રાજકોટ
News of Tuesday, 29th September 2020

કોરોનાકાળ વચ્ચે સેવાની સરવાણી બાદ હવે લૂંટની કડવાણી

રાજકોટમાં ઇન્જેકશનના કાળા બજાર કરી લાલચ સંક્રમીતોએ મહામારીને પણ અવસર બનાવી લીધો : ઇતિહાસ સાક્ષી છે મહામારી સમયે એક વર્ગ સેવાકાર્યમાં તો કેટલાક લાલચુઓ આફતને અવસરમાં બદલી માનવજાતને કરે છે શર્મશાર : ભૂકંપ સમયે કાટમાળ કૌભાંડ,સુનામી,મોરબી જળહોનારત જેવી કુદરતી આપતી સમયે લાશો પરથી દાગીના લૂંટી લીધાની ઘટનાઓ બની છે

રાજકોટ તા.૨૯ : કોરોનાકાળ વચ્ચે એક તરફ પ્રારંભિક કાળમાં લોક સેવાની સરવાણી ફૂટી હતી.સેવાકીય કર્યોની સુવાસથી માનવતા મહેકી ઉઠી હતી પણ અફસોસની વાત છે કે સેવાની આ સરવાણી સાથે હવે લાલચુઓની લૂંટની કડવાણીના કિસ્સા પણ સામે આવવા લાગ્યા છે. કોરોનાના પ્રકોપ વચ્ચે કેટલીક હોસ્પિટલ દ્વારા દર્દીઓને ખંખેરવામાં આવ્યાની ફરિયાદ સામે આવવા લાગી છે. તો હવે કોરોનાકાળ વચ્ચે હવે આફતને અવસર માની લૂંટ ચલાવનારના પણ મેદાને આવી ગયા છે.

કોરોનાની આ મહામારીથી સમગ્ર વિશ્વ તોબા પોકારી ગયું છે.આ વાયરસની રસીનો વિશ્વના તમામ દેશો બેતાબીથી ઇંતજાર કરી રહ્યાં છે.લોકો ઈચ્છે છે કોરોનાની આ આફત જેટલી જલ્દી દુર થઇ જાય તેટલું સારૂ પણ કેટલાક લોકો આ આફ્તને પણ અવસર બનાવી બેઠા છે.સુરત,અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ કોરોના વાયરસથી સ્થિતિ ગંભીર બની છે.ત્યારે આવી વિકટ સ્થિતિ વચ્ચે શહેરમાં કોરોના સંકર્મીતો માટે જીવન રક્ષક સમાન રેમડેસીવીર ઇન્જેકશનના કાળા બજારનો પર્દાફાશ થયો છે.

રાજકોટની સરકારી હોસ્પિટલમાં રોજમદાર તરીકે કામ કરનાર આરોપી મુખ્ય સૂત્રધાર છે.અને એક મહિલાની પણ આ સંડોવણી ખુલી છે.પોલીસે હાલ આ કાળા બજારના આ કાંડમાં દેવયાની જીતેન્દ્રભાઈ ચાવડા (ઉં.વ.૨૦), વિશાલ ભુપતભાઈ ગોહેલ (ઉં.વ.૨૧),અંકિત મનોજભાઈ રાઠોડ (ઉં.વ.૨૧), જગદીશ ઈન્દ્રવનદનભાઈ શેઠ (ઉં.વ.૩૭)હિંમત કાળુભાઈ ચાવડા (ઉં.વ.૨૩) ને ઝડપી લીધા છે.અને તેની પૂછપરછ કરાઈ રહી છે.

