રાજકોટ
News of Monday, 29th November 2021

મેયરના વોર્ડમાં ઝાડા-ઉલ્ટીના વધુ ૧૩ કેસ : મનપાએ પાણી બંધ કર્યુ

વોર્ડ નં.૧રમાં બે દિ' પહેલા પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયા બાદ ઝાડા-ઉલ્ટીએ માઝા મુકી : શનીવારે અવસર એપાર્ટમેન્ટમાં ૩૧ કેસ મળ્યા બાદ એક જ વિસ્તારમાં શિલ્પ હીસ્ટોરીયામાં ૧૩ કેસ નિકળ્યાઃ આરોગ્યની ટુકડી દ્વારા સર્વેઃ બોરનું પાણી અને મ.ન.પા. દ્વારા અપાતા પાણીના નમુના લેવાયાઃ કલોરીન ટિકડીઓનું વિતરણ

રાજકોટ, તા., ૨૯: શહેરના વોર્ડ નં. ૧ર માં એટલે કે મેયર પ્રદીપ ડવ જયાંથી ચુંટાયા છે ત્યાં ઝાડા-ઉલ્ટીના રોગચાળાએ માઝા મુકી છે. કેમ કે બે દિવસ અગાઉ જ આ વોર્ડમાં પીવાના પાણીની લાઇન સાથે ગટરનું પાણી ભળી જવાથી વિસ્તારનાં અવસર એપાર્ટમેન્ટમાં ઝાડા-ઉલ્ટીના ૩ર કેસ મળી આવ્યા હતા અને આજે ફરી આજ વિસ્તારનાં શિલ્પ હિસ્ટોરીયા નામના એપાર્ટમેન્ટમાં ઝાડા-ઉલ્ટીના ૧૩ કેસ મળી આવતા મ.ન.પા.નું સમગ્ર તંત્ર દોડધામમાં પડી ગયું હતું અને વોર્ડમાં તાત્કાલીક ધોરણે મ.ન.પા. દ્વારા થતું પાણી વિતરણ બંધ કરાવી અને વિકલ્પે ટેન્કર દ્વારા કલોરીનયુકત શુધ્ધ પાણી વિતરણ શરૂ કરાવવાની ફરજ તંત્રવાહકોને પડી હતી.

આ અંગે આરોગ્ય અધિકારીઓએ સત્તાવાર જાહેર કર્યા મુજબ ગઇ તા.ર૭મીએ  શહેરના મવડી વિસ્તાર માં ૮૦ ફૂટ રોડ, દિવાળી ચોક માં આવેલ અવસર એપાર્ટમેન્ટમાં ઝાડા ઉલ્ટીના કેસોની માહિતી મળતાં, આરોગ્યની ૬ ટીમ દ્વારા અવસર એપાર્ટમેન્ટના ૬૮ ફલેટ તેમજ બાજુમાં આવેલ દિવાળી પાર્કમાં ૪૨ ઘરોમાં સઘન સર્વે કરવામાં આવ્યો અને અંદાજિત ૫૦૦ લોકોનો સર્વે કરાયો. જેમાં ૩૨ જેટલા ઝાડા - ઉલ્ટીના કેસો જોવા મળ્યા, જેમાંથી એક પણ કેસને દાખલ કરવાની જરૂર જણાયેલ ના હતી તેમજ પ્રથમ કેસ તા. ૨૫ના જોવા મળેલ. જેના અનુસંધાને આરોગ્ય ટીમ દ્વારા ૧૧૦૦ જેટલી કલોરિનની ગોળીનું વિતરણ કરવામાં આવ્યું, 

ફલેટના ટાંકા, બોર તેમજ ઘરમાંથી પીવાના પાણીના સેમ્પલ બેકટેરિયલ ઇન્ફેકશન ચેક કરવા માટે લીધેલ તેમજ  એક મોબાઈલ ડીસ્પેન્સરી આ સ્થાન પર રહે અને લોકોને જરૂરિયાત પ્રમાણેની દવા સ્થળ પર જ મળી રહે તેવું સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.

દરમિયાન મેયર પ્રદીપ ડવે જાતે સ્થળ પર જઇને સમગ્ર વિસ્તારમાં રોગચાળાનો સર્વે કરાવી અને પાણીના નમુનાઓ લેવા સુચના આપી હતી.

મેયરની સુચના અન્વયે આરોગ્ય વિભાગે કરેલા સર્વે દરમિયાન આજે વોર્ડ નં. ૧રમાં આવેલ 'શિલ્પ હિસ્ટોરીયા' એપાર્ટમેન્ટમાં આજે પણ ઝાડા-ઉલ્ટીના વધુ-૧૩ કેસ મળી આવતા આમ  એક જ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીનો રોગચાળો વકરતા તંત્રએ તાત્કાલીક ધોરણે મ.ન.પા. દ્વારા વિતરણ થતુ પાણી બંધ કરાવી દીધુ અને ટેન્કર દ્વારા કલોરીનવાળુ શુધ્ધ પાણી વિતરણ કરવાની વૈકલ્પીક વ્યવસ્થા કરાવી હતી.

આ ઉપરાંત વોટર વર્કર્સ વિભાગની ટીમે મ.ન.પા. દ્વારા અપાતા પાણીનાં નમુનાઓ લીધા હતા. તેમજ જે સ્થળે ઝાડા-ઉલટીના કેસ મળ્યા ત્યાંના બોરના પાણીના પણ નમુનાઓ લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

જયારે આરોગ્ય વિભાગ દ્વારા સર્વે ચાલુ રખાયો છે અને વિસ્તારવાસીઓને કલોરીનની ટીકડીઓનું વિતરણ કરી કલોરીનવાળુ શુધ્ધ પાણી જ પીવાની સલાહ આપી હતી.

આમ મેયરનાં વોર્ડમાં ઝાડા-ઉલટીના કેસ વધતા  સમગ્ર તંત્ર દોડધામમાં પડી ગયું હતું.

(3:20 pm IST)