રાજકોટ
News of Monday, 29th November 2021

કાર કૂવામાં ખાબકતાં એકના એક દિકરા અજય પીઠવાના મોતથી દેવપરાના લૂહાર પરિવારમાં કલ્પાંત

ભાણેજના લગ્નના જમણવારમાંથી કારમાં આટો મારવા નીકળ્યો ને મવડી રોડ પર કાળ ભેટી ગયો : આગળ જતી રિક્ષાના ચાલકે ઓચીંતી બ્રેક મારતાં તેને બચાવવાના પ્રયાસમાં બેકાબૂ કાર પ્લોટની દિવાલ તોડી કૂવામાં ખાબકીઃ અજયનું મોતઃ સાથેના વિરલ તથા અમિતનો બચાવ : બે યુવાન કારના સનરૂફમાંથી બહાર નીકળી ગયા, અજય ન નીકળી શકયો

રાજકોટ તા. ૨૯: મવડી રોડ પર આસોપાલવ હાઇટ્સ પાસે રવિવારે બપોર બાદ એક રિક્ષાને બચાવવાના પ્રયાસમાં કારચાલકે કાબૂ ગુમાવતાં કાર પ્લોટની ફોલ્ડીંગ દિવાલ તોડી કૂવામાં ખાબકતાં દેકારો મચી ગયો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે જેસીબીની મદદથી રેસ્કયુ કરી કારને બહાર કાઢી હતી. આ અકસ્માતમાં દેવપરા સંસ્કૃતિ એપાર્ટમેન્ટમાં રહેતાં ૨૬ વર્ષના લુહાર યુવાન અજય અશોકભાઇ પીઠવાનું મોત નિપજ્યું હતું. જ્યારે તેની સાથેના બે સગાનો બચાવ થયો હતો. આ બે કારમાંથી કોઇપણ રીતે બહાર નીકળી ગયા હતાં. જ્યારે અજય પાછળ બેઠો હોઇ તે બહાર ન નીકળી શકતાં જિંદગી ખતમ થઇ ગઇ હતી. લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ ત્રણેય કારમાં સોડા પીવા, આટો મારવા નીકળ્યા ત્યારે આ બનાવ બન્યો હતો. એકના એક યુવાન દિકરાના મોતથી લુહાર પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

જાણવા મળ્યા મુજબ દેવપરામાં રહેતો અજય પીઠવા ગઇકાલે પોતાના સગા મોરબી રોડ પર રહેતાં વિરલ (બિટ્ટુ) દિપકભાઇ સિધ્ધપુરા (ઉ.૨૪) તથા અમિત કાંતિભાઇ કારેલીયા (ઉ.૪૦) સાથે અજયના કોૈટુંબીક ભાણેજના લગ્ન પ્રસંગમાં કાલાવડ રોડ મટુકીમાં આવ્યા હતાં. અહિ બપોરે પોણા બે આસપાસ જમ્યા બાદ વિરલ, અજય અને અમિત કાર લઇ આટો મારવા નીકળ્યા હતાં. આ વખતે અજય પીઠવા પાછળ બેઠો હતો. કાર વિરલ ઉર્ફ બીટ્ટુ ચલાવી રહ્યો હતો. ત્રણેય મવડી રોડ આસોલપાલવ હાઇટ્સ પાસે પહોંચ્યા ત્યારે એકાએક ચાલકે કાબૂ ગુમાવતાં કાર રોડ સાઇડના પ્લોટની દિવાલ તોડી ત્યાં આવેલી વાડીના કૂવામાં ખાબકી ગઇ હતી.

એક રિક્ષા આગળ જતી હોઇ તેના ચાકલે કોઇપણ કારણોસર ઓચીંતી બ્રેક મારતાં તેને બચાવવાના પ્રયાસમાં કાર ચાલકે કાબૂ ગુમાવ્યાનું ખુલ્યું હતું.

કૂવામાં ત્રણ લોકો સાથેની કાર ખાબકી હોઇ આસપાસ હાજર લોકો દોડી ગયા હતાં. તાલુકા પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમો પણ તાબડતોબ પહોંચી હતી. જેસીબીની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. કાર કૂવામાં ખાબકી ત્યારે અજય પાછળ બેઠો હોઇ બહાર ન નીકળી શકતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે વિરલ અને અમિત સનરૂફમાંથી બહાર નીકળી જતાં બચી ગયા હતાં.

તાલુકા પોલીસ મથકના એન. કે. રાજપુરોહિત સહિતે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.  મૃત્યુ પામનાર અજય એક બહેનથી નાનો અને માતા-પિતાનો એકનો એક પુત્ર હતાં. તે પિતા સાથે ફેબ્રીકેશનનું મજૂરી કામ કરતો હતો. યુવાન દિકરાની આજે સવારે અંતિમયાત્રા નીકળી ત્યારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં. તસ્વીરમાં કૂવો અને કાર જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(11:44 am IST)