રાજકોટ
News of Tuesday, 29th November 2022

જુવેનાઇલ ડાયાબીટીસ ફાઉન્‍ડેશન દ્વારા ટાઇપ-૧ના બાળ દર્દીઓ માટે યોજાયો અવેરનેસ કાર્યક્રમ

રાજકોટ : તાજેતરમાં વર્લ્‍ડ ડાયાબિટીસ ડે તેમજ બાલ દિનની પૂર્વે જુવેનાઇલ ડાયાબિટીક ફોઉન્‍ડેશન રાજકોટ દ્વારા એન્‍જિનિરીંગ એસોસિએશનના સહયોગથી ટાઈપ-૧ ડાયાબિટીક ધરાવતા બાળકો માટે લેટ'સ બીટ ડાયાબિટીક એજયુકેશન અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરાયુ હતું. જેમાં ૫૦૦ થી વધુ બાળકો તેમજ તેમના તેમના માતા પિતાએ ભાગ લીધો હતો. ડાયાબિટીસ રોગના સુપર સ્‍પેશ્‍યલિસ્‍ટ ડો. નિલેશ દેત્રોજા, ડો. પંકજ પટેલ, ડો. હર્ષ દુર્ગીયા, ડો. ઝલક શાહ તથા ડો. ચેતન દવે દ્વારા ટાઈપ-૧ ડાયાબિટીસને કઈ રીતે હરાવવું તે અંગે સરળ અને મેડિકલ સાયન્‍સની ભાષામાં માર્ગદર્શન અપાયુ હતુ. અમદાવાદથી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્‍થિત ધ ડાયાલીસીસ ટીમના સુમિતભાઈ ધગીઆ, વિશ્રાંતિબેન ચાવડા તથા રીતીકાબેન મહેશ્વરી દ્વારા જ્ઞાન અને ગમ્‍મત સાથે ઉપયોગી ટાઈપ -૧ ડાયાબિટીસ અને માર્ગદર્શન પૂરૂ પડાયું હતું. આ તકે બાળકોને હૂંફ તથા મોટિવેશન મળી રહે તે માટે સમાજના શ્રેષ્‍ઠીઓ રાજકોટ એન્‍જી. એસો.ના પ્રમુખ પરેશભાઈ વાસાણી, સિનિયર આક્રિટેક અને અગ્રણી બિલ્‍ડર્સ રાજેશભાઈ કોટક, અગ્રણી ઉદ્યોગપતિ જીવદયાપ્રેમી સુભાષ રવાણી, ખ્‍યાતનામ ઓર્થો સર્જન ડો. નિષીથ સંઘવી, અગ્રણી લેન્‍ડ ડેવલોપર્સ પરેશભાઈ રૂપારેલિયા, ચાર્ટર્ડ અકાઉન્‍ટન્‍ટ તથા ગ્રેટર ચેમ્‍બર ઓફ કોમર્સ રાજકોટના પ્રમુખ રાજીભાઈ દોશી, અગ્રણી ચાર્ટર્ડ અકાઉન્‍ટન્‍ટ ઋષિતભાઈ શાહ, અગ્રણી એડવોકેટ વિકાસભાઈ શેઠ, જૈન શ્રેષ્‍ઠી ઉપેનભાઈ મોદી, ચાઈલ્‍ડ એન્‍ડ પેરેન્‍ટ્‍સ કાઉન્‍સેલર અને ઈન્‍ડસ્‍ટ્રીયાલીસ્‍ટ કાજલબેન હરિયા તથા મોઢવણિક સમાજના પ્રમુખ ભાગ્‍યેશભાઈ વોરા ઉપસ્‍થિત રહ્યા હતા.  આ તબક્કે સમાજ શ્રેષ્‍ઠી ચુનીલાલ જોબનપુત્રા પરિવાર દ્વારા ૩ લાખ, રાજેશભાઈ વાસાણી દ્વારા ૧૧,૦૦૦, વિકાસભાઈ શેઠ દ્વારા ૧૧૦૦૦, સુભાષભાઈ રવાણી દ્વારા ૧૧૦૦૦, કાજલબેન દ્વારા ૫૧૦૦ નું અનુદાન જેડીએફ  પરિવારને આપવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની પૂર્ણંહૂતી બાદ દરેક ટાઈપ-૧ ડાયાબિટીસ ધરાવતા બાળકોને તેમની સારવાર માટે એક હજારના મૂલ્‍યની મેડિકલ કીટ આપવામાં આવેલ. કાર્યક્રમના અંતે જેડીએફ રાજકોટના મેનેજીંગ ટ્રસ્‍ટી અપુલભાઈ દોશીએ સહયોગી સૌનો આભાર વ્‍યકત કર્યો હતો. 

(4:28 pm IST)