રાજકોટ
News of Thursday, 29th September 2022

કૌશલ્ય વિકાસ અંગે રાજકોટના ઉદ્યોગકારો સાથે એન.એસ.ડી.સી.ના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ

તાલીમબદ્ધ માનવબળ ઊભું કરીને રોજગારી વધારવા ઉદ્યોગકારો, શૈક્ષણિક સંસ્થાઓ સાથે વિમર્શ કરાયો

રાજકોટ :ઉદ્યોગોને તાલીમબદ્ધ માનવબળ પૂરું પાડવા સ્કીલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાના હેતુસર રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (એન.એસ.ડી.સી.)ના પ્રતિનિધિઓ અને રાજકોટના વિવિધ ઉદ્યોગ એસોસિએશનના હોદ્દેદારો વચ્ચે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ તથા એન.એસ.ડી.સી.ના પ્રતિનિધિ પારૂલ મહાજનના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં સ્કીલ અપડેશન, રિ-સ્કિલિંગ તેમજ તાલીમબદ્ધ માનવબળ ઊભું કરવા અંગે વિમર્શ કરાયો હતો.

આ બેઠકનો હેતુ સ્પષ્ટ કરતા પારૂલ મહાજને જણાવ્યું હતું કે,  ઉદ્યોગો પાસે સંસાધનો છે પણ સમય અને તાલીમનું માળખું નથી, જ્યારે શૈક્ષણિક સંસ્થાઓ પાસે આ સુવિધાઓ છે. જેથી ઉદ્યોગોની જરૂરિયાત મુજબ, તેને સાથે રાખીને શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓને તાલીમ પૂરી પાડે, જેથી ઉદ્યોગોને તાલીમબદ્ધ માનવબળ મળી રહે અને વિદ્યાર્થીઓને પણ તત્કાલ કામ મળી રહે. આમ શૈક્ષણિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગો માટે ‘વિન-વિન’ની પરિસ્થિતિ સર્જાય. તેમણે ઉમેર્યું હતું કે, સ્કીલ ડેવલપમેન્ટ મિશન અંતર્ગત રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ તેના તમામ સ્ટેક હોલ્ડરોને સાથે રાખીને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. એન.એસ.ડી.સી.ની વેબસાઈટ પર અનેક ઓનલાઈન કોર્સિસ નિઃશુલ્ક ઉપલબ્ધ છે, જેનો લાભ લેવા માટે પણ તેમણે અપીલ કરી હતી.

જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ રાજકોટના ઉદ્યોગો દ્વારા દેશના સકલ ઘરેલુ ઉત્પાદન (જી.ડી.પી.)માં આપતા યોગદાનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે,  જિલ્લાના ઉદ્યોગો ચારથી પાંચ લાખ લોકોને રોજગારી આપે છે. સમગ્ર દેશમાં રાજકોટને નેશનલ સ્કીલ એવોર્ડ મળ્યો છે,  જે ઉદ્યોગોને આભારી છે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, બધા ઉદ્યોગ એસોસિએશનને એક મંચ પર લાવીને સ્ટાર્ટ અપ ઇન્ડિયા સાથે જોડવામાં આવશે. રાજકોટ જિલ્લામાં આગામી સમયમાં ઉદ્યોગો માટે કન્વેન્શન સેન્ટર,  સ્કીલ અપગ્રેડેશન સેન્ટર પણ બનશે, એમ તેમણે ઉમેર્યું હતું.

  આ તકે વિવિધ ઉદ્યોગ એસોસિએશન અને યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓએ કૌશલ્ય વિકાસ અંગે તેમના દ્વારા કરાતા પ્રયાસોની માહિતી આપી હતી. આ બેઠકમાં અધિક કલેક્ટર એસ. જે. ખાચર,  એન.એસ.ડી.સી.ના પ્રતિનિધિ ઉદય શ્રોફ, રાકેશ કુમાર,  જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોર મોરી તથા અન્ય અધિકારીઓ,  જિલ્લા ઉદ્યોગ સલામતી અને સ્વાસ્થ્ય ખાતાના અધિકારીઓની ટીમ, ચેમ્બર ઓફ કોમર્સ, વિવિધ જી.આઈ.ડી.સી.ના ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ, યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:52 am IST)