રાજકોટ
News of Friday, 30th September 2022

રાજકોટમાં રાષ્‍ટ્રીય કક્ષાના હોકી - સ્‍વીમીંગના ખેલાડીઓનું આગમન : ઉષ્‍માભેર સ્‍વાગત

૩૬મી નેશનલ ગેમ્‍સની ભવ્‍ય શરૂઆત : રવિવારથી હોકી ગ્રાઉન્‍ડ, રેસકોર્ષ તથા કોઠારીયા રોડ સ્‍વીમીંગ પુલ ખાતે સ્‍પર્ધકો હીર ઝળકાવશે

રાજકોટ તા. ૩૦ : ગઇકાલ તા. ૨૯ થી તા. ૧૨ ઓક્‍ટોબર દરમ્‍યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્‍સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્‍વિમિંગની સ્‍પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે. રાજકોટ માટે આ રાષ્ટ્રીય ઈવેન્‍ટ્‍સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો અંતર્ગત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આજ બપોર સુધીમાં હોકીની વિવિધ રાજયોની ટીમો જેમાં તામિલનાડુ,ᅠઝારખંડ (મેલ અને ફિમેલ બંને),ᅠહરિયાણા,ᅠઓડિસા ફિમેલ ટીમ,ᅠકર્ણાટક ફિમેલ ટીમ,ᅠતથા સ્‍વિમિંગમાં સર્વિસીઝ અને કર્ણાટકની મેલ ટીમ રાજકોટ આવી પહોંચતા એરપોર્ટ અને રેલ્‍વે જંકશન ખાતે કાઠિયાવાડી પરંપરા મુજબ સાંસ્‍કૃતિક પ્રોગ્રામ સાથે ઉષ્‍માભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. તેમજ અન્‍ય રાજયોની ટીમો આજે રાજકોટ આવી રહી છે.

હોકી સ્‍પર્ધા મેજર ધ્‍યાનચંદ હોકી ગ્રાઉન્‍ડ,ᅠરેસકોર્સ ખાતે તા. ૨ થી ૧૧ ઓક્‍ટોબર દરમ્‍યાન તેમજ સ્‍વિમિંગની વિવિધ કેટેગરીની સ્‍પર્ધાઓ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્‍વિમિંગ પૂલ,ᅠકોઠારિયા રોડ ખાતે તા. ૨ થી ૮ ઓક્‍ટોબર દરમ્‍યાન યોજાનાર છે.

રાજકોટ આવી પહોંચેલી અને હવે આવી રહેલી તમામ ટીમો તેમજ વ્‍યક્‍તિગત સ્‍પર્ધાઓમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે પણ આગમન સ્‍વાગતની તૈયારી કરી લેવામાં આવેલ છે. સાથોસાથ તેઓને રહેવાᅠ માટેᅠ જરૂરી હોટેલની વ્‍યવસ્‍થા, ટ્રાન્‍સપોર્ટેશન, આહાર વગેરે આયોજન કરવામાં આવેલું છે. ગત રાત્રે જુદાજુદા સમયે આવી પહોંચેલી ટીમો માટે મોડી રાત બાદ,ᅠવહેલી સવારે ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાનાં માર્ગદર્શન હેઠળᅠ નાયબ કમિશનર  આશિષ કુમાર,ᅠᅠએ. આર. સિંહ અને ચેતન નંદાણી,ᅠતેમજ સહાયક કમિશનર  વાસંતીબેન પ્રજાપતિ,ᅠએચ. આર. પટેલ,ᅠ સમીર ધડુક,ᅠજસ્‍મીનભાઈ રાઠોડ વગેરે અધિકારીઓ તેમજ તેઓની ટીમો સતત કાર્યરત્ત છે.

રાષ્ટ્રીય ખેલના પ્રારંભથી ગુજરાતનો માહોલ રમતમય બની રહ્યો છે. રાજકોટમાં પણ આ ખેલ મહોત્‍સવને લઈને ઉત્‍સાહ વર્તાઈ રહ્યો છે, ત્‍યારે આઠમી નેશનલ રાફિટંગ ચેમ્‍પિયનશીપની વિવિધ ઈવેન્‍ટસમાં શાનદાર પ્રદર્શન કરનારી ટીમ રાજકોટમાં આવી ચૂકી છે. આ ટીમે  મહાનગર પાલિકાના મેયર પ્રદીપ ડવ તેમજ મ્‍યુનિસિપલ કમિશનર અમિત અરોરાની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. મેયર તથા કમિશનરે સ્‍મૃતિ ચિહ્ન આપી ટીમને સન્‍માનિત કરી હતી.