આ ટોળકી કોરોના દર્દીઓની સારવાર માટે ખુબજ ઉપયોગી રેમડેસીવીર ઇન્જેકશન જેની કિંમત ૪૮૦૦ છે તેને ૧૦ થી ૧૨ હજારમાં વેચતા હતા.આ ઉપરાંત રાજકોટમાં થીયોસ ફામાયસ્યટુીકલ્સના સંચાલક સચીન હરેશકુમાર પટેલ (ઉવ.૩૦ )એ બોગસ બિલ બનાવી કોરોનાની સારવાર માટે મહત્વના કોવિફોરના ૧૧૦ ઇન્જેકશનના બોગસ બિલ બનાવી તેને બારોબાર વેચી દીધા છે.તેમજ આ કામમાં રજનીકાંત પરષોતમભાઇ ફળદુ (ઉવ.૨૯) જે એમ.આર હોઈ તેણે મદદગારી કરી હોવાનું બહાર આવતા બંનેને પોલીસે ગિરફતમાં લઇ લીધા છે.પોલીસની તપાસમાં આ કાળાબજારીમાં હજુ ઘણાના નામ ખુલવાની પૂરેપૂરી શકયતા રહેલી છે.

અગાઉ અમદાવાદ, સુરતમાં પણ આ જ પ્રકારે કોરોના મહામારી વચ્ચે ઇન્જેકશનના કાળા બજારથી લઈ ડુપ્લીકેટ ઇન્જેકશન વેચવા સહિતના કારસ્તાન બહાર આવી ચુકયા છે.જોકે એવું પણ નથી કે આવું પ્રથમ વખત બન્યું છે.ઇતિહાસ સાક્ષી છે.કાળા માથાના આ માનવીઓ પૈકી કેટલાકે મહામારીને પણ અવસર બનાવી પોતાની લાલચની પ્યાસને પુરી કરવાનો પ્રયાસ કરી સમગ્ર માનવજાતને શર્મશાર કરી છે.

કોરોનાની આ મહામારી પૂર્વે પણ અગાઉ અનેક એવી કુદરતી આપદામાં કેટલાક હૃદય વિનાના માનવીએ આફતને અવસર બનાવી પોતાનો સ્વાર્થ સિદ્ઘ કરી લીધો છે.કચ્છમાં ૨૦૦૧જ્રાક્નત્ન આવેલા વિનાશકારી ભૂકંપમાં સેંકડો લોકોના જીવ ગયા અનેક પરિવારે પોતાનો આશરો ગુમાવ્યો જે પૈકી કેટલાક હજુ પણ સામન્ય જીવન જીવી શકવા સક્ષમ નથી. બીજી તરફ આ આફતને કેટલાકે અવસરમાં બદલી નાખી કચ્છમાં ભૂકંપ બાદ કાટમાળ હટાવ ઝુંબેશમાં ૧.૫૪ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેમાં ૬૮ આરોપી સામે કોર્ટમાં આરોપનામું મુકાયું હતું.આ સિવાય પણ ભૂકંપ સમયે ભોગ બનનાર પીડિત પરિવારો માટેની કરોડોની બારોબાર ચાઉં થઈ ગયાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી.

મોરબીમાં વિકરાળ જળહોનારત સમયે એક તરફ ચારેકોર તારાજીના દ્રશ્યો સર્જાયા હતા તો બીજી તરફ આવી વિકટ સ્થિતિમાં પણ ભારે લૂંટફાટના બનાવો પણ બન્યા હતા.મુર્દા પરથી દાગીના ઉતારી લીધાના આદ્યાતજનક કિસ્સા પણ સામે આવ્યા હતા. સુનામી વખતે પણ રાહત કેમ્પમાં મહિલા સાથે બળાત્કારના બનાવો બન્યા હતા.ઉત્ત્।રાખંડમાં જળ પ્રલય સમયે પણ એક તરફ લાશોના ઢગલા હતા.છતાં આવી અતિ કરૂણ સ્થિતિમાં પણ લાશો પરથી દાગીનાની લૂંટ ચાલાવામાં આવી હતી જે અંગેનો એક વિડીઓ વાયરલ થયા હતા.આમ મહામારી સમયે એક તરફ આપણે આવી મહામારી જલ્દી દુર થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરતા હોઈએ છીએ.વિકટ સ્થિતિમાં સેવાભાવીઓ સેવાની સરવાણી વહાવે છે.તો આવી અતિ સંવેદનશીલ સ્થિતિમાં કેટલાક લાલચના વાયરસથી સંક્રમિત લોકો કોઈપણ હદે જઇ આપદાને પણ અવસર બનાવી લે છે.

(3:39 pm IST)