રાજકોટ
News of Friday, 30th July 2021

વસ્તી નિયંત્રણ કાયદાની જરૂર નથી : અમીનુલકાદરી

દરેક માણસે સંયમ રાખવો જરૂરીઃ પાલનપોષણ કરી શકો તેટલા બાળકોને જન્મ આપો : વસ્તી નિયંત્રણ કાનૂન અમલ કરીને ચીન પસ્તાઈ રહ્યું છેઃ પક્ષો સત્તા મેળવીને પોતાના વિચાર મુજબ કાયદા બનાવતા રહેશે તો ભારતની પ્રગતિ અવરોધાશે

ભારતના જાણીતા સુન્ની સંપ્રદાયના વકતા સૈયદ અમીનુલકાદરી (માલેગાંઉ-મહારાષ્ટ્ર) આજે સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ''અકિલા'' કાર્યાલય ખાતે પધારેલ એ વેળા તેઓનું અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ફૂલહારથી સ્વાગત કર્યું ત્યારની તસ્વીરોમાં તેઓની સાથે રહેલા સદર જુમ્આ મસ્જીદના ઇમામ હાફિઝ અકરમખાનનું પણ સન્માન કરેલ અને મુસ્લિમ અગ્રણી હબીબભાઇ કટારીયા સહિતના સાથીજનો સાથે રહેલા એ ઉપરાંત 'અકિલા' સાથે વાત કરી રહેલા સૈયદ અમીનુલકાદરી સાહેબ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૩૦ :. ભારત દેશમાં સુન્ની સંપ્રદાયમાં સમાજ સુધારણા તરીકે કાર્ય કરી રહેલ સંસ્થા 'સુન્ની દા'વતે ઈસ્લામી' ઉપર દેખરેખ રાખી દેશભરમાં પોતાના પ્રવચનો થકી લોકપ્રિય થયેલા નવયુવાન ઉલેમા મૌલાના સૈયદ અમીનુલકાદરી આજે સૌરાષ્ટ્રના પ્રવાસે પધાર્યા છે.

અમદાવાદથી સીધા રાજકોટ પહોંચેલા ઈસ્લામિક સ્કોલર સૈયદ અમીનુલકાદરીએ જુમ્આની નમાઝ સદર જુમ્આ મસ્જીદમાં સંપન્ન કરેલ એ પૂર્વે 'અકિલા' દૈનિકની મુલાકાતવેળાએ 'માનવ સેવા' 'ઉચ્ચ શિક્ષણ' ઉપર ભાર મુકી વાત કરતા આગળ કહ્યુ કે, વસતિ નિયંત્રણ કાયદાની જરૂર નથી.

ઈસ્લામિક સ્કોલરે સ્પષ્ટ કહ્યું હતુ કે, ભારતમાં વસ્તી નિયંત્રણ કાયદો જરૂરી નથી. દરેક માણસે સમજદારીપૂર્વક નિયંત્રણ કરવું જોઈએ. જેટલા બાળકોનું શ્રેષ્ઠ રીતે પાલન પોષણ થઈ શકે તેટલા બાળકોને જન્મ આપવો જોઈએ. વસ્તી નિયંત્રણ કાનૂનનો ચીને અમલ કર્યો હતો, બાદમાં ચીન પસ્તાયુ હતું. ત્યાં બાળ-યુવા પેઢીની અછત સર્જાઈ છે. આ બધી જ અસરો જોતા ભારતમાં વસ્તી નિયંત્રણ કાનૂનની જરૂર નથી.

આ રીતે જ ઈસ્લામિક સ્કોલરે કહ્યું હતું કે, સમાન સિવિલ કાનૂનની પણ ભારતને જરૂર નથી. જે પરંપરા ચાલી આવે છે તેમાં દરેક પક્ષ પોતાના વિચાર પ્રમાણે ફેરફાર કરતો રહેશે તો દેશના વિકાસમાં અવરોધ ઉભો થશે.

તેઓએ કહ્યું હતું કે, ભારતમાં કયારેય હિન્દુ-મુસ્લિમ દંગા નથી થયા. જે તોફાનો થાય છે એ રાજકીય હોય છે. આવી રાજકીય હરકતો દેશ માટે જોખમી છે.

હિન્દુ-મુસ્લિમોના ડીએનએ એક હોવાના સંઘ વડા ભાગવતજીના નિવેદન અંગે ઇસ્લામિક સ્કોલરે કહ્યું હતું કે, સાચી વાત છે માણસ માત્રના ડીએનએ એક છે. આપણે બધાં આદમના વંશજ છીએ.

મૌલાના સૈયદ અમીનુલકાદરી એ આંબેડકરજીના બનાવેલ બંધારણ સૌ માટે સમાન છે એ સિવાય દરેક પક્ષએ નવા નવા કાનુન બનાવવા જોઇએ નહીં અને દરેક માનવી આદમના વંશજ છે તો એ તરફ સૌએ વળવું જોઇએ તેમ પણ જણાવ્યું હતું.

મૌલાનાએ વધુમાં કહ્યું કે, આજે સમગ્ર વિશ્વની સાથે ભારત દેશમાં પણ કોઇપણ ધર્મનો માનવી હોય શાંતિ ઇચ્છે છે અને માનસિક શાંતિ કયાંય પણ નથી કદાચ તે ધનિક હોય કે ગરીબ હોઇ દરેક માનવી આજે અશાંતિમાં માનસિક રીતે જીવી રહ્યો છે. વાસ્તવમાં એકબીજાથી મળી પોતાની ખુશીઓની આપલે કરાશે તો જ તેના આત્માને શાંતિ મળશે.

આજે ભારતમાં આ પરિસ્થિતિ વચ્ચે દેશને આર્થિક રીતે મજબૂત કરવાની જરૂર છે અને એ માટે ઉચ્ચ શિક્ષણ તમામ બાળકોને મળે એ માટે વ્યવસ્થા હોવી જોઇએ અને બાળકો પણ ઉચ્ચ શિક્ષણ મેળવે એ જરૂરી છે.

બીજી તરફ આજે પ્રજા નકામા ખર્ચામાં વ્યસ્ત છે એ નિતિ પોતાને અને દેશને તબાહી તરફ લઇ જઇ શકે છે. આજે હર કોઇ ૧ રૂપિયાના ખર્ચમાં બધુ મેળવી શકે છે પરંતુ પોતાના સન્માન અને દેખાવા માટે ૧ ના બદલે ૧૦ રૂપિયા ખર્ચે છે જે ન થવું જોઇએ.

ત્રીજી બાબત એ છે કે, આજે મહામારી ચાલી રહી છે અને હજુ ત્રીજી લહેર આવવાનો ભય છે જો તે આવે તો તે વધુ ખતરનાક સાબિત થઇ શકે છે આ સમયે ઘણા લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે જે લોકોમાં વૃદ્ધો એકલા થઇ ગયા છે. અથવા તો જે બાળકો અનાથ બની એકલા રહી ગયા છે તેઓની સંપૂર્ણ જવાબદારી લઇ તેઓ આ જગતમાં એકલા નથી તેઓ અહેસાસ એમને થવો જોઇએ તે માટે યોજના બનાવવી જરૂરી છે.

કેમકે વસ્ત્રો અને અન્નદાન તો કોઇપણ કરી શકશે પણ તેમની સંભાળ કોણ લેશે? આ બાબત જણાવી મૌલાના સૈયદ અમીનુલકાદરી એ વધુમાં કહ્યું કે, આ માટે શિક્ષણની જરૂરીયાત છે. એક ઉદાહરણ આપતા તેઓએ કહ્યું કે, દેશના રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ ગરીબ હતા અને તેઓના પિતાએ તેઓને આગળ ભણવાની ના પાડી દીધી પરંતુ તેઓના દાદાએ પોતાનું બધું વેચી નાખવાની તૈયારી દર્શાવી ત્યારે ડો. અબ્દુલ કલામએ રસ્તા ઉપર અખબારો વેંચ્યા અને એ દ્વારા શિક્ષણ મેળવ્યું.

પરંતુ આજે મોટેરાંઓ ના પાડે તો પણ બાળકોએ જે સત્ય માર્ગ છે તેના ઉપર મહેનત કરી આગળ આવવું જોઇએ.

રાજકોટઃ સુન્ની દા'વતે ઈસ્લામી નામની સંસ્થાના અગ્રેસર અને માલેગાંઉ સ્થિત મૌલાના સૈયદ અમીનુલકાદરી સાથે આજે સદર જુમ્આ મસ્જીદના ઈમામ હાફિઝ અકરમખાન સાથે રહ્યા હતા. હાફિઝ સાહેબે કહ્યુ કે, મૌલાના અમીનુલકાદરી સાહેબના બ્યાનો હંમેશા સૌરાષ્ટ્રમાં અવારનવાર યોજાતા રહ્યા છે અને તેઓને લોકો એકચિતે સાંભળતા જોવા મળે છે. તેઓના કાર્યક્રમમાં પણ મેદની ઉમટતી હોય છે. ઈસ્લામિક સ્કોલર તરીકે ભારત દેશમાં ખૂબ જાણીતા થયા છે ત્યારે આજે તેઓનો સદર જુમ્આ મસ્જીદમાં લ્હાવો મળી ગયો હતો. સૈયદ સાહેબએ નમાઝ વેળા સૌરાષ્ટ્રના જાણીતા સુફી અને પીર સૈયદ દાદાબાપુ કાદરી (સાવરકુંડલા)ના સુપુત્રી બિમાર હોય તેમના દિર્ઘાષ્યુ માટે દુઆઓ કરી હતી.

રાજકોટઃ પત્રકારત્વ હંમેશા સાચી વાત કરે છે તેમ મૌલાના સૈયદ અમીનુલકાદરીએ 'અકિલા' કાર્યાલયની મુલાકાત વેળા જણાવી વધુમાં કહ્યું કે, જે ખોટું છે તેને ખોટું જાહેર કરો જે સાચુ છે તેને સાચુ જાહેર કરો પરંતુ આજે ચહેરો જોઈને વાત કરવામાં આવે છે એ ન થવું જોઈએ કેમ કે સાચી વાત જાહેર નહીં થાય તો નુકશાન દેશને જ થશે.

(3:20 pm IST)