રાજકોટ
News of Thursday, 29th September 2022

શ્રી હરી ઇન્ડસ્ટ્રીઝ એરીયાના પાંચ કારખાનામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : ક્રાઇમ બ્રાંચે ત્રણ શખ્સોને દબોચ્યા

હેડ કોન્સ. ધર્મેશભાઇ ડાંગર, હરદેવસિંહ રાઠોડ અને કોન્સ. નિતેશભાઇ રાઠોડની બાતમી : કારખાનામાં કામ કરતા બિહારના જીતેન્દ્ર રાય, યુપીના યોગેન્દ્ર ચૌહાણ અને સરોજકુમાર ગુપ્તાને દબોચ્યા : રૃા. ૩.૯૬ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૨૯ : શહેરના ગોંડલ રોડ પર મુરલીધર વેબ્રીજ સામે આવેલ શ્રી હરી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં પાંચ કારખાનામાં થયેલી ચોરીનો ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી ત્રણ પરપ્રાંતીય શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર આવેલી શ્રી હરી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલા એક કારખાનાની ઓરડીમાં ચોરાઉ માલસામાન પડયો હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. ધર્મેશભાઇ ડાંગર, હરદેવસિંહ રાઠોડ તથા કોન્સ. નિતેશભાઇ બારૈયાને બાતમી મળતા ખોડીયાર ઇન્ડસ્ટ્રીઝની સામે ધીરૃભાઇ ખૂંટના કારખાનાની ઓરડીમાં દરોડો પાડી ઓરડીમાં રહેતા જીતેન્દ્રરાય રામજીરાય રાય (ઉ.વ.૨૯) (મૂળ કુનાઇભેલાઇ નૈતનવા ગામ, બિહાર), યોગેન્દર મોતીચંદ ચૌહાણ (ઉ.૨૪) (રહે. મૂળ શીહી ગામ, ઉત્તરપ્રદેશ) અને સરોજ બબનભાઇ ગુપ્તા (ઉ.વ.૨૪) (રહે. મૂળ સુખપુર ગામ, ઉત્તરપ્રદેશ)ને પકડી લઇ ચોરાઉ મેરેબલ ધાતુની ૪૦ લાદી, ૧૯૦ કિલો એસ.એસ.મટીરીયલની પ્લેટો, ૬૯૦ કિલો દરવાજાના હેન્ડલ, કેસ ડાયલ તથા મેરેબલ ધાતુનું મીકસ મટીરીયલ મળી રૃા. ૩,૯૬,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્રણેયની પૂછપરછમાં ત્રણેય રાત્રે કારખાના વિસ્તારના પતરા તોડી તેમજ એકઝોસ ફેન ખોલી ચોરી કરતા હતા. ત્રણેયે થોરાળા અને આજીડેમ વિસ્તારમાં આવેલા પાંચ કારખાનામાં ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ કામગીરી પી.આઇ. વાય.બી.જાડેજા, જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એન.ડી.ડામોર, હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ધર્મેશભાઇ ડાંગર, પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. રણજીતસિંહ જાડેજા અને નિતેષભાઇ બારૈયા દ્વારા કરવામાં આવી હતી.

(3:52 pm IST)