રાજકોટ
News of Thursday, 29th September 2022

કાલે માંડવી ચોક દેરાસરમાં બીરાજમાન શ્રી માણિભદ્ર દાદાનો હોમાત્મા હવન : સુખડી પ્રસાદ

રાજકોટ, તા. ર૯ : કાલે આસો સુદ પાંચમના જૈનોના શાસન રક્ષક દેવ શ્રી મણિભદ્રવીરનો પ્રાગટ્ય દિન છે. દર વર્ષે આસો સુદ પાંચમના જ એક જ દિવસે પુજા કરવામાં આવે છે. શ્રી મણિભદ્ર વીરના ત્રણ સ્થાનકો ઉજજૈન, મધરવાડા તથા આગલોડ છે. આસો સુદ પુનમ તા.૩૦મીના શુક્રવારે ત્રણેય સ્થાનકો પર ભકતોની ભારે ભીડ જોવા મળશે.

જે જિનાલયોમાં શ્રી મણિભદ્રવીરની પ્રતિભાજી બિરાજમાન છે ત્યાં આસો સુદ પુનમના શ્રી મણિભદ્રવીરની પુજા અનેરા ઉલ્લાસ સાથે થશે.

શહેરના ૧૯૬ વર્ષ પ્રાચીન તીર્થ શ્રી સુપાર્શ્ચનાથ જિનાલયમાં શ્રી મણિભદ્રવીરની પ્રતિમાજી અત્યંત પ્રાચીન અને પ્રભાવક છે. દર ગુરુવારે અહીં મેળો ભરાય છે. અનેક ભાવિકો પોતાની માનતા પુરી કરવા માટે આવતા હોય છે.

કાલે તા.૩૦મીના શુક્રવારે આસો સુદ પાંચમના દિવસે સુપાર્શ્ચનાથ જિનાલયના આંગણે બિરાજમાન શ્રી મણિભદ્રવીરના સ્થાનકે પ્રાગટ્ય દિન અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવાશે. આ અંગે માંડવી ચોક જૈન સંઘના પ્રમુખ જીતુભાઇ ચાવાળા તથા ટ્રસ્ટી ગણે જણાવેલ કે, આસો સુદ પાંચમના જિનશાસન પ્રભાવક શ્રી મણિભદ્રવીરનો ભવ્યાતિભવ્ય હોમાત્મક હવન તથા સુખડી પ્રસાદ યોજાશે. જાગનાથ સંઘમાં બિરાજતા પંન્યાસ પ્રવર શ્રી સત્ત્વબોધિ વિ.મ. તથા પૂ. સાધ્વીજી ભગવંત શ્રી વિપુલયાશ્રીજી મ. આદિ ઠાણાની નિશ્રામાં તા.૩૦મીના શુક્રવારે સવારે ૭ વાગે પુજાની બોલી શરૃ થશે તથા સવારે ૮.૩૦ કલાકે ભકિત સંગીતની સુરાવલી સાથે હોમાત્મક હવન શરૃ થશે.

આ દિવસે શ્રી મણિભદ્રવીરની પક્ષાલ પુજા, કેસર પક્ષાલ, કેરસ પુજા, ફુલ પુજા, ધુપ દીપ પુજા, નૈવેદ સહિતના અનુષ્ઠાનો થશે. હોમાત્મક હવનના તથા સુખડી પ્રસાદના લાભાર્થી શ્રીમતી નિરૃબેન પ્રમોદચંદ પારેખ પરિવાર છે. વિધિકાર તરીકે શાસ્ત્રીજી જયેશભાઇ વ્યાસ પધારશે તથા ભકિતકાર તરીકે શૈલેષ વ્યાસ તથા ધર્મેશ દોશી જમાવટ કરશે.

હોમાત્મક હવન પૂર્ણ થયા બાદ સુખડી પ્રસાદ રાખવામાં આવેલ છે. ઉપરોકત પ્રસંગે સર્વ ધર્મીજનોને પધારવા સંઘ પ્રમુખ જીતુભાઇ ચાવાળા તથા ટ્રસ્ટી મંડળે અનુરોધ કર્યો છે.

(3:44 pm IST)