નોંધનીય છે કે, આઠમી રાષ્ટ્રીય રાફિટંગ કોમ્‍પિટિશન ૨૧થી ૨૩ સપ્‍ટેમ્‍બર દરમિયાન કુલ્લુ-મનાલીના પીરડીમાં બિયાસ નદી પર થઈ હતી. જેમાં ૧૯૬૫ પછી પહેલીવાર ગુજરાતની પુરુષ તથા મહિલાઓની ટીમે ભાગ લીધો હતો. રાફિટંગની આ એડવાન્‍સ રમતમાં ટીમ ગુજરાતના તમામ ખેલાડીઓ રાજકોટના હતા. પુરુષોની ટીમમાં સિદ્ધરાજસિંહ સોલંકી, ભરત કામલિયા, પરિક્ષિત કલોલા, સાહિલ લખવા, પ્રિયાંશ દવે, વિવેક ટાંક, હિરેન રાતડિયાએ ભાગ લીધો હતો. જયારે મહિલાઓની ટીમમાં કુમારી મૈત્રી જોશી, પ્રિશા ટાંક, બાંસુરી મકવાણા, ડો. ઋત્‍વા સોલંકી, જીનલ પિત્રોડા, ભગવતી જોશીએ ભાગ લીધો હતો.

આ ટીમ ચેમ્‍પિયનશીપની કુલ નવ ઈવેન્‍ટમાં ભાગ લીધો હતો. જેમાં સ્‍લોલેમ ઈવેન્‍ટમાં મહિલા ટીમે ચોથો ક્રમ મેળવ્‍યો હતો. જયારે મહિલા-પુરૂષ સંયુક્‍ત સ્‍પર્ધામાં આ ટીમ છઠ્ઠા ક્રમે રહી હતી. પુરુષોની સ્‍પર્ધામાં ગુજરાતની પહેલીવાર રમનારી ટીમે પંજાબની અનુભવી ટીમને હરાવીને આヘર્ય સજર્યું હતું. પુરુષ ટીમના કેપ્‍ટન સિદ્ધરાજસિંહ સોલંકી તેમજ મહિલા ટીમના કેપ્‍ટન મૈત્રી જોશીએ સાહસ અને કુનેહ દ્વારા ક્‍વોલિફાય સમયમાં મેરેથોન પૂરી કરી હતી. રાજકોટ ક્‍યાક કોનેય એસોસિએશનના પ્રમુખ ડો. નીલા મોહિલે તથા ડો. અલકા જોશી, સેક્રેટરી અને કોચશ્રી બંકિમ જોશી દ્વારા આ તમામ ખેલાડીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્‍યું હતું.

‘ખેલેગા ઈન્‍ડિયા, જુડેગા ઈન્‍ડિયા'ની થીમ સાથે શરૂ થયેલા રાષ્ટ્રીય ખેલથી ચોમેર માહોલ રમતમય બની રહ્યો છે, ત્‍યારે રાજકોટમાં બીજી ઓક્‍ટોબરથી યોજાવા જઈ રહેલી સ્‍વિમિંગની સ્‍પર્ધાઓના ખેલાડીઓનું આગમન થઈ ચૂક્‍યું છે.

સ્‍વિમિંગ કોચશ્રી બંકિમ જોશીએ જણાવ્‍યું હતું કે, સ્‍વિમિંગની સ્‍પર્ધાઓમાં ભાગ લેનારા આર્યન નહેરા, માના પટેલ, શ્રી હરિ નટરાજન, રિદ્ધિકુમારી તેમજ નેશનલ કોચ પ્રદીપકુમાર વગેરે રાજકોટ ખાતે આવી ચૂક્‍યા છે. ઉપરાંત રાષ્ટ્રીય રાફિટંગ ચેમ્‍પિયનશીપમાં શાનદાર પ્રદર્શન કરનારી ટીમ પણ રાજકોટ આવી પહોંચી છે.

નોંધનીય છે કે, રાજકોટમાં બીજી ઓક્‍ટોબરથી સ્‍વિમિંગની વિવિધ સ્‍પર્ધાઓ શરૂ થશે. જેમાં સ્‍વિમિંગની ૧૭ જેટલી ઈવેન્‍ટસ્‌, ડાઈવિંગની ૩ પ્રકારની ઈવેન્‍ટ તેમજ વોટર પોલોની સ્‍પર્ધાઓ થશે. આ સ્‍પર્ધાઓમાં આશરે ૭૦૦ જેટલા ખેલાડીઓ ભાગ લેનાર છે.

(3:42 pm IST)