રાજકોટ
News of Tuesday, 29th September 2020

જંગલેશ્વરમાં લાઇટ-ગટર-સફાઇનાં ધાંધિયાઃ લોકો ત્રાહીમામઃ રજૂઆત

ફેબ્રુઆરીમાં નોંધાવેલી ફરિયાદનાં સપ્ટેમ્બરમાં પણ નિકાલ થયો નથીઃ તાત્કાલીક પગલા લેવા સામાજીક કાર્યકર બુખારીબાપુની માંગ

રાજકોટ તા. ર૯ :.. શહેરનાં વોર્ડ નં. ૧૬ નાં જંગલેશ્વર વિસ્તારમાં મ.ન.પા.ની આવાસ યોજના ત્થા આસપાસનાં વિસ્તારોમાં છેલ્લા છ મહીનાથી સફાઇ-લાઇટ અને ભૂગર્ભ ગટરનાં  ધાંધિયા હોવાની રજૂઆત આ વિસ્તારનાં સામાજીક કાર્યકર બૂખારીબાપુએ કરી છે.

તેઓએ જણાવ્યું છે કે, જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી સફાઇ કામમાં લોલમલોલ ચાલે છે રોડ - રસ્તાઓ તેમજ શેરી-ગલિયો-સફાઇમાં ધાંધીયા છે.

આ બાબતે કોલ સેન્ટરમાં ફરીયાદ વારંવાર નોંધાવાઇ છે. છતાં આ બબતે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ વોર્ડ નંબર ૧૬ માં કોઇપણ જાતનું ધ્યાન નથી દેતાં ભુગર્ભ પણ રોડ ઉપર છલકાયને નીકળતી હોય છે.

વોર્ડ નંબર ૧૬ ની વોર્ડ ઓફીસે વારંવાર ફરીયાદ કરવા જઇએ છીએ તે છતાંય આ ફરીયાદનો કોઇપણ નિકાલ થતો નથી. જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી રોશની વિભાગની લાઇટો પણ ગુલ છે ફરીયાદ નોંધાવેલ તે છતાંય રોશની વિભાગ દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં એકશન લેવામાં  નથી આવતા કમ્પ્લે નંબર ર૦૦૧પ૭૦૮ તા. ૭ ફેબ્રુઆરી ર૦ર૦ થી લઇને કંપલેન નંબર ર૦૧પ૧૧૭૭ તારીખ ર૮ સપ્ટેમ્બર ર૦ર૦ સુધી ફરીયાદ કરેલ છે તે છતાંય અમારી ફરીયાદમાં કોઇપણ જાતના પગલા લેવામાં નથી આવતા.

આમ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સફાઇ કામ તેમજ રોશની વિભાગમાં અને ભૂગર્ભ ગટરમાં પણ ધાંધિયા ચાલે છે. ત્યારે અહીંના વિસ્તારવાસીઓ આ સમસ્યાની ત્રાહીમામ પોકારી ઉઠયા છે. સ્થાનિક કોર્પોરેટરો આ સમસ્યાઓ તાકીદે ઉકેલે તેવી માંગ વિસ્તારનાં સામાજીક કાર્યકર બુખારીબાપુએ ઉઠાવી.

(3:36 pm IST)