોગો લક્ષે લેતા અંતર્ગત સતાનો ઉપયોગ આરોપીની તરફેણમાં કરવાનું મુનાસીફ માની અદાલતે આરોપીને રેગ્યુલર જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ હતો.

ઉપરોકત કામમાં આરોપી મયુર લાલવાણી વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રવિ ઠુંમર, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી રોકાયેલ હતા.

(3:22 pm IST